ભરત વૈષ્ણવ
`સાંભળો છો?'
રાધારાણીએ રસોડામાંથી સુમધુર સ્વરે ઘાટો પાડ્યો. આવો ઘાટો મૂછો લીંબુ લટકાવેલ ભલભલા પતિની પથારી ફેરવી નાખે છે. સાવ નિર્દોષ જણાતું વાક્ય કલસ્ટર બોમ્બ જેવું ખતરનાક હોય છે.
`તે કંઇ કીધું?' જાગતો માણસ ઊંઘવાનો ડોળ કરે તેમ અમે મોબાઇલમાંથી માથું ઊંચું કર્યા સિવાય પૂછયું.
`હું શું ગાંડી થઇ ગઇ છું કે ઘરની દીવાલ જોડે ધડાકૂટ કરું છું ? તમારા સિવાય ઘરમાં કોઇ છે?' રાધારાણીએ કડા તેવર દર્શાવ્યા.
`પહેલાં મને ચા આપ. ચા પીધા પછી મગજ કામ કરવાનું ચાલુ કરે છે.' અમે ચાની ડિમાંડ કરી.
`સોફામાં ખડકાયા પછી ત્રીજી વાર ચા પીધી છે. તો પણ કીક વાગતી ન હોય કે કરંટ ન લાગતો હોય તો બાથટબમાં ચા ભરી તેમાં પડયા રહો ! ' રાધારાણીએ `માય બડબડાટ રેડિયો સ્ટેશન'નું પ્રસારણ ફૂલ વોલ્યુમમાં ચાલુ કર્યું.
`તું છૂંછા જેવી બાબતમાં રવિવારની સવારની મજા શું કામ બગાડે છે?'
`તમને મારી વાત છૂંછા જેવી લાગે છે... તમારી સાથે લગ્ન કર્યા પછી મારી જિંદગી ધૂળધાણી થઇ ગઇ છે. નાટક, ચેટક, સિનેમા, હોટેલ, કપડાંલતા, ઘરેણા, હરવાફરવાનું તો નામ જ લેવાનું નહીં. તમારા રોટલા ટીપવાના, કપડાં ધોવાના, ઠોબરા માંજવાના. બળ્યું મારી જીંદગી.' આમ કહી રાધારાણીએ ઠુઠવો-પોક મુકી.
`તું ત્રાગા કરવાનું બંધ કર. જ્યારે હોય ત્યારે રડીને વાત મનાવવાની.'
`મારું રડવાનું તમને નાટક લાગે છે?' રાધારાણી ભડકી.
`તું રડવાનું બંધ કર. ઝઘડવાનું બંધ કર. સીધેસીધું કહી દે કે જોડો તને કયાં ડંખે છે?' અમે મૂળ મુદા પર આવવા કહ્યું.
`તમે ત્રીજા માળેથી સીડી લઇ આવો.' રાધારાણીએ હુકમ કર્યો.
અમે રાધારાણીના આદેશનું પાલન કર્યું.
`હવે માળિયે ચડી જાવ નહીંતર હું મારા પિયરની વાટ પકડું, કાં તો તમે મને છૂટાછેડા આપી દો.' રાધારાણીએ અમને આખરી અલ્ટિમેટમ આપ્યું.
`શું કહ્યું? મારે માળિયે ચડવાનું છે?' મારાથી હાયકારો નીકળી ગયો.
`હું માળિયે ચડવાનું કહું છું, શૂળીએ ચડવાનું કહેતી નથી કે બૂમબરાડા પાડો છો.'
દિવાળી સમયે માળિયાની સફાઇ કરવા માટે દરેક પતિને શૂળીએ ચડવું પડે.અત્યારે તો માળિયું સાફ કરવાનું ન હોય તો આ મહામાયા મને માળિયે શા માટે ચડાવતી હશે? અમે મોઢે રૂમાલ બાંધી ડગમગ સીડીના સહારે માળિયે ચડ્યા.
`માળિયે કયો સામાન ચડાવવાનો છે?'
`કંઇ ચડાવવાનું નથી. પરંતુ, માળિયેથી ઉતારવાનો છે.'
માળિયે ચડ્યા પછી અમને પણ અર્જુન જેવો વિષાદ થાય છે. દેખ તેરે સામાન કી હાલત કયાં હો ગઇ રાધારાણી કિતના પેક હો ગયા માલિયા ! રોટલી વણવાની પાયા તૂટેલ પાટલી, બાબાગાડી, બાર્બી ડોલ , ખાટલાનું વાણ-કાથી- પાટી, પાણી ભરવાના નળા-પવાલી, નળ, પાઇપ, પંખાના પાંખિયા, કેલેન્ડરના ભગવાનના ફોટા, કાચના ઝુમ્મર, થાળી વાટકા મિકસચર, ઈત્યાદિ ઈત્યાદિ...એ ખજાનો જોઈને મને ચોરસ ચોરસ ચક્કર આવી ગયા.
`માળિયાની ડાબી બાજુ બે કોથળા દેખાય છે?'
કોથળામાં નક્કી સોના ચાંદીની ઇંટ હશે. સોના ચાંદીના ભાવોમાં અકલ્પનીય વધારો થયો હોવાથી રાધારાણી રોકડી કરવા માગતી હશે.
`હા ...' અમારો જવાબ .
`એ કોથળા મને આપી દો.' રાધારાણીએ આદેશ કર્યો.
`બીજું કાંઇ?'અમે માળિયેથી ઊતરતા પહેલાં પૂછયું.
`માળિયાની પશ્ચિમે એક કોથળો હશે. એ મને સાચવીને આપી દો એટલે તમારા જેવો ભગવાન પણ નહીં.' રાધારાણીનો અંતિમ આદેશ. અમે વજનદાર કોથળો રાધારાણીને સાચવીને આપ્યો. અમે ગંજીથી પરસેવો લૂંછતાં લૂછતા માળિયેથી સહી સલામત લેન્ડ થયા. રાધારાણીએ ફંફોસ્યું માળિયું અને ઉંદર કાઢ્યો કે ઇદમ્ તૃતિયમ્ કાઢ્યું એવો સવાલ અમારા મનમાં ગુંજતો રહ્યો .
ઇરાન-અમેરિકા યુદ્ધને લીધે ગેસના બાટલાની મહાતંગી ઊભી થઇ છે. રાધારાણી ગેસના ડીલરને બાટલો આપવા ફોન કરી થાકી છે, પરંતુ ગેસ ડીલરના મનમાં નથી. કાળાબજારનો રૂપિયા પાંચ -હજારનો બાટલો લેવા પણ તૈયાર છે. બાટલો ખલાસ થવાને લીધે અઠવાડિયાથી ટાઢા દાળભાત મોઢામાં ઠુંસવાની નોબત આવી છે. રાધારાણીએ ઢંગનું રાંધીને ખાઇ શકાય એટલે માળિયેથી સગડી અને બાવળિયા-પથ્થરિયા કોલસાના કોથળા ઊતરાવ્યા છે.
રાધારાણી સગડી પર પહેલાં તંદૂરી લાપશીના આંધણ મુકવાની છે. સગડી સળગાવવા માટે પંખો હલાવવા જરૂરથી આવજો. જો ન આવો તો ભરેલા બાટલાના ગોઝારા સમ છે!