Tue Oct 06 2026

Logo

પશ્ચિમ કચ્છ: PGVCLની મોટી કાર્યવાહી, 5 દિવસમાં ₹2.42 કરોડની વીજચોરી ઝડપાઈ

2026-07-11 13:33:00
Author: Mumbai Samachar Team
પશ્ચિમ કચ્છ: PGVCLની મોટી કાર્યવાહી, 5 દિવસમાં ₹2.42 કરોડની વીજચોરી ઝડપાઈ

ભુજ: પશ્ચિમ કચ્છમાં વીજચોરી કરતા તત્વો પર લગામ કસવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભુજ સર્કલ હેઠળના વિવિધ વિસ્તારોમાં એક વ્યાપક વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સતત પાંચ દિવસ સુધી ચાલેલી આ વિશેષ ડ્રાઇવ દરમિયાન તંત્રએ રૂપિયા ૨.૪૨ કરોડની અધધ વીજચોરી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં ગેરકાયદે વીજ જોડાણ ધરાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી વિગતો મુજબ, ભુજ શહેર, માંડવી, મુન્દ્રા, નલિયા, રવાપર, ભુજોડી, કુકમા અને ખાવડા સહિતના સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીની કુલ ૨૮ જેટલી વિશેષ ટુકડીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ટુકડીઓએ સઘન તપાસ કરીને કુલ ૨,૫૮૫ જેટલા વીજ જોડાણો ચકાસ્યા હતા.

આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન કુલ ૨૨૭ વીજ જોડાણોમાં મીટર સાથે ચેડાં, ડાયરેક્ટ લાઈન કે અન્ય રીતે આચરાતી ગંભીર ગેરરીતિઓ અને વીજચોરી પકડી પાડવામાં આવી હતી. વીજ કંપની દ્વારા આ તમામ કસૂરવાર ગ્રાહકોને વીજચોરી સબબ કુલ રૂપિયા ૨.૪૨ કરોડના આકરા દંડનીય બિલ ફટકારવામાં આવ્યા છે. વીજતંત્રની આ કડક અને આક્રમક કામગીરીને પગલે આગામી દિવસોમાં પણ ચેકિંગનો દોર ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)