કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના નૈહાટી વિધાનસભા ક્ષેત્રના તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સનત ડેની પોલીસે ધરપકડ કરી લીધી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પોલીસે કાર્યવાહી કરીને સનત ડેને દત્તાપુષ્ટ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી ઝડપી પાડ્યા હતા. હવે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
સનત ડેની શા માટે ધરપકડ કરવામાં આવી?
વિગતે વાત કરવામાં આવે તો, તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસામાં સામેલ હોવાના ગંભીર આરોપો હતા. આ સિવાય સ્થાનિક સ્તરે બળજબરીથી વસૂલી કરવા અને ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવાના પણ અનેક આક્ષેપો તેમના પર લાગેલા હતા. ધરપકડ બાદ જ્યારે પોલીસ સનત ડેને ગાડીમાં બેસાડીને નૈહાટી પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી, ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને તેમણે પૂર્વ ધારાસભ્ય સામે 'ચોર-ચોર'ના જોરદાર નારા લગાવ્યા હતા.
તાજેતરની ચૂંટણીમાં થયો હતો પરાજય
સનત ડે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા. ભાજપના ઉમેદવાર સુમિત્રો ચેટર્જીએ તેમને 10 હજારથી વધુ મતોના તફાવતથી પરાજય આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સનત ડે 2024માં યોજાયેલી પેટાચૂંટણીમાં નૈહાટી સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. અગાઉના પ્રધાન પાર્થ ભૌમિક બારકપુરથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બનતા આ બેઠક ખાલી પડી હતી, જ્યાંથી સનત ડે ચૂંટાયા હતા.
જનતાના આક્રોશનો પણ કરવો પડ્યો હતો સામનો
બંગાળમાં રાજકીય સમીકરણો બદલાયા બાદ અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તેવામાં હવે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ટીએમસીના નેતાઓ સામે સ્થાનિક જનતાનો આક્રોશ જોવા મળ્યો હતો. સનત ડે પર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરીને તાનાશાહી ચલાવવાનો આક્ષેપ હતો. આ અગાઉ વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ તેમના પર ઈંડા ફેંકીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.