રાઘવ અને શંકર લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવા લાગ્યા. લોકો જીવ બચાવવા દોડતા રહ્યા. ગોળીઓ વિંધતી ગઇ....લાશો ઢળવા લાગી.
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
પુરોહિત ઘરે પહોંચ્યો. ધ્રૂજતા હાથે તાળું ખોલ્યું. અંદર જઈને પાણી પીધું. આંટા મારવા લાગ્યો. પથારીમાં પડ્યો, પણ ઊંઘ ન આવી. વિચારોમાં તડફડતો રહ્યો. શંકરના શબ્દો એના કાનમાં ભોંકાવા લાગ્યા: મૈં અકેલા કાફી હું... સબ ખતમ કર દુંગા. એને થયું કે દેશનો દુશ્મન દુકાનમાં ભરાઈને બેઠો છે ત્યારે એનો પ્રોફાઇલ મંદિરની દાનપેટીમાં નાખવામાં સમય બરબાદ ન કરાય. હમણાં ને હમણાં ધરમશાળામાં જઈને રાધાને વાત કરી દઉં. ના, આ સમયે ધરમશાળામાં જવું ઠીક નથી. કાલે રાધા ચાની ટપરી પર આવે એટલે ‘શંકરશંભો’ બોલવાને બદલે સીધું શંકર બોલીશ. રાધા સમજી જશે.
વહેલી સવારે ઊઠીને પૂજાપાઠ કરીને ચાની ટપરી ખોલનારો પુરોહિત મોડો પડ્યો હતો. મંગલાનાં દર્શન બાદ રાબેતા મુજબ બજારમાં ચા-નાસ્તા માટે ભક્તો ઊમટ્યા હતા. કાયમ હસતે મોઢે ચા પીવડાવતા પુરોહિતના ચહેરા પરથી સ્મિત ઊડી ગયું હતું.
એની આંખોમાં ઉજાગરા કરતાં વધુ ચિંતા ગોપાલેશ્વર મંદિરમાં દર્શનાર્થે આવતા ભોળા ભાવિકોની હતી. અચાનક એણે રાઘવ અને શંકરને આવતા જોયા. બંને એકે 47 ગનથી લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવા લાગ્યા. ભક્તોમાં ભાગદોડ મચી ગઇઈ... જીવ બચાવવા દોડવા લાગ્યા... ગોળીઓ વિંધતી ગઈ... લાશો ઢળવા લાગી. મશીનગનની ધણધણાટી... લોકોની ચીસો... આક્રંદ... લોહીના ફુવારા... રાઘવનું અટ્ટ્હાસ્ય... શંકરે હૅન્ડબૉમ્બ ફેંક્યો. લોકોના શરીરના ચીથડાં ઉડ્યા.
ઓ પુરોહિતજી, તારી ચા ઊભરાઈ રહી છે. ચાની રાહ જોઈને ઊભેલો એક ભક્ત બોલ્યો ને પુરોહિતે ધ્રૂજતા હાથે ઝડપથી સ્ટવ બંધ કર્યો... એની બિહામણી કલ્પનાનું ચિત્ર ઓલવાઈ ગયું...
સમય વીતતો ગયો... અડધો દિવસ પસાર થઈ ગયો... પુરોહિત ચા પીવા આવતા લોકોમાં રાધાનો ચહેરો શોધતો હતો. એની આંખો રાધાની રાહ જોતાં થાકવા લાગી હતી, પણ રાધા ન આવી. એનો જીવ સંદેશો આપવા ઊકળી રહ્યો હતો. હકીકતમાં પુરોહિતે સંદેશ નહતો આપવો, પણ દેશદાઝનો ઊભરો ઠાલવવો હતો. એણે વધુ એકવાર રાધાને કૉલ લગાડ્યો. સ્વિચઑફનો મેસેજ એને ફરી નિરાશ કરવાની સાથે ચિંતા આપી ગયો. રાધા ક્યાં હશે? અંતે એણે જગદીશને કૉલ કર્યો.
‘રાધા વહેલી સવારથી નીકળી છે. મેં જોઈ નથી...’ જવાબથી પુરોહિતની ચિંતા બેવડાઈ. એણે દેવીપ્રસાદજીને ફોન લગાડ્યો.
