Mon May 11 2026

Logo

અમેરિકાએ નેધરલૅન્ડ્સને હરાવીને એનું ત્રીજું સ્થાન આંચકી લીધું...

2026-02-13 22:47:07
Author: ajaybhai motiwal
Article Image

ચેન્નઈઃ મોનાંક પટેલના સુકાનમાં અમેરિકા (USA)એ શુક્રવારે અહીં નેધરલૅન્ડ્સ (NETHERLANDS)ને 93 રનથી હરાવી દીધું હતું અને પૉઇન્ટ્સ-ટેબલમાં એનું ત્રીજું સ્થાન આંચકીને એને ચોથા નંબર પર મોકલી દીધું હતું અને સુપર-એઇટની આશા જીવંત રાખી હતી. ટી-20માં નેધરલૅન્ડ્સ સામે અમેરિકાનો આ પ્રથમ વિજય હતો.

અમેરિકાએ છ વિકેટે 196 રન કર્યા બાદ સ્કૉટ એડવર્ડ્સની ટીમને 15.5 ઓવરમાં 103 રનના સ્કોર પર ઑલઆઉટ કરીને આસાન વિજય મેળવ્યો હતો.

નેધરલૅન્ડ્સના બેસ્ટ બૅટ્સમૅન બાસ ડિલીડના 23 રન ટીમમાં હાઇએસ્ટ હતા. ટીમમાંથી એકેય બૅટ્સમૅન પચીસ રન પણ નહોતો બનાવી શક્યો. લેફ્ટ-આર્મ સ્પિનર હરમીત સિંહે ચાર વિકેટ અને પેસ બોલર શેડ્લી વૅન સ્કૉલવીકે ત્રણ વિકેટ લીધી હતી. હરમીતને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

એ પહેલાં, અમેરિકાને 196 રનનું તોતિંગ ટોટલ અપાવવામાં સાઇતેજા મુક્કમલ્લા (79 રન, 51 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર), શુભમ રાંજણે (48 અણનમ, 24 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તેમ જ સુકાની મોનાંક (36 રન, બાવીસ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ના મુખ્ય યોગદાન હતા. મોનાંક-સાઇતેજા વચ્ચે બીજી વિકેટ માટે પંચાવન રનની ભાગીદારી થઈ હતી. બાસ ડિલીડે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.