Thu Apr 30 2026

Logo

ચાગલા વલો કચ્છ - ગિરિરાજ

2026-04-05 08:34:12
Author: એમ. સી. ચાગલા
Article Image

એમ. સી. ચાગલા

‘- હવે તમે પાછા ભારત આવી ગયા છો ત્યારે, પ્રથમ એપ્રિલ 1958 થી જૂન 1961 સુધી વોશીંગ્ટનમાં રાજદૂત તરીકેના અને ત્યાર પછી એપ્રિલ 1962 થી સપ્ટે. 1963 સુધી લંડનમાં હાઈકમિશ્નર તરીકેના તમારા કામને અમે સૌએ બિરદાવ્યું છે; તે દર્શાવવાની મને ઈચ્છા થાય છે. યુ.એસ.એ. તથા યુ.કે. સાથેના આપણા સંબંધોમાં અભિવૃદ્ધિ કરવા માટે તથા એ દેશોમાં આપણી વિદેશનીતિ વધારે સારી રીતે સમજાવવા માટે તમારું પ્રદાન સર્વ શ્રેષ્ઠ રહ્યું છે.’

એમ. સી. ચાગલા માટે નહેરુના પત્રનો આ એક અંશ. સાંપ્રતમાં કહેવાનું મન થાય કે ફરી અમેરિકા સહિત યુદ્ધ લડતા દેશોને કોઈ સમજાવે કે તણાવ ઊભું કરવાનું બંધ કરો અને શાંતિ જાળવો. પણ આજે તો ન તો જીવીએ કે નહિં જીવવા દઈએ જેવો તાલ છે. ખેર, વાત નહેરુની નહીં પરંતુ ‘ચાગલા’ની કરવી છે. જી હા, કચ્છીનું ‘ચાગલા’ એટલે ગુજરાતીમાં ‘લાડકા’ દીકરાની વાત છે. 

જેને પોતાની મર્ચન્ટ અટક પસંદ નહોતી એટલે કચ્છી શબ્દ ‘ચાગલા’ અટક તરીકે અપનાવી પોતાની ઓળખ આગળ વધારી. આમ તો, 1900માં એમનો જન્મ મુંબઈમાં થયો હતો અને મુંબઈમાં જ એમનો કાયમી વસવાટ રહ્યો અને મહેરૂનિસા ધારશીં જીવરાજ સાથે એમનાં લગ્ન થયાં હતા પરંતુ તેઓ કચ્છના ગામ મોટા કપાયાના હતા. 

પોતાની અટક ચાગલા વિશે એમણે ખુદે નોંધ્યું છે કે એમના વડવાઓ વેપારી હતા તે પરથી પોતે ‘મર્ચન્ટ’ની ઓળખ ધરાવતા હતા પરંતુ વેપાર, ધન અને નફાખોરી સૂચવતી આ ઓળખ પરત્વે એમને અણગમો હતો. એકવાર એમણે દાદાને પોતાના આ સંતાપની વાત કરીને પોતે કઈ ઓળખ રાખવી જોઈએ તે વિશે સલાહ માગી હતી. દાદાએ માથા પર પ્રેમ ભર્યો હાથ ફેરવીને સૂચવ્યું કે ‘ચાગલા’. દાદાએ કહ્યું, ‘તારો પિતા મારો એકનો એક પુત્ર હતો. તેથી તે ઘણો લાડકો હતો. લાડકાનું કચ્છી થાય છે, ‘ચાગલા’. દાદા એમના પિતા કરીમને ચાગલા કહીને જ સંબોધતા. એટલે એમણે ‘ચાગલા’ અટક તરીકે અપનાવી લીધી.

આમ તો ‘મર્ચન્ટ’ અટક પ્રત્યેનો અણગમો અન્ય એક સજ્જને પણ વ્યક્ત કરેલો. જેના માટે એક કવિએ લખ્યું છે કે, ‘કિસીકો ન હો શકા ઉસકે કદકા અંદાજા, જો આસમાં થા મગર શિર ઝુકા કે ફિરતા થા.’ સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે કચ્છે જે બલિદાન આપ્યાં છે તેમાં લોકલાડીલા યુસુફ મહેરઅલીનું શિરમોર યોગદાન રહ્યું છે. 

દેશસેવા કાજે સ્વધર્મ અને કર્તવ્યકર્મ દ્વારા જન્મભૂમિનું જય મંગલ કરનાર યુસુફ અલી ‘મર્ચન્ટ’ તરીકે ઓળખાવાથી પોતાને બચાવ્યા હતા. ‘ભારત છોડો’ અને ‘સાયમન ગો બેક’ ના ચેતનવંતા નારા આપી આઝાદીની ચિનગારી ચાંપનારા યુસુફ અણમોલ કચ્છી રત્ન હતા.