‘રાધાનો કાંઈ અતોપતો, કાંઈ ખબર...?’ એણે પૂછ્યું.
‘ના, કંઈ જ ખબર નથી. કેમ શું થયું?’ દેવીપ્રસાદજીએ સામો સવાલ કર્યો.
‘ના એમ જ,’ કહીને વાત ટૂંકાવી. પુરોહિત આ વાત રાધા સિવાય કોઈને કહેવા માગતો નહતો. પણ રાધા ક્યાં હતી?
રાધા પરોઢિય ઊઠીને જગદીશને પણ ખબર ન પડે એમ ચાલતી બાબુજીના તબેલામાં પહોંચી ગઈ. એણે દૂરથી તબેલામાં હિલચાલ જોઈ. રણછોડ હવાડામાં પાણી નાખતો હતો....એક પછી એક ગાયને દોહીને ચારો આપતો હતો. રાઘવ બહાર આવ્યો ત્યારે એની સામે દૂધ ભરેલાં કેન તૈયાર હતા. એણે બાઇકની બંને બાજુ કેન ગોઠવીને કિક મારી. થોડી ક્ષણોમાં, મોં સુઝણાં પહેલાં રાઘવ ઠંડી હવાને ચીરતો હવા થઈ ગયો. રાધા હળવેકથી...લપાતીછૂપાતી એની રૂમમાં ગઈ. પ્હો ફાટવાને હજી વાર હતી. બહાર અને રૂમમાં અંધારું હતું. એણે નાનકડી ટોર્ચ ઑન કરી. રૂમમાં બહુ સામાન નહતો. એણે નાનો લાકડાનો કબાટ ખોલ્યો. બે-ચાર જોડી કપડાં હતાં તે ઊથલાવ્યાં. ખાટલાની નીચે પડેલી પતરાંની પેટી ખોલી. જે લગભગ ખાલી હતી. માટીની કોઠી પરથી ઢાંકણ હટાવ્યું. અનાજ ભરેલી કોઠીમાં નીચે સુધી હાથ નાખીને અનાજ ઉપરતળે કર્યું. કાંઈ જ હાથ ન લાગ્યું. એ બહાર આવી. સામે રણછોડ ઊભો હતો.
‘કોણ હો આપ...?’ રણછોડે પૂછ્યું. ડઘાઈ ગયેલી રાધાએ એના મોં પર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. રણછોડની આંખો અંજાઈ ગઈ. રાધાએ ટોર્ચ બંધ કરી.
‘તુમ રણછોડ હો ના...?’ રાધાએ પૂછ્યું.
‘હાં....આપ કોણ હો....? યહાં ક્યા કર રહી હો...?’
‘તુમસે બાત કરની હૈ...’
‘હાં પણ, હો કોણ, યે બતાઓ પહેલે...ક્યા બાત કરણી હૈ...?’
‘મૈં રાધા હું...’
‘ઓહ તો આપ રાધા હો... ચિત્રકાર રાધા.... આપકો કોણ નહીં જાણતા, સારા બૈજલમેડ જાણે હૈ આપકો... હાં, દેખ્ખા પહેલીબાર.’ રણછોડે જરા હળવાશ અનુભવી, પણ રાધા શું વાત કરવા આવી છે એવો પ્રશ્ન એની આંખોમાં હતો.
‘સૂન, યે બતાને આઇ હું કી બાબુજી કો તો રાઘવને ખતમ કર દિયા. અબ તેરી જાન ખતરે મેં હૈ.’ રણછોડ ઢીલો પડી ગયો. રાધાએ એની કલ્પના બહારની વાત કરીને એને ચોંકાવી દીધો હતો.
‘અસ્સ્લ મેં આપ કોણ હો? આપ કો યે સબ કેસે પતા..?’ રણછોડે પૂછ્યું.
‘પુરોહિત ચાયવાલે સે પતા ચલા... રાઘવને પહેલે બાબુજી કો રાસ્તે સે હટાયા અબ તુમ્હારી બારી હૈ...’ રાધા બોલી.
