Thu Jul 23 2026

Logo

વડોદરામાં મહિલા PSIનો વહીવટદાર લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો, મેડમ કઈ રીતે થઈ ગયાં ફરાર ?

2026-06-29 08:58:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ રાજ્યમાં લાંચીયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહી છે. આ દરમિયાન વડોદરામાં મહિલા PSIનો વહીવટદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. મહિલા PSI વતી લાંચ સ્વીકારતી વખતે જે એસીબી ત્રાટકી હતી અને વહીવટદારને ઝડપી લીધો હતો. લાંચ કેસમાં પોતાના વિરુદ્ધ ગુનો નોંધાયાની જાણ થતાં જ ભ્રષ્ટ મહિલા PSI પોતાની ધરપકડથી બચવા માટે કાર લઈને ફરાર થઈ ગયા હતા. ACBની ટ્રેપના પગલે પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો હતો.

શું છે મામલો

ફરિયાદી વિરુદ્ધ ગત તા. 01/06/2026 ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ વિશ્વામિત્રી પોલીસ ચોકીના મહિલા PSI મલ્લિકાબેન ખીમજીભાઈ પરમાર કરી રહ્યાં હતા. તપાસ દરમિયાન ફરિયાદીને હેરાનગતિ ન કરવા અને જામીનની કાર્યવાહી ઝડપથી પૂરી કરી આપવાના અવેજ પેટે મહિલા PSI એ શરૂઆતમાં રૂ. 25,000ની લાંચ માંગી હતી. ફરિયાદીએ આ અંગે રકઝક કરતા આખરે રૂ.10,000 લેવાનું નક્કી થયું હતું. મહિલા PSI એ આ લાંચની રકમ સર્વેલન્સ સ્કોડના ASI જયકિશન સોમાજી ગામેતીને આપી દેવા માટે ફરિયાદીને જણાવ્યું હતું. 

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે વડોદરા ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે તા. 27/06/2026 ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં, મુખ્ય રોડ પર આવેલી ભાવના ઝેરોક્ષની સામે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન ASI જયકિશન ગામેતીએ પોતાની માલિકીની મારુતિ સ્વિફ્ટ કારના ડેશબોર્ડ ઉપર ફરિયાદી પાસે રૂ.10,000 મુકાવીને લાંચની રકમ સ્વીકારી હતી. ACB ની ટીમે તુરંત જ ત્રાટકીને ASI ને લાંચની રકમ સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો અને રકમ રિકવર કરી લીધી હતી.

આ કેસમાં મહિલા PSIને તેમની વિરુદ્ધ ગુનો નોંધાયાની જાણ થતાં જ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ કાર લઈને વતન ભાગી ગયા હતા. એસીબીની ટીમ જ્યારે માંજલપુર સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચી ત્યારે ત્યાં તાળું લટકતું હતું. મહિલા PSIનો વહીવટદાર લાંચની રકમમાંથી કેટલો હિસ્સો પોતાની પાસે રાખવાનો હતો તે અંગે કંઈ જણાવતો નથી. ઉપરાંત તેની અંગઝડતી દરમિયાન મળેલા 48 હજાર રોકડા અંગે પણ ખુલાસો કરી શક્યો નહોતો.