ફરી, મહમદ કરીમ ચાગલાની વાત પર પાછા ફરીએ. મુંબઈ હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ, પછી મુખ્ય ન્યાયમૂર્તિ, મુંબઇ યુનિવર્સિટીના કુલપતિ, કાયદાપંચના સભ્ય, મુંબઈના કાર્યવાહક રાજ્યપાલ અને હેગની આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિ પદે એ રહ્યા હતા. એ પછી ત્રણ વર્ષ સુધી એ અમેરિકા ખાતેના ભારતના રાજદૂત રહ્યા હતા અને યુ.કે. ખાતે ભારતના સર્વોચ્ચ પ્રતિનિધિ હતા. ભારત સરકારમાં શિક્ષણમંત્રી અને પછી વિદેશમંત્રી રહ્યા હતા. 

સંયુક્ત રાષ્ટ્રસંસ્થાની સલામતી સમિતિ પર એમની વરણી થઈ હતી. 1971 થી 1973 સુધી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના તેઓ પ્રમુખ હતા. તેમને ગોખલે અને તિલક પ્રત્યે અનેરી પ્રીતિ હતી, જે એમની આત્મકથામાં પ્રસંગ સ્વરૂપે અવતરી છે. 

ચાગલાની કાર્યનિષ્ઠા તેમના પોતાના શબ્દોમાં સ્પષ્ટ થાય છે: અદાલત ચાલતી હોય ત્યારે મારું સ્થાન ત્યાં જ છે. આ વિચારસરણી માત્ર એક ન્યાયમૂર્તિ તરીકે નહીં, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે પણ તેમની ઊંચી માનસિકતા દર્શાવે છે. 

વડા ન્યાયમૂર્તિ તરીકેની મારી અગિયાર વર્ષની મુદ્દત દરમ્યાન એક પણ વખત હું અદાલતમાં ગેરહાજર રહ્યો નથી. મને તાવ હોય ત્યારે પણ હું અદાલતમાં બેઠો છું. સંધિવાનો પ્રબળ હુમલો મારા અંગ પર થયો હોય ત્યારેય હું બેઠો છું. 

ગમે તેવી વ્યથિત દશામાં હોઉં ત્યારે પણ હું હાજર રહ્યો છું. હું માનતો કે જ્યારે અદાલત ચાલુ હોય ત્યારે મારું સ્થાન ત્યાં જ હોય. તેઓ માનતા કે કોઈ વ્યક્તિના અવસાનને કારણે કાર્ય બંધ રાખવું યોગ્ય નથી; સાચી શ્રદ્ધાંજલિ તો વધુ ઉત્તમ કાર્ય કરીને જ આપી શકાય. મારા મત પ્રમાણે તેની સ્મૃતિને સર્વશ્રેષ્ઠ માનાંજલિ આપવાની રીત પહેલા કરતાંય સવિશેષ કામ કરવાની ગણાવી જોઈએ. 

તેમની આત્મકથા છજ્ઞતયત શક્ષ ઉયભયળબયિ માં તેમણે પોતાના જીવનના અનુભવો અને વિચારધારાને ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યા છે. તેમાં જીવન મૂલ્યો પરત્વે ચાગલા પોતાનાં મંતવ્યો રજૂ કરતા કહ્યું છે કે, ‘આપણે એટલા બધા વાસ્તવલક્ષી બનતા જઈએ છીએ, અને એટલા ભૌતિકવાદી બનતા જઈએ છીએ કે જિંદગીમાં ભાવનાને કોઇ સ્થાન આપવાનો પણ આપણે ઈન્કાર કરીએ છીએ. હકીકતે ભાવના જ જીવનનું ‘મીઠું’ છે અને જીવનમાં એ સ્વાદ પ્રગટાવે છે.’

ચાગલા માત્ર એક વ્યક્તિ નહોતા, પરંતુ એક સંસ્થા સમાન હતા, પરંતુ કચ્છમાં કોઈ યાદ કરે એવું તો કેમ બને! જમાનો જે બદલાયો છે, ઈતિહાસ કરતા વધુ ભવિષ્યની ચિંતા કરતા માનવીનું વર્તમાન પણ આજે જોખમી બન્યું છે. એને તો સાચવી લે! એ પછી 45 વર્ષ પહેલા (મૃત્યુ :9 ફેબ્રુઆરી 1981) વિદાય લઇ ચુકેલી આ વિરલ વ્યક્તિને યાદ કરી શકાય.