‘મૈંને પુરોહિતજી કો બતાયા થા કિ મુઝે રાઘવ પર પુરો ડાઉટ હોવે. એની નજર બાબુજીકી જમીન... ગાય... સબ પે હૈ... એક દિન સબકૂછ બેચબાચ કે નીકલ જાણો હૈ... પણ હવે મારો જીવ ખતરે મેં હૈ...? મૈંને ક્યા કિયા?’
‘મૈં અભી તુઝે નહીં બતા સકતી... મૈં તુમ્હે કૂછ નહીં હોને દુંગી... પર તુમ્હે મેરા એક કામ કરના હોગા...’ રાધાએ એના બંને ખભા પર હાથ મૂક્યા.
********************
રાધા અને રણછોડ બહાર આવીને ખાટલા પર બેઠાં. રણછોડને રાધા કામ શું સોંપે છે એ જાણવાની ઇન્તેજારી હતી.
‘કામ ક્યા કરણો હે?’ રણછોડે પૂછ્યું.
‘રાઘવને કૂછ સામાન, હથિયાર, હૅન્ડ ગ્રેનેડ, ગન યહીં કહીં છૂપાયા હોગા... તુમ્હે વો સામાન ઢૂંઢ કર મુઝે બતાના હૈ. રાધાએ કહ્યું.
‘ક... ક... ક... ક્યા...? હથિયાર...? રાઘવને યહાં છૂપાયા હૈ......? આપ યે સબ સામાન ઢૂંઢણે કે વાસ્તે આઇ હો...? આપ તો ચિત્રકાર હો... ફિર આપ કો યે કેસે પતા ચલા....? આપ હો કોણ?’ એક તરફ રણછોડની આંખોમાં ફફડાટ હતો અને બીજી તરફ રાધાને લઈને ઘણા પ્રશ્નો હતા.
‘તુમ્હે અપની જાન બચાની હૈના... બાબુજી કે કાતિલ કો પકડના હૈના... તો ઇતના કરો....’ રાધા બોલી. પહેલેથી જ રાઘવ પર શંકા સેવનારો રણછોડ પોતાનો જીવ બચાવવા રાધાની વાત માનવા તૈયાર થઈ ગયો
‘ઇસકે અલાવા ઓર કોઈ જગહ હૈ જહાં વો અપના સામાન રખતા હો.... યા બાર બાર આતાજાતા હો?’ રાધાએ પૂછ્યું.
‘હમ લોગ જહાં ગાયોં કા ચારા રખતે હૈ, વો વહાં આતા-જાતા હૈ,’ રણછોડ બોલ્યો.
‘કહાં હૈ વો જગહ?’ રાધાની આંખોમાં ચમક આવી ગઈ.
‘ઉધર હૈ...’ રણછોડે દૂરથી રૂમ બતાવી...
‘ચલો મેરે સાથ...’ રાધા ઝડપથી ઊભી થઈ. એની પાછળ રણછોડ ગયો. રૂમમાં લગભગ છત સુધી ઘાંસ ભર્યું હતું. રાઘવે ઘાંસમાં જ કોઈ જગ્યાએ શસ્ત્રો છૂપાવ્યા હોવાં જોઈએ. રાધાએ અનુમાન લગાવ્યું.
‘ચલો મેરી મદદ કરો હમ દોનોં ઢૂંઢતે હૈ,’ રાધા બોલી.
‘મૅડમ, આ બડો મુશ્કિલ કામ હૈ. પર આપ હો કોણ....?’ રણછોડે કહ્યું. એવામાં દૂરથી બાઈકનો અવાજ સંભળાયો.
‘મૅમજી, રાઘવ ભૈયા આ રહે હૈ....’ ચોંકી ઊઠેલી રાધા છૂપાવા માટે આમતેમ જગ્યા શોધવા લાગી...
‘મેરે સાથે આઇએ,’ રણછોડ એને તબેલાની પાછળના ભાગે આવેલા નાનકડા ખેતરમાં લઈ ગયો.
‘આપ યહાં સે સીધા પૈદલ ચલતે રહો... પંદર મિનિટ કે બાદ એક ચોરાહે સે બાંયેં મૂડ જાના... થોડે દૂર જા કર મેરા ઇન્તેજાર કરના... મૈં આપકો બૈજલમેડ છોડ દૂંગા...’ રાધા રણછોડને જોઈ રહી. જલદી કરો... રણછોડ બોલ્યો.
