Mon Aug 31 2026

Logo

ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી, જાણો ક્યાં પહોંચ્યું ચોમાસું

2026-06-09 08:34:00
Author: Mayur Patel
ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી, જાણો ક્યાં પહોંચ્યું ચોમાસું

અમદાવાદ-નવી દિલ્હીઃ દેશના 16 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. ઉત્તર ભારતમાં હજુ કેટલાક દિવસ ભીષણ ગરમી પડશે.  આગામી ત્રણ દિવસમાં ચોમાસું ઉત્તર બંગાળ સુધી પહોંચવાનો અંદાજ છે. તેની અસરથી કેરળ, તમિલનાડુ અને તટીય આંધ્ર પ્રદેશમાં વરસાદ પડશે. 11 જૂનથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનો અંદાજ છે, જે બાદ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પશ્ચિમ ભારત અને બિહાર સહિત પૂર્વ ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.  ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થથાં વરસાદની આગાહી છે.

ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બ્નસ એમ બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 
પવન-ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતમાં વરસાદ પડી શકે છે., દમણ, દાદરા નગર હવેલી, ડાંગતાપી,નવસારી,વલસાડમાં વરસાદની શકયતા છે. કચ્છ, દીવ, પોરબંદરમાં વરસાદની આગાહી છે.

મધ્ય ગુજરાતમાં તાપમાન વધુ રહેવાની આગાહી કરી છે. આજે તાપમાન 40થી 41 ડિગ્રી સુધી પહોંચી જશે. અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 40.1 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 40.8 અને વડોદરા 40.9 ડિગ્રી, ભુજ અને કચ્છમાં 38થી 38.5 ડિગ્રી, સુરતમાં 35.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 40.6 અને અમરેલી 41.7 ડિગ્રી, સુરેન્દ્રનગર 41.2 અને ભાવનગર 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને અસમ સહિત ઉત્તર-પૂર્વના તમામ સાતેય રાજ્યોમાં પહોંચી ગયું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ચોમાસું ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ તેમજ ઉત્તર-પૂર્વીય રાજ્યોના બાકીના ભાગો અને છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

છેલ્લા 24 કલાક દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ 12 થી 20 સેમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ, તટીય કર્ણાટક, ઉત્તરી આંતરિક કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા તેમજ તેલંગાણામાં કેટલાક સ્થળોએ 7 થી 11 સેમી સુધીનો વરસાદ ખાબક્યો છે.

ઉત્તર ભારતમાં અસહ્ય ગરમી અને બફારો: પારો 45 ડિગ્રીને પાર

બીજી તરફ, ઉત્તર ભારતના રાજ્યો હાલમાં તીવ્ર ગરમી અને અસહ્ય બફારાની ચપેટમાં છે. રાજસ્થાનનું શ્રીગંગાનગર સોમવારે 45.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. રોહતકમાં 45.2 ડિગ્રી સેલ્સિયસ, ફતેહગઢમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ, વારાણસીમાં  43.6 ડિગ્રી સેલ્સિયસ, પટિયાલામાં 42.6 ડિગ્રી સેલ્સિયસ,દિલ્હીમાં 42.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.