Wed Apr 29 2026

Logo

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કયા વોર્ડમાંથી કોની જીત, જાણો વિજેતાઓની સંપૂર્ણ યાદી

2026-04-29 11:22:00
Author: Mayurkumar Patel
Article Image

સુરતઃ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો હતો. મનપાની 120 બેઠકો પૈકી 115 બેઠકો પર ભગવો લહેરાતા ભાજપના કાર્યકર્તાઓ વંદે માતરમ, ભારત માતા કી જયના નારા લગાવીને ભાજપના કાર્યકર્તાઓએ માહોલ ગજવી દીધો હતો. આમ આદમી પાર્ટીએ 4 બેઠકો જીતીને સંતોષ માનવો પડયો હતો. જયારે કોંગ્રેસે એક બેઠક પ્રાપ્ત કરીને મનપામાં ખાતુ ખોલાવ્યું હતું. ઉમેદવારોને વિજેતા જાહેર કરતાની સાથે જ કાર્યકર્તઓએ ઉમેદવારોને ખભા પર બેસાડીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. 2021ની તુલનામાં આ વખતે શહેરમાં AAPનો સફાયો થયો હતો.

 

વર્ષ 2021માં યોજાયેલી સુરત મનપાની ચૂંટણીમાં ભાજપને 93 બેઠક મળી હતી. આ વખતે બેઠકોમાં ઘટાડો થાય તેવી ચર્ચા હતી પરંતુ મનપામાં ભાજપે 120માંથી 115 બેઠક જીતીને ઈતિહાસ રચ્યો હતો. સુરત મનપામાં છઠ્ઠી વખત ભાજપનું શાસન આવશે. સુરત મનપાની વર્ષ 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ઉભરીને બહાર આવી હતી. અંદાજે 90થી વધુ બેઠકો પર આપ દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલનની હવાને કારણે  પાટીદાર ધરાવતા વિસ્તારના વોર્ડ નં 2 (કોસાડ-મોટાવરાછા-કઠોર), વોર્ડ નં 3 (વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા), વોર્ડ નં 4 (કાપોદ્રા), વોર્ડ નં 5 (ફુલપાડા-અશ્વનિકુમાર), વોર્ડ નં 16 (પુણા-વેસ્ટ) અને વોર્ડ નં 17(પુણા-ઈસ્ટ)માંથી આપની આખી પેનલ જીતીને આવી હતી. જયારે ક્રોસ વોટીંગ થવાને કારણે વોર્ડ નં 7 (કતારગામ-વેડ)માંથી બે અને વોર્ડ નં 8 (ડભોલી-સીંગણપોર)માંથી એક મળી કુલ 27 ઉમેદવારો જીત્યા હતા.  

આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન આપના ઉમેદવારોને સારો પ્રતિસાડ સાપંડયો હતો. આ સાથે ભાજપથી વિમુખ થયેલા પાટીદારો આપને સમર્થન આપે તેવું જોવાઈ રહ્યું હતું. આપ તરફેનું વાતવરણ જોઇ એક તબક્કે ભાજપના આગેવાનોમાં પણ ઉચાટ જોવા મળ્યો હતો. જેને પગલે ભાજપ દ્વારા સૌથી વધુ પ્રચાર વરાછા અને કતારગામ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. પ્રચારના અંતિમ દિવસે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની જનસમર્થન યાત્રા તેમજ જાહેરસભાનું આયોજન પણ પાટીદાર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસોને પગલે ભાજય તરફે વાતાવરણ બન્યું હતું

વરાછા અને કતારગામના રાજકારણના સમીકરણો બદલાતા  ભાજપ તરફે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. ગત ચૂંટણીમાં આપને મળેલી 27 બેઠકો પૈકી 23 બેઠકો પર ભાજપનું કમળ ખિલ્યું હતું. જયારે વોર્ડ નં 17 (પુણા-ઈસ્ટ)માં આપના ઉમેદવારને જનસમર્થન પ્રાપ્ત થતા તેમનો વિજય થયો હતો. આખી પેનલ જીતીને આવી હતી. મનપાના પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરીયાને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.