Wed Jul 01 2026

Logo

જનતાના પ્રશ્નોનું પોટલું ખોલવા AAPના આટલા નેતાઓએ રાજ્યપાલને પત્ર