Mon Oct 05 2026

Logo

યુપીઆઈના નવા ચાર્જ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી: 2000થી વધુના વ્યવહારો પર 0.4 ટકા MDR પડકારાયો

2026-09-16 21:41:00
Author: Mumbai Samachar Team
યુપીઆઈના નવા ચાર્જ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી: 2000થી વધુના વ્યવહારો પર 0.4 ટકા MDR પડકારાયો

નવી દિલ્હી: યુપીઆઈના વ્યવહારો પર લાગુ થનારા નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વિરુદ્ધ હવે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ₹ 2,000થી વધુના ચોક્કસ વેપારી યુપીઆઈ વ્યવહારો પર 0.4 ટકા દર નક્કી કરવામાં આવ્યો છે. અરજીમાં આ ચાર્જ, અલગ અલગ વ્યવહાર મર્યાદા અને તેને નક્કી કરવાની પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

નવા નિયમ મુજબ 15 ઓક્ટોબર 2026થી ₹ 2,000થી વધુના પાત્ર વેપારી વ્યવહારો પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ થશે. જોકે આ ચાર્જ સીધો ગ્રાહક પાસેથી વસૂલવાનો નથી. ₹ 75,000 કે તેથી વધુના પાત્ર વ્યવહારો માટે આ ચાર્જની મહત્તમ મર્યાદા ₹ 300 પ્રતિ વ્યવહાર રાખવામાં આવી છે. વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે થતા યુપીઆઈ વ્યવહારો નવા ચાર્જના કાર્યક્ષેત્રમાં નહીં આવે અને મફત રહેશે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે નવી ચાર્જ વ્યવસ્થા માટે નક્કી કરાયેલા દર અને અલગ અલગ મર્યાદાઓ મનસ્વી ગણાવ્યા છે. અરજીમાં આ વ્યવસ્થા કયા આધાર પર નક્કી કરવામાં આવી અને તેની પ્રક્રિયા કેટલી યોગ્ય છે તે અંગે પણ સવાલ કરવામાં આવ્યા છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટનો અભિગમ મહત્વપૂર્ણ સાબિત થશે.

સરકાર અને સંબંધિત સંસ્થાઓનું કહેવું છે કે યુપીઆઈ વ્યવસ્થાના સંચાલન, વિસ્તરણ, ટ્મા ટેકનિકલ માળખા અને સાયબર સુરક્ષા માટે સતત રોકાણની જરૂરિયાત છે. નવા માળખા દ્વારા વેપારી વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ આ કોઈ સરકારી કર નથી અને વસૂલાત સરકાર પાસે જતી નથી; તે ચુકવણી વ્યવસ્થામાં સામેલ બેન્કો અને અન્ય સંસ્થાઓ વચ્ચે વહેંચાય છે.

નવા નિયમો હેઠળ દરેક યુપીઆઈ વ્યવહાર પર ચાર્જ લાગશે એવું નથી. ₹ 2,000 સુધીના વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ નહીં થાય. વ્યક્તિથી વ્યક્તિ નાણાં મોકલવાના વ્યવહારો પણ મફત રહેશે. કેટલીક ચોક્કસ સેવાઓ માટે અલગ દરની જોગવાઈ છે, જેમાં કેટલાક વ્યવહારો પર મહત્તમ ₹ 5નો નિશ્ચિત ચાર્જ રાખવામાં આવ્યો છે.

આ નિર્ણયને લઈને વેપારી સંગઠનો અને અન્ય ક્ષેત્રોમાં પણ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. કેટલાક સંગઠનોનું માનવું છે કે વધારાનો ખર્ચ નાના વેપારીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે અને ડિજિટલ ચુકવણીની જગ્યાએ રોકડ વ્યવહારો તરફ વળવાની શક્યતા વધી શકે છે. બીજી તરફ, સરકારનું કહેવું છે કે ગ્રાહકો પાસેથી સીધો ચાર્જ વસૂલવાનો નથી. હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર થનારી કાર્યવાહીથી નવી યુપીઆઈ ચાર્જ વ્યવસ્થાને લઈને વધુ સ્પષ્ટતા થવાની અપેક્ષા છે.