Wed Sep 02 2026

Logo

વિરાટ અને ટ્રેવિસ હેડ વચ્ચે અણબનાવ, કિંગ કોહલીએ હાથ ન મિલાવ્યા!

2026-05-23 11:22:00
Author: Ajay Motiwala
વિરાટ અને ટ્રેવિસ હેડ વચ્ચે અણબનાવ, કિંગ કોહલીએ હાથ ન મિલાવ્યા!

હૈદરાબાદ: અહીં શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે આઈપીએલની જે 67મી લીગ મૅચ રમાઈ ત્યાર પછી આરસીબીના લેજન્ડ વિરાટ કોહલીએ હૈદરાબાદના ઑસ્ટ્રેલિયન ઓપનિંગ બૅટ્સમૅન ટ્રેવિસ હેડ સાથે હાથ નહોતા મિલાવ્યા.

આ મૅચમાં એવું કઈંક બન્યું હતું કે હૈદરાબાદની જીત સાથે મૅચનું પરિણામ આવી ગયું ત્યાર પછી વિરાટ કોહલી (KOHLI)એ લાઇનબંધ ઊભેલા હૈદરાબાદના ખેલાડીઓમાંથી કેપ્ટન પેટ કમિન્સ અને ઓપનર અભિષેક શર્મા સાથે હૅન્ડ શેક કર્યા હતા, પરંતુ ટ્રેવિસ હેડે હાથ લાંબો કર્યો એમ છતાં કોહલીએ તેની સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.
 

હૈદરાબાદે ચાર વિકેટે 255 રન કર્યા ત્યાર બાદ બેંગ્લૂરુની ટીમ ચાર વિકેટે 200 રન કરી શકી હતી અને હૈદરાબાદનો 55 રનથી વિજય થયો હતો. 46 બૉલમાં 79 રન બનાવનાર હૈદરાબાદના ઈશાન કિશનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

આરસીબીની ટીમ 256 રનનો લક્ષ્યાંક ચેઝ કરી રહી હતી એ દરમ્યાન કોહલી અને ટ્રેવિસ હેડ (TRAVIS HEAD) વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે કયા મુદ્દે ખટપટ શરૂ થઈ હતી એ જાણવા નહોતું મળ્યું. જોકે કોહલી બૅટિંગમાં હતો ત્યારે ટ્રેવિસ હેડે કંઈક કમેન્ટ કરી એના જવાબમાં કોહલી બોલ્યો ‘ઓકે, તું બોલિંગ કરવા આવ અને થોડા બૉલ તો ફેંકી જો.' થોડી જ વારમાં કોહલી આઉટ થઈ ગયો ત્યારે ટ્રેવિસ બોલ્યો, ‘દોસ્ત, હું બોલિંગ કરવા આવું એ પહેલાં જ તું આઉટ થઈ ગયો.'

આરસીબીના 200 રનમાં કેપ્ટન રજત પાટીદારના 56 રન હાઈએસ્ટ હતા. વિરાટ કોહલી 15 રનના પોતાના સ્કોર પર સાકિબ હુસૈનના બૉલમાં કવર તરફ ફટકારેલા સીધા શૉટમાં રવિચંદ્રન સ્મરણના હાથમાં કૅચઆઉટ થઈ ગયો હતો.