Fri Jul 24 2026

Logo

10 વર્ષની સજા, 10 કરોડ દંડ...પેપર લીક વિરુદ્ધ સરકારનો નવો કાયદો, કેબિનેટની મંજૂરી

2026-07-24 16:59:05
Author: Mumbai Samachar Team
Article Image

ANI


નવી દિલ્હી: શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં 'પેપર લીક સુધારા વિધેયક (બિલ)'ને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં પેપર લીક માફિયાઓ સામે કડક જોગવાઈઓ હશે. આ બિલ અંતર્ગત સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટને કાનૂની પીઠબળ (લીગલ બેકિંગ) મળશે.

સાથે જ ફાસ્ટ ટ્રેક કોર્ટને ત્રણ મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા અને ચુકાદો આપવા માટે કહેવામાં આવશે. જ્યારે પેપર લીકના કેસમાં 10 વર્ષની સજા અને 10 કરોડના દંડની જોગવાઈ હશે. પેપર લીક સુધારા વિધેયક આવતા અઠવાડિયે જ સંસદમાં રજૂ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે તેને સોમવારે જ ગૃહમાં રજૂ કરી દેવામાં આવશે. 

પીએમ મોદીએ વીડિયો મેસેજ આપ્યો હતો

આ પહેલા ગુરુવારે પીએમ મોદીએ પેપર લીક સંબંધિત મુદ્દાઓને લઈને વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, "પેપર લીક એ કોઈ સામાન્ય વિષય નથી. લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે તે પીડાદાયક છે. એટલા માટે પેપર લીક અંગે અત્યાર સુધીમાં, છેલ્લા અઢી મહિનામાં ઘણા પગલાં લેવામાં આવ્યા છે. ગુનેગારોને પકડવામાં આવ્યા છે, તેઓ જેલમાં છે. વિદ્યાર્થીઓનું વર્ષ બગાડે નહીં તે અમારી જવાબદારી હતી, તેથી ઓછા સમયમાં 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવી. 19 જુલાઈએ પરિણામ પણ આવી ગયું. અમે આટલાથી સંતોષ માનવાના નથી. તેથી જ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો છે."

27 જુલાઈએ બિલ આવી શકે છે

સરકારનું કહેવું છે કે કાયદો બનાવીને આ અદાલતોની રચનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પેપર લીકના કેસોની સુનાવણી મહત્તમ ત્રણ મહિનાના સમયગાળામાં આ અદાલતોમાં પૂર્ણ કરવામાં આવશે. આ બિલ 27 જુલાઈએ ગૃહમાં લાવવામાં આવી શકે છે. આ પહેલા શુક્રવારે પણ બંને ગૃહમાં પેપર લીકના મુદ્દે ભારે હોબાળો થયો હતો, જેના પછી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી રવિવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

હાલમાં આટલો છે દંડ અને આટલી છે જેલની સજા

દેશમાં પેપર લીક સંબંધિત જે અધિનિયમ (કાયદો) અમલમાં છે, તેમાં આ જોગવાઈઓ છે:

પેપર લીક કરવા બદલ: 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ સુધીનો દંડ

ગેંગ/ટોળકી સામેલ હોવા બદલ: 5 થી 10 વર્ષની જેલ અને 1 કરોડ સુધીનો દંડ

એજન્સી દોષિત ઠરવા બદલ:1 કરોડનો દંડ, પરીક્ષાનો સંપૂર્ણ ખર્ચ વસૂલવો અને આગામી 4 વર્ષ સુધી પરીક્ષા યોજવા પર પ્રતિબંધ

આ કાયદા હેઠળનો ગુનો: બિનજામીનપાત્ર (Non-Bailable) છે અને તેમાં કરાર કે સમજૂતી થઈ શકતી નથી. તેની તપાસ DSP રેન્ક અથવા તેનાથી સિનિયર અધિકારી કરશે.