‘યે ખેત કિસ કા હૈ...?’ રાધાએ પૂછ્યું.
‘બાબુજી કા....’ જવાબ સાંભળીને રાધાને થયું કદાચ રાઘવે શસ્ત્રો અહીં પણ છૂપાવ્યાં હોઈ શકે.
રાઘવ બાઇક ઊભું રાખીને દોડતો એની રૂમમાં ગયો. સામાન્ય રીતે એ પાણી ભરેલાં તગારામાંથી મોં પર પાણીની બે-ચાર છાલકો મારે, ગમછાથી મોં લૂછે. ગમછો કમરે વીંટાળે..ભીના વાળને ઝાટકે.. વાળમાં આંગળાઓ ફેરવે.... એણે આમાંનું કશું જ કર્યું નહીં. રાઘવ આટલો વહેલો કેમ આવ્યો...? સીધો રૂમમાં શા માટે ગયો...?
રણછોડનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું. શું એને રાધાની ખબર પડી ગઈ હશે...? રણછોડને રાધાએ કહેલી વાત યાદ આવી ગઈ : તેરી જાન ખતરે મેં હૈ... યે બતાને આઈ હું... રણછોડ બાબુજીની રૂમમાં ભરાઈ ગયો.
રાઘવે રૂમમાં જઈને ચારે તરફ નજર ફેરવી... અનાજની કોઠીનું ઢાંકણ નીચે પડ્યું હતું. એને શંકા ગઈ. એણે કબાટ ખોલ્યો. કપડાં ગોઠવાયેલાં હતાં. પતરાંની પેટી જોઈ... બરાબર હતી. એ ઝડપથી બહાર આવ્યો. આસપાસ નજર કરી... રૂમના ઉંબરાની ઉપરના છજાંમાં છૂપી રીતે મૂકેલો બર્જર ફોન શોધવા થોડાં ફાંફાં માર્યાં. મોબાઇલ મળ્યો. મોબાઇલ લઈને અંદર રૂમમાં ગયો.
‘હેલો.....’ એણે કૉલ લગાડ્યો.
રાધા ચાર રસ્તાના આવવાની રાહ જોતી... અજાણ્યા નિર્જન રસ્તે ચાલતી રહી.... એ થોડીથોડી વારે પાછળ પણ જાઈ લેતી હતી. રણછોડનું બાઇક દેખાતું નહતું.... દૂરથી એના બાઇકનો અવાજ પણ સંભળાતો નહતો....
રાઘવ મોં પર હાથ મૂકીને ધીમેથી વાત કરી રહ્યો હતો.
‘જનાબ, મેરી લાશ ગિરે ઉસસે પહેલેં મૈં લાશેં બીછા દુંગા...’ ફોન કટ થયો. એણે ફરી રૂમમાં બધે નજર કરી. અનાજની કોઠી પરનું ઢાંકણ નીચે પડ્યું હતું. એણે ગુસ્સામાં બહાર આવીને ત્રાડ પાડી: ‘રણછોડે....’ બાબુજીની રૂમમાં ભરાયેલો રણછોડ ફફડી ઉઠ્યો.
રાઘવની બીજી બૂમે એ બહાર આવ્યો.
‘હાં, રાઘવ ભૈયા....’ એ બોલ્યો.
‘યહાં કૌન આયા થા?’
‘કોઈ નહીં આયા. ક્યું... ક્યા હુઆ?’ રણછોડ બોલ્યો.
‘યે દેખ... ઢક્કન નીચે ગિરા હૈ...’
‘અરે રાઘવ ભૈયા બિલ્લી હોગી... સુબહ સે માથો ખરાબ કર રખો હૈ... ચાય કા દૂધ ભી ગિરા થા...’
‘બિલ્લી સે બચતે રહના. અબ કોઈ બિલ્લી અપણે સમાન કો નુકસાન કરે તો તુઝે ઉસે ગોલી મારણી હૈ, ગન મૈં તુમ્હે દુંગા,’ રાઘવ બોલ્યો. દિગ્મૂઢ બની ગયેલો રણછોડ વિચારતો રહ્યો કે આ રાઘવ કોણ છે... આ ચિત્રકાર રાધા કોણ છે?’
(ક્રમશ:)