- ભરત ભારદ્વાજ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ભલે ભારતને અમેરિકાનું સાથી ગણાવતા હોય ને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવતા હોય પણ ભારતીયો માટેની તેમની નફરત તેમના નિર્ણયોથી માંડીને નિવેદનો સુધી ઘણે ઠેકાણે વારંવાર છતી થઈ જાય છે. ટ્રમ્પે આ નફરતને ફરી એક વાર છતી કરતાં અમેરિકાના જાણીતા વિશ્ર્લેષક માઈકલ સેવેજના ભારત, ચીન સહિતના એશિયાના દેશોને હેલહોલ એટલે કે નરકનો ખાડો ગણાવતા નિવેદનને સોશ્યલ મીડિયા પર રિપોસ્ટ કર્યું છે. સેવેજે એક રેડિયો ટોક શૉમાં ભારત, ચીન સહિતના દેશો સામે બેફામ લવારા કરેલા. ટ્રમ્પે આ રેડિયો શોની આખી ટ્રાન્સ્ક્રીપ્ટ જ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટસ પર મૂકી દીધી છે. કોઈ પણ વ્યક્તિ કોઈની વાતને રીપોસ્ટ કરે તેનો મતલબ એ છે કે, એ વ્યક્તિની વાતને ટેકો આપે છે. ટ્રમ્પે સેવેજની આખી ટ્રાન્સ્ક્રીપ્ટ મૂકીને તેને ટેકો આપ્યો તેનો અર્થ એ થાય કે, ટ્રમ્પ પણ સેવેજ જેવા નમૂનાઓની જેમ ભારતને નરકનો ખાડો જ માને છે.
અમેરિકામાં જન્મતાં બાળકોને અમેરિકાની નાગરિકતા આપવાના કાયદાનો વિરોધ કરતાં સેવેજે ‘બર્થ ટુરિઝમ’ શબ્દો વાપરતાં કહેલું કે, ભારત, ચીન અને બીજા તેમના જેવા નરકના ખાડા જેવા દેશોમાંથી સ્ત્રી ગર્ભાવાસ્થાના છેલ્લા તબક્કામાં હોય ત્યારે અમેરિકામાં ઘૂસી જાય છે અને પોતાના સંતાનને અમેરિકામાં જન્મ આપે છે તેથી બાળકને આપોઆપ અમેરિકાની નાગરિકતા મળી જાય છે. એ પછી ભારત અને ચીન સહિતના દેશોમાંથી પરિવારના સભ્યોને અમેરિકા લાવે છે અને અમેરિકામાં જામી જઈને અમેરિકનોના અધિકારોને છિનવી લે છે એ જોતાં આ બર્થરાઈટ સિટીઝનશિપના કાયદાને રદ કરી દેવાની જરૂર છે. અમેરિકાનુંં બંધારણ બન્યું ત્યારે વિમાનો નહોતાં તેથી બંધારણના ઘડવૈયાઓને આ રીતે વિમાનનો ઉપયોગ કરીને બર્થરાઈટ સિટીઝનશિપના કાયદાનો દુરુપયોગ કરાશે એવી કલ્પના નહીં હોય પણ આપણે નજર સામે આ બધું જોઈ રહ્યા છીએ એ જોતાં બંધારણ સુધારવું જ જોઈએ. સેવેજે એવું સૂચન પણ કર્યું કે, આપણે બર્થરાઈટ સિટીઝનશિપનો મુદ્દો અદાલતો પર છોડ્યો છે પણ તેના બદલે અમેરિકાનાં લોકોનો અભિપ્રાય લેવો જોઈએ.
સેવેજે આ વાત ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતાં લોકોના સંદર્ભમાં કરી હોત તો સમજ્યા પણ તેમણે અમેરિકામાં કાયદેસરના વિઝા લઈને આવતા અને અમેરિકામાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી સહિતનાં ક્ષેત્રોમાં કામ કરતાં લોકો માટે કહી ને તેમને લેપટોપવાળા ગુંડા કહ્યા છે. સેવેજે કહેલું કે, મારા મતે તો ભારત, ચીન સહિતના નરક જેવા દેશોમાંથી આવતાં આ લોકો લેપટોપવાળા ગેંગસ્ટર જ છે અને તેમણે અમેરિકામાં ગુનાખોરી આચરનારા માફિયા પરિવારોથી પણ વધારે નુકસાન પહોંચાડ્યું છે. આ લોકોએ આપણને પૂરપૂરા લૂંટી લીધા છે, આપણે સેક્ધડ ક્લાસ સિટીઝન હોઈએ એવો વ્યવહાર આપણી સાથે કર્યો છે, આપણા રાષ્ટ્રધ્વજને પગ તળે કચડ્યો છે અને અમેરિકાને ભ્રષ્ટ કરી નાખ્યું છે.
સેવેજે બીજા પણ બહુ બધા આઘાતજનક લવારા કર્યા છે પણ આઘાકજનક વાત સેવેજના લવારાને ટ્રમ્પનું સમર્થન છે. કોઈ પણ દેશમાં અત્યંત આત્યંતિક વિચારો ધરાવતા લોકો હોય જ છે. એ લોકો કોઈ પણ તર્ક વિના જીભે જે પણ ચડે એ ઓકીને માહોલ બગાડવા મથતા જ હોય છે. ભારતમાં પણ હિંદુઓ સામે ઝેર ઓકનારા મુસ્લિમ નમૂના છે ને મુસ્લિમોને તગેડી મૂકવાની વાતો કરનારા હિંદુવાદી મૂરખો છે જ. એ બધા પોતપોતાની દુકાનો ચલાવવા માટે ઝેર ઓક્યા કરે છે પણ ભારતના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ તેમની ઝેરીલી વિચારધારાને પોષતા નથી. અહીં તો ટ્રમ્પ ખુલ્લેઆમ ભારતને નર્ક ગણાવતી વિચારધારાને પોષી જ નથી રહ્યા પણ તેનો પ્રચાર પણ કરી રહ્યા છે. એક રાષ્ટ્રના વડા આવી સાવ નીચ માનસિકતાને પોષે એ જોઈને આઘાત લાગે છે.
જો કે ટ્રમ્પ માટે આ નવી વાત નથી. ટ્રમ્પ ભૂતકાળમાં પણ અનેક વાર ભારતીયો સામે નફરત બતાવી જ ચૂક્યા છે. ટ્રમ્પ બીજી વાર પ્રમુખ બનવા માટે મેદાનમાં ઉતર્યા ત્યારે જ પ્રચારની શરૂઆત એકદમ ભારતવિરોધી બેટિંગથી કરેલી. અમેરિકાની કંપનીઓ ઈન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે ભારતમાં મોટા પ્રમાણમાં આઉટસોર્સિંગ કરે છે. ટ્રમ્પે ભારતીયોના ઉચ્ચારના ચાળા પાડીને એવું નિવેદન કરેલું કે, અમેરિકામાંથી આઉટસોર્સિંગ બંધ કરી દેવું જોઈએ કેમ કે ભારતની આઈટી કંપનીઓ આઉટસોર્સિંગના બહાને અમેરિકનોનો હક છિનવે છે ને કરોડો રૂપિયા ઉસેટી જાય છે. પોતે પ્રમુખ બનશે તો આ બધા તાયફા બંધ કરાવી દેશે.
ટ્રમ્પે ભારતીય વિદ્યાર્થીઓને લપેટમાં લેતાં ડાયલોગ ફટકારેલો કે અમેરિકામાંથી ભારતીય વિદ્યાર્થીઓને લાત મારીને તગેડી મૂકવા જોઈએ કેમ કે ભારતીયો અમેરિકનોની નોકરીઓ છિનવી જાય છે. ટ્રમ્પે એવું પણ કહેલું કે, અમેરિકાને ફરી મહાન બનાવવું હોય તો ભારતીયો સહિતનાં લોકોને દૂર રાખવા જોઈએ. ટ્રમ્પે નિવેદન ઠોક્યું હતું કે, પોતે ફરી પ્રમુખ બનશે તો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા તમામ લોકોને પોતપોતાના દેશમાં પાર્સલ કરી દેવાશે. ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી આ માનસિકતાનું પ્રદર્શન કરીને હજારો ભારતીયોને ડીપોર્ટ કર્યા છે,
આઈટી કંપનીઓ માટેના એચવન બી વિઝા સહિતના મુદ્દે ભારતને ફટકો પડે એવા નિર્ણયો લીધા છે, ભારતની નિકાસને ફટકો મારવા ટૅરિફ લાદ્યા છે, ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ લેતું હતું એ પણ બંધ કરાવ્યું છે. આ તો થોડાક નિર્ણયોની વાત કરી પણ ટ્રમ્પના બીજા ઘણા એવા નિર્ણયો છે કે, જેમાં તેમની ભારતવિરોધી માનસિકતા છતી થાય છે.
હવે ભારતને નરકનો ખાડો ગણાવીને ટ્રમ્પે હદ જ કરી નાખી છે ત્યારે ભારતે આકરા થવાની જરૂર છે. ભારતે ટ્રમ્પને સવાલ કરવો જોઈએ કે, ભારત નરક જ હોય તો લૂમ લેવા માટે ભારત સાથે વેપાર કરવા કેમ ઊંચાનીચા થયા કરો છો? અમેરિકાની કંપનીઓનો માલ ભારતમાં પધરાવવા કેમ ભારતની આગળપાછળ ફરો છો? ભારત નરક જ હોય તો જખ મારવા અમેરિકાની કંપનીઓ ભારતીયોને લાલ જાજમ પાથરીને નોતરે છે?
ટ્રમ્પની હરકત તેમની નીચ માનસિકતાનો વધુ એક પુરાવો છે પણ ટ્રમ્પનો અભિપ્રાય આખા અમેરિકાનો અભિપ્રાય નથી તેથી ભારતે અમેરિકનો માટે ખાર રાખવાની જરૂર નથી. ટ્રમ્પના પ્રમુખપદને સવા બે વર્ષ થઈ ગયાં ને હવે પોણા બે વર્ષ બાકી છે. આ પોણા બે વર્ષમાં ટ્રમ્પ ભારત સામે જે ઝેર ઓકવું હોય એ ઓકી લે પણ ભારત સામે કશું કરવાની તેની તાકાત નથી આ વિતેલાં સવા બે વર્ષમાં સાબિત થયેલું જ છે. આ સંજોગોમાં ટ્રમ્પ કે તેના પાલતુ એવા સેવેજના અભિપ્રાયની બહુ કિંમત નથી પણ ભારતે એટલે આકરા થવું પડે કે, ભવિષ્યમાં ટ્રમ્પના રસ્તે ચાલીને ભારતને ગાળ આપતાં પહેલાં અમેરિકાના શાસકો સો વાર વિચાર કરે.