કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે. જેમાં અનેક જગ્યાઓએ ઇવીએમને લઇને ફરિયાદ આવી રહી છે. જેમાં ડાયમંડ હાર્બર વિસ્તારના ફાલ્ટામાં ઇવીએમ પર ભાજપના વિકલ્પ પર ટેપ ચોંટાડવામાં આવી હોવાનો આરોપ લગાવતા ભાજપે ફરિયાદ નોંધાવી છે.જેની બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે જે જગ્યાએ આવી ગડબડી જોવા મળશે ત્યાં ફરીથી મતદાન કરાવવામાં આવશે. આ ઉપરાંત અનેક સ્થળોએ ઇવીએમ મુદ્દે વિવાદ વધતાં મતદાન અટકાવી દેવામાં આવ્યું છે.
બુથ પર ફરીથી મતદાન કરાવવામાં આવશે
પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, જો ઇવીએમ પર વિકલ્પો સામે ટેપ લગાવવાના અહેવાલ આવે તો તેની તરત જ તપાસ થવી જોઇએ. તેમજ અહેવાલ સાચા સાબિત થાય તો તે બુથ પર ફરીથી મતદાન કરાવવામાં આવશે.
ભાજપે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરીથી મતદાનની માંગ કરી
આ અંગે ભાજપના પશ્ચિમ બંગાળના સહ-પ્રભારી અમિત માલવિયાએ આરોપ લગાવ્યો હતો કે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન ડાયમંડ હાર્બર વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા ફાલ્ટાના ઘણા મતદાન મથકો પર મતદારોને પક્ષના ઉમેદવાર પસંદ કરવાથી અટકાવવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે અસંખ્ય બૂથ પર ભાજપને મત આપવાનો વિકલ્પ પર ટેપ લગાવીને અવરોધિત કરવામાં આવ્યો હતો.તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરીથી મતદાનની માંગ કરી.
ટીએમસીએ ફરિયાદ ખોટી ગણાવી
જોકે, બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે ભાજપની ઇવીએમ પર ટેપ લગાવવાની ફરિયાદ ખોટી ગણાવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ બિનજરૂરી વિવાદ કરી રહ્યું છે કારણ કે તેને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સ્થિત ડાયમંડ હાર્બરને મમતા બેનર્જીના ભત્રીજા અને લોકસભા સાંસદ અભિષેક બેનર્જીનો ગઢ માનવામાં આવે છે.