Sun May 31 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ વાળની સમસ્યા માટે વીઆઈપી વિટામીન- B12

2026-03-17 10:49:00
Author: Dr. Harsha Chadwa
Article Image

 


ડૉ. હર્ષા છાડવા


આજનો વર્તમાન સમય એ ટેક્નોલોજીનો સમય છે. જેના કારણે લોકોની લાઈફસ્ટાઈલમાં જબરું પરિવર્તન આવ્યું છે. જીવન જીવવાની શૈલી, ખાનપાનમાં બાહ્ય વસ્તુઓનો વપરાશ વધ્યો છે જેથી વિટામિન અને પોષક તત્ત્વોની ખામી વધુ જણાઈ રહી છે. નાની વયમાં વાળ ખરવાની સમસ્યા, અકાળે સફેદ થવાની સમસ્યાએ વધુ જોર પકડયું છે. આ સમસ્યાને ઠીક કરવું બહુ મુશ્કેલ નથી ફક્ત જાગૃતતાની જરૂર છે.


વીઆઈપી વિટામિન એટલે કે વિટામિન B12 છે. જે રેડ બ્લ્ડ સેલ માટે ડી.એન.એ. માટે જરૂરી છે. અસ્થિમજજામાં લાલ રક્ત કોશિકા (રેડ બ્લડ સેલ)ના ઉત્પાદન માટે જરૂરી છે. જો રક્ત કોશિકાનો આકાર પહોળો કે અનિયમિત થઈ જાય ત્યારે મેગાલો બ્લાસ્ટિક એનિમિયા નામક એક એનિમિયા થાય છે. વિટામિન B12 માઈલીન શીથ (કોશિકા ઉપરનું રક્ષણાત્મક આવરણ) સંશ્ર્લેષણમાં ભૂમિકા ભજવે છે. એટલે કે તંત્રિકા તંતુઓને ઢાંકવાનું એક સુરક્ષાત્મક આવરણ છે. આ આવરણ ખુલ્લું થાય ત્યારે ઈલેક્ટ્રિક શોક લાગે તેવું થાય છે જેના કારણે હાથપગમાં ઝણઝણાટી કે સુનાપણું લાગે છે. ચાલવામાં તકલીફ થાય છે. યાદશક્તિ બગડે છે. અમીનો એસિડ અને ફેટી એસિડના ચયાપચન પણ ભાગ લે છે. જેથી ઊર્જા ઉત્પાદન થાય તે પણ ખોરવાય છે.
 

વાળના રોમ સુધી ઓક્સિજન અને પોષણ તત્ત્વો પહોંચાડવામાં પરિવહનનું કામ કરે છે. જેથી ખોપડીમાં રક્ત સંચાર વધે. વાળના રોમ ઉત્તેજિત થાય અને તેનો વિકાસ થાય. વિટામિન B12 કેરાટીનના ઉત્પાદનમાં સહાયક છે જે એક પ્રોટીન છે જે વાળની સંરચનાનું નિર્માણ કરે છે જેના કારણે વાળ ચમકદાર, મુલાયમ અને મજબૂત બને છે. મેલાલીનના ઉત્પાદનમાં પણ વિટામિન B12 આવશ્યક ભૂમિકા નિભાવે છે. જેથી વાળનો કાળો રંગ જળવાઈ રહે છે. નબળું મેલાલીનની ઊણપ વાળને અકાળે સફેદ બનાવી દે છે. સીબમ એક પ્રાકૃતિક તેલ જે ખોપડીમાં ઉત્પન્ન થાય છે. આ સીબમ બનાવવા પણ વિટામિન B12 ની જરૂર પડે છે. સીબમના કારણે વાળનો વિકાસ થાય છે. આ વિકાસ અટકી જાય તો વાળ ખરવા લાગે છે.


વિટામિન B12 જેને કોબલમિન પણ કહેવાય છે. જે પાણીમાં ધુલનશીલ છે જેથી ચયાપચનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધુલનશીલ હોવાથી આ વિટામિનની જરૂરિયાત રોજ પડે છે. જો આ વિટામિન લાંબા સમય સુધી રહી શકત તો સમસ્યા ન થાય પણ સંગ્રહિત નથી થતો તેથી આની જરૂરિયાત રોજ પડે છે. તેના કારણે જ આને વીઆઈપી વિટામિન ગણવામાં આવે છે. શેમ્પૂ કે મોંઘીદાટ હેર ટ્રિટમેન્ટ કોઈ કામ આવતી નથી. શરીરમાં વિટામિન ઇ12ની ઊણપ થાય તો વાળની સમસ્યા રહેવાની જ છે. વાળ માટેનો ધંધો ધમધોકાર ચાલવાનો જ છે. માટે જાગૃતિ જરૂરી છે. કોઈપણ બાહ્ય ચિકિત્સા કામ નથી આવવાની.


જે માંસાહારી છે તેમને વધુ સમસ્યા થતી નથી. શાકાહારીને સમસ્યા છે. આ વાત ખોટી છે. વ્યવસ્થિત આહાર નિયોજન આ સમસ્યાને ટાળી શકાય છે. દાદી-નાનીઓને આ સમસ્યા થઈ નથી. તેઓ પણ શાકાહારી જ હતા. પણ તેઓને આહાર કેવો લેવો, ક્યારે લેવો તેમજ બનાવાની પદ્ધતિનું અનેરું જ્ઞાન હતું. અભણ હોવા છતાં પણ આહારની બાબતમાં વૈજ્ઞાનિક હતા. સવારમાં છાશ વલોવતા માખણ તાજું ખાતા. 


રાતે વધેલા ભાતમાં છાશ નાખીને ખવાતા, રોટલા કે રોટલીને દહીં સાથે કે માખણ સાથે ખાતા. જેથી સવારમાં જ અડધી ગરજ તો પૂરી થઈ જતી. વલોણું કરવામાં શરીરને કસરત મળી જતી. અલગ અલગ પ્રકારની કાંજીઓ માટલામાં બનાવતા. કાંજી એટલે ફરમેન્ટ કરેલું પીણું. જેથી વિટામિન બી12 ભરપૂર મળતું. 


થેપલામાં છાશ અને અજમો નાખતા. જે બે દિવસ ટકી શકતા હતા. તેમાંથી પણ વિટામિન મળી રહેતું. જુવારના લોટ, બાજરાના લોટ, મકાઈના લોટની ઘેંસ બનાવી વાપરતા. જે છાશ નાખીને બને છે. પ્રાકૃતિક રીતે જે અથાણાં બનતા તે પણ વિટામિન ઇ12નો સારો સ્ત્રોત છે. અથાણાં પ્રાકૃતિક રીતે બનેલા જ હોવા જોઈએ. પ્રિઝર્વેટિવ વાળા અથાણાં નહિ. ગાજરનું અથાણું કે કાંજી લેવાથી વાળને કેરાટીન મળી રહે છે.


શીતળા સાતમ એટલે વાસી ખાવાનું ખાવું જેને બાસોદા કહેવાય છે. એ દિવસે જે વાનગીઓ પ્રાકૃતિક રીતે બનતી તે બધી વિટામિન બી12નો સ્ત્રોત હતો. આજે પણ રાજસ્થાન રાજ્યમાં આ પરંપરા ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ઈડલી, ઢોંસા, અપ્પમ, ઇલિયપ્પમ જેવી વાનગીઓ બધી જ વિટામિન B12 નો જબરો સ્ત્રોત ધરાવે છે. મહારાષ્ટ્રમાં બનતી આંબીલ, અનારસા જેવી વાનગી પણ ફરમેન્ટ કરીને બનાવવામાં આવે છે. ગુજરાતમાં થેપલા, હાંડવો, ઢોકળા, ઇદડા, ઢેબરા, ખાટાલોટ, સુરતીલોચો વગેરેમાં પણ આ વિટામિન મળી રહે છે.

 

યીસ્ટનો ઉપયોગ ઘરના ખાવામાં કરવાથી આ વિટામિનની સમસ્યા રહેતી જ નથી. યીસ્ટ એ વિટામિન-બીનો મોટો સ્ત્રોત છે. આમાં લગભગ બધા જ પ્રકારના વિટામિન-બી મળી રહે છે. ઢોકળા, ઈડલી કે હાંડવો તેમજ તંદુરી રોટી ઘરે બનાવો ત્યારે સોડાની જગ્યાએ ડ્રાયયીસ્ટનો ઉપયોગ કરી આ વિટામિનની ગરજ સો ટકા જેટલી  પૂરી કરી શકાય છે.


સંતરા, મોસંબી, ચીકુ, પપૈયું જેવા ફળમાં આ વિટામિન હાજર છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ લોકો કરી રહ્યા છે પણ પ્રાકૃતિક રીતે જો વાનગીઓ બનાવામાં આવે. જીવનશૈલી સુધારવાથી જ આ સમસ્યા નિવારી શકાય છે. બાકી બધું જ બેકાર છે.


વિટામિન-બીના શોષણ માટે વિટામિન ડી-3ની ગરજ પડે છે તે સૂર્યપ્રકાશથી જ મળી રહે છે. તડકાનો ઉપયોગ કરો. બહાર પ્રકૃતિ સાથે જોડાવાથી સમસ્યા રહેતી નથી. નકામી ટ્રિટમેન્ટોથી બચો. પોતાનો સમય અને પૈસા બચાવો.

‘નકામી બૂમો પાડતાં લોકોથી બચો.’