Sat Apr 18 2026

Logo

બેરોજગારો સાવધાન! વિદેશમાં નોકરીના બહાને સાયબર ક્રાઈમ કરાવતી ટોળકીના બે પાટીદાર યુવકો સુરતમાંથી ઝડપાયા

2026-03-06 12:37:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરીને આંતરરાષ્ટ્રીય સાયબર કોડ અને 'સાયબર ગુલામીનો પદોફાશ કરવામાં આવ્યો હતા. ગુપ્ત માહિતી અને ઈનપુટ્સના આધારે સુરતમાં રહેતા બે એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખ કૌશિક પેથાણી અને ધ્રુવ ડોબરિયા તરીકે થઈ હતી.

કૌશિક અને ધ્રુવ ભારતના બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરીના બહાને કમ્બોડિયા, મ્યાનમાર અને લાઓસ જેવા દેશોમાં લઈ જઈ ગુલામી જેવી પરિસ્થિતિમાં રાખી સાયબર ફ્રોડ કરાવતા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓ કૌશિક અને ધ્રુવ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના બેરોજગાર યુવાનોને નિશાન બનાવતા હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા માધ્યમો દ્વારા વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરીઓની લાલચ આપતા હતા. ટેલિગ્રામ ગ્રૂપમાં જ ઇન્ટરવ્યુ, ટાઇપિંગ સ્પીડ ટેસ્ટ વગેરેના વીડિયો શેર કરીને યુવાનોનો વિશ્વાસ જીતતા હતા. તેમને કમ્બોડિયા, મ્યાનમાર અથવા લાઓસ જેવા દેશોમાં આઈ.ટી. કંપનીમાં કામ કે ડેટા એન્ટ્રીના કામ, રહેઠાણ અને ભોજનની સુવિધા આપવાની ખાતરી  આપી ત્યાં જવા માટે પ્રોત્સાહિત કરતા હતા,

યુવાનો કમ્બોડિયા કે મ્યાનમાર  પહોંચ્યા પછી, આરોપીઓ તેમના  પાસપોર્ટ અને મોબાઈલ ફોન કબજે કરી લેતા હતા અને તેમને કેમ્પસમાં કે  નિયંત્રિત સ્થળોએ રાખવામાં આવતા હતા. ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક -ઓનલાઈન સાયબર ફોડ, ક્રિપ્ટોકરન્સી સ્કેમ, ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ તથા અન્ય છેતરપિંડીના કાર્યો કરાવવા માટે મજબૂર કરવામાં આવતા હતા. 

જે  પીડિતો કામ કરવાનો ઈનકાર કરતા તેમને શારીરિક તેમજ માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવતી હતી.  તેમને બહાર જવા કે ભારત પરત આવવાની મંજૂરી આપવામાં આવતી નહોતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ અને ચાઈનીઝ સાયબર માફિયા સાથે મળીને આ ગુના આચરતા હતા અને આર્થિક લાભ મેળવતા હતા. 

આ આરોપીઓ અગાઉ પણ મ્યાનમાર, દુબઈ, લાઓસ, થાઈલેન્ડ, યુએઈ અને શ્રીલંકા જેવા - દેશોમાં આ જ પ્રકારે સાયબર ફોડનું  કામ કરીને આવ્યા હતા. કમ્બોડિયા  અને મ્યાનમાર જેવા દેશોમાં ચાલી  રહેલી કડક કાર્યવાહીના કારણે આ  ગેરકાયદેસર નેટવર્ક દ્વારા હવે પોતાની  પ્રવૃત્તિઓને જ્યોર્જિયા અને સાઉથ  આફ્રિકા જેવા નજીકના કેટલાક દેશોમાં  શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી -હોવાની માહિતી પણ સામે આવી હતી.

પોલીસને આરોપીઓ પાસેથી બે આઈફોન પણ મળી આવ્યા છે.  અધિકારીઓનું કહેવું છે કે આ મોબાઈલ ફોનથી આગામી દિવસોમાં સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અનેક મોટા ખુલાસા થઈ શકે છે.