Tue Oct 06 2026

Logo

નખત્રાણા પંથકમાં અડધો ઇંચ વરસાદથી માર્ગો પર પાણી વહ્યાં: ભુજમાં વરસાદી ઝાપટાં

2026-09-18 13:14:00
Author: Mumbai Samachar Team
નખત્રાણા પંથકમાં અડધો ઇંચ વરસાદથી માર્ગો પર પાણી વહ્યાં: ભુજમાં વરસાદી ઝાપટાં

ભુજઃ કચ્છ પંથકમાં ગણેશોત્સવના પાવન પર્વ વચ્ચે વરુણદેવની કૃપાદૃષ્ટિ યથાવત્ રહી છે. નખત્રાણા તાલુકામાં અડધો કલાક સુધી વરસેલી ધીમી ધારની મેઘમહેરે અડધો ઇંચ જેટલું પાણી વરસાવી દેતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં, જ્યારે જિલ્લા મથક ભુજ સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ક્યાં પડ્યો વરસાદ

નખત્રાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, સવારના અરસામાં મોટી વિરાણી, વાંઢ, રામેશ્વર, સુખપર, ભારાપર તેમજ દેવસર સહિતના ગામોમાં શાંત ધારે કાચું સોનું વરસ્યું હતું. પિયોણી પંથકના રામપર, મોસુણા, બેરૂ અને સાંગનારા પંથકમાં પણ અડધો ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દેવીસર અને ભૂખી ડેમ વિસ્તારમાં સારા વરસાદને પગલે સીમ-માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતાં. પશ્ચિમ સરહદી વિસ્તાર એવા હાજીપીર, લુણા અને બુરકલ પંથકમાં પણ સવારે હળવા વરસાદી રાઉન્ડથી રસ્તાઓ ભીંજાયા હતા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.

બીજી તરફ, જિલ્લા મથક ભુજમાં સમયાંતરે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં, જેનાથી માર્ગો ભીંજાયા હતા. જોકે, ઝાપટાં બાદ વરસાદ અટકી જતાં શહેરનું જનજીવન રાબેતા મુજબ ધબકતું રહ્યું હતું. ભાદરવાના પ્રારંભે વરસી રહેલા આ કાચા સોના જેવા વરસાદથી ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લાગણી છવાઈ છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, કચ્છમાં સિઝનનો સરેરાશ 57.16 ટકા વરસાદ વરસ્યો છે. અબડાસામાં 37.89 ટકા, અંજારમાં 53.30 ટકા, ભચાઉમાં 63.84 ટકા, ભુજમાં 57.44 ટકા, ગાંધીધામમાં 63.77 ટકા, લખપતમાં 47.73 ટકા, માંડવી (કચ્છ)માં 61.08 ટકા, મુન્દ્રામાં 51.82 ટકા, નખત્રાણામાં 47.13 ટકા અને રાપરમાં 82.62 ટકા વરસાદ પડ્યો છે.


(ઉત્સવ વૈદ્ય)