Wed Apr 29 2026

Logo

ગુજરાતમાં અંગ દઝડાતી ગરમી વચ્ચે અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?

2026-04-29 09:33:42
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. અમદાવાદમાં હીટવેવનો અનુભવ થઈ રહ્યો છે.  રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ ગુજરાતમાં થોડા દિવસો ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે, પરંતુ મે મહિનામાં કુદરતનો અલગ જ મિજાજ જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 6થી 10 મે દરમિયાન ગુજરાત સહિત દેશભરના હવામાનમાં પલટો આવશે અને પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. જ્યારે 11થી 20 મે દરમિયાન રાજ્યમાં ભારે પવન અને વંટોળ ફૂંકાશે. આ ગાળા દરમિયાન વાવાઝોડા જેવો માહોલ સર્જાવાની શક્યતા છે, જેમાં પવનની ગતિ 25 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ રહી શકે છે. આ કુદરતી આફતને કારણે કાચા મકાનો અને પતરાં ઉડવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત 23 મે દરમિયાન ફરી એકવાર હવામાન અણધાર્યો વળાંક લેશે. ગરમી અને વંટોળની સાથે સમુદ્રી હલચલ પણ વધશે. 15 મે પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે, જે જૂનની શરૂઆત સુધી સક્રિય રહી શકે છે. તેવી જ રીતે, અરબી સમુદ્રમાં પણ 15 જૂન સુધી વાવાઝોડાની ગતિવિધિઓ જોવા મળી શકે છે. અંડમાન-નિકોબારમાં 12 મેથી વરસાદની શરૂઆત થઈ જશે અને 28 મે બાદ ત્યાં ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા

સમગ્ર રાજ્યમાં ઉનાળાએ આકરું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં છે. બપોરના સમયે તો ચામડી બાળી નાખતી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. વામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના આંતરિક વિસ્તારોમાં પારો 40થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. જોકે, રાહતના સમાચાર એ છે કે આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ધીમેધીમે ઘટાડો થઈ શકે છે. જ્યારે બુધવારે અમદાવાદનું તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 

અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.2 નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.6 ડિગ્રી વધારે હતું. જ્યારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. રાજ્યના અન્ય ભાગોમાં પણ કાળઝાળ ગરમી યથાવત રહી હતી ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે,  સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે અસ્વસ્થતા વધશે. આ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલીમાં 42.9 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, ભાવનગરમાં 39.7 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી, દાહોદમાં 38.3 ડિગ્રી, દમણમાં 36.8 ડિગ્રી, ડીસામાં 41.8 ડિગ્રી, દીવમાં 32.5 ડિગ્રી, દ્વારકામાં 33.5 ડિગ્રી, ગાંધીનગરમાં 42.8 ડિગ્રી, કંડલામાં 39.0 ડિગ્રી, નલીયામાં 37.8 ડિગ્રી, ઓખામાં 36.0 ડિગ્રી, પોરબંદરમાં 35.1 ડિગ્રી, સુરતમાં 35.2 ડિગ્રી, વેરાવળમાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન

દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં ભયાનક ગરમીથી પરેશાન લોકોને આજે રાહત મળી હતી. આંધી અને વરસાદના કારણે મોસમનો મિજાજ બદલાયો હતો. તાપમાનનો પારો ગગડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પૂર્વોત્તર ભારતમાં વરસાદની સાથે ગાજવીજ થશે. તેમજ 40 - 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બિહાર અને રાજસ્થાનમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.  મિઝોરમના 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. જમ્મુ-કાશ્મીરમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.