સન-2023માં આવેલી વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘ટવેલ્થ ફેલ’ ફિલ્મે વિક્રાંત મેસ્સીની જિંદગી એકદમ બદલી નાખી છે. નાના બજેટની આ ફિલ્મે બોક્સ ઓફિસે ગજવી હતી પરિણામે હવે વિક્રાંત મેસ્સીને મળનારી ફિલ્મોમાં ફરક પડી ગયો છે. અત્યારસુધી હીરોઈનલક્ષી અનેક ફિલ્મોમાં હીરોઈનની સાથે હીરો જોઈએ એવી ભૂમિકા કરનારા વિક્રાંતને હવે લોકોએ ગંભીરતાથી લેવા માંડ્યો છે. તેને મુખ્ય ભૂમિકાઓ મળવાની શરૂઆત થઈ ગઈ છે.
‘ટ્વેલ્થ ...’ માટે વિક્રાંત મેસ્સી ફિલ્મફેર એવોર્ડ, નેશનલ એવોર્ડસ સહિત અનેક એવોર્ડ મળ્યા છે . એક અભિનેતા તરીકે તેને આ ફિલ્મે ભરપૂર સફળતા અપાવી છે. જોકે, વિક્રાંતે ટી.વી. સિરિયલ, ઓટીટી માટેની સિરીઝ અને બોલિવૂડની અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોને આકર્ષિત કર્યા જ છે, પણ એ અગાઉ તેણે ખૂબ સંઘર્ષ પણ કર્યો છે.
વિક્રાંતનું નસીબ એટલું સારું છે કે તેને શરૂઆતથી જ સારી સિરિયલો અને સારી ફિલ્મો મળી છે. સિરિયલોની વાત કરીએ તો વિક્રાંતે 2007માં પહેલી હિન્દી સિરિયલ કરી હતી ધૂમ મચાઓ ધૂમ ત્યાર પછી ધરમવીર-બાલિકા વધૂ- બાબા ઐસો વર ઢૂંઢો - ગુમરાહ-એન્ડ ઓફ ઈનોસન્સ - કબૂલ હૈ - યહ હૈ આશિકી, અજબ ગજબ ઘર જમાઈ જેવી સિરિયલો 2014 સુધી કરી.
આ દરમિયાન તેને 2013માં પહેલી હિન્દી ફિલ્મ મળી ‘લૂટેરા’ . 2015માં ‘દિલ ધડકને દો’, પછી અ ડેથ ઈન ધ ગૂંજ, હાફ ગર્લફ્રેન્ડ, લિપસ્ટીક અંડર માય બુરખા, છપાક, કાર્ગો, ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે, જિની વેડ્સ સન્ની, રામપ્રસાદ કી તેરહવી, સ્વિચ, હસીન દિલરૂબા, 14 ફેરે, લવ હોસ્ટેલ, ફોરેન્સીક, ગેસલાઈટ, મુંબઈકર, ટ્વેલ્થ ફેઈલ, બ્લેક આઉટ, ફીર આઈ હસીન દિલ રૂબા, સેક્ટર 36, ધ સાબરમતી રિપોર્ટ, આંખો કી ગુસ્તાખિયા, ઓ’ રોમિયો જેવી ફિલ્મો કરી.
આમાંની મોટાભાગની ફિલ્મો હીરોઈનલક્ષી હતી. 2023ની ‘ટ્વેલ્થ ફેલ’ ફિલ્મે વિક્રાંતને સ્ટાર બનાવી દીધો અને 2024માં આવેલી ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મે તેને વધુ નામના અપાવી.
2020માં તેની અને યામી ગૌતમની ‘જિની વેડ્સ સન્ની’ ફિલ્મને સારો આવકાર મળતાં હવે આવતા અઠવાડિયે આ ફિલ્મની સિક્વલ સમી ફિલ્મ ‘જિની વેડ્સ સન્ની ટુ’ રજૂ થઈ રહી છે.
2018થી વિક્રાંતે ઓટીટી પર પણ પર્દાપણ કર્યું. તેમાં મિર્ઝાપુર, તીન પહેલિયાં, બ્રોકન બટ બ્યુટીફુલ, ક્રિમિનલ જસ્ટીસ અને ‘મેડ ઈન હેવન’ જેવી સીરિઝનો સમાવેશ થાય છે. 2018માં આવેલી ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ સિરીઝ દરમિયાન અભિનેત્રી શીતલ ઠાકુર સાથે તેની ઓળખાણ થઈ. 2019માં તેમણે સગાઈ કરી અને 14 ફેબ્રુઆરી 2022નાં પરણી પણ ગયા. સાત ફેબ્રુઆરી 2024ના તેમને ત્યાં પુત્રનો જન્મ થયો છે.
ત્રણ એપ્રિલ-1987નાં ખ્રિસ્તી પિતા જોલી મેસ્સી અને શીખ માતા મીનાને ત્યાં વિક્રાંતનો જન્મ થયો છે. તેનાં મોટાભાઈએ ઈસ્લામ ધર્મ અંગિકાર કરીને મોઈન નામ રાખ્યું છે. આમ કુટુંબમાં ખ્રિસ્તી, પંજાબી અને ઈસ્લામ ધર્મ હોવા છતાં વિક્રાંત કોઈ જ ધર્મમાં માનતો નથી. તેનું એવું માનવું છે કે ધર્મ એ તો માનવે ઊભા કર્યાં છે. મેસ્સીના કુટુંબીજનો મૂળ હિમાચલ પ્રદેશ સિમલાના છે. પણ તે મુંબઈમાં સ્થાયી થયા છે.
વિક્રાંતે વર્સોવાની શાળામાં અને ત્યાર પછી વાંદરાની કોલેજમાં શિક્ષણ લીધું છે. વિક્રાંતને નૃત્યમાં રસ હતો અને તેણે તેની તાલીમ પણ લીધી છે. માત્ર સાત વર્ષની ઉંમરે તેણે પહેલું સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું હતું. વિક્રાંતને પ્રવાસનો, ક્રિકેટ રમવાનો અને ફુરસદના સમયે વીડિયો ગેમ્સ રમવાનો શોખ છે.
અભિનયની અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન વિક્રાંતને અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ કરવાની તક મળી છે. તેની ઉંમરના અભિનેતા કે કલાકારોમાં તેની ગણના અત્યારે સર્વોત્કૃષ્ટ અભિનેતાઓમાંય થાય છે. ‘ટ્વેલ્થ ફેલ’ના ફિલ્મસર્જક વિધુ વિનોદ ચોપરાના મતે તે હાલની ઘડીએ દેશનો સર્વોત્કૃષ્ટ અભિનેતા છે.
વિક્રાંત મેસ્સીને સફળતા મળી ત્યાર પછી તેણે અનેક કમર્શિયલ (જાહેરખબરો) પણ કરી છે, તેની આવનારી ફિલ્મોમાં ‘તલાખોં મેં એક’ છે, જેમાં તેની સાથે રાશી ખન્ના અને મોહમ્મદ ઝિશાન અયુબની મુખ્ય ભૂમિકા છે. તેની બીજી ફિલ્મ ‘યાર જીગરી’ છે, જેમાં તેની સાથે સન્ની સિંહની મુખ્ય ભૂમિકા છે.
થોડા સમય પહેલા પ્રથમ પુત્ર ‘વરદાન’નો જન્મ થયો ત્યારે તેણે થોડો લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી હતી. જોકે, કેટલાક લોકોએ એમ માની લીધું હતું કે 38 વર્ષના વિક્રાંતે અભિનયને તિલાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. પછી વિક્રાંતે સ્પષ્ટતા કરી હતી કે તે પિતૃત્વનો આનંદ લેવા માગે છે તેથી થોડી બ્રેક લઈ રહ્યો છે. જોકે, આ બ્રેક દરમિયાન તેની બે ફિલ્મો રિલીઝ થશે એટલે તેનાં દર્શકોને તેના અભિનયની ઝલક જોવા મળશે જ.
OTTનું હોટસ્પોટ
7 થી 13 એપ્રિલ શું શું જોવા જેવું છે...
સાત એપ્રિલથી શરૂ થનારું આગામી અઠવાડિયું અનેક રોચક કાર્યક્રમ લઈ આવ્યું છે. તેમાં શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી, દીશા પટણી, નાના પાટેકર, ફરીદા જલાલ, તમન્ના ભાટિયા અભીનિત ફિલ્મ ‘ઓ રોમિયો’નું આકર્ષણ છે, જે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ 10 એપ્રિલે રજૂ થશે. એમાં મોના સિંહ, મિહિર આહુજા, અંગીરા ધર અને રોહન જોશીની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મનું પ્રસારણ પાંચ એપ્રિલથી શરૂ થશે. આ એક હોરર થ્રીલર સીરિઝ છે.
નેટ ફિલક્સ: શનાયા કપૂરનાં બોલ્ડ દૃશ્યોવાળી બિજોય નામ્બિયાર દિગ્દર્શિત ફિલ્મ ‘તું યા મેં ’ 13 એપ્રિલે અહીં જોઈ શકાશે. એમાં આદર્શ ગૌરવની મુખ્ય ભૂમિકા છે. અહીં ત્રણ એપ્રિલથી નીના ગુપ્તા - સંજય મિશ્રાના અભિનયથી ઓપતી ફિલ્મ ‘વધ-ટુ’નું પ્રસારણ શરૂ થશે. ઉપરાંત પાંચ એપ્રિલથી એક્સ-ઓ-કિટ્ટી સીઝન થ્રી, એક્શન થ્રીલર સિરીઝ ‘બ્લડ હાઉન્ડસ-ટુ, કોમેડી સિરીઝ ‘મામલા ગરબડ હૈ-ટુ’નું પ્રસારણ શરૂ થઈ રહ્યું છે.
જિયો હોટ સ્ટાર-ઝી ફાઈવ: આ ઓટીટી ચેનલ પર પાંચ એપ્રિલથી વીર દાસ, મોના સિંહ, મિથિલા પાર્કર અને શરીબ હાશ્મી અભિનિત ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસનું પ્રસારણ થઈ રહ્યું છે અને પાંચમીથી જ ‘ભાભાજી ઘર પર હૈ: ફન ઓન ધ રન’ ફિલ્મનું પ્રસારણ શરૂ થશે, જેમાં આસિફ શેખ, રોહિતાસ ગૌર, શુભાંગી અત્રે, વિદિશા શ્રીવાસ્તવ, રવિ કિસન અને મુકેશ તિવારી જેવાં કલાકારો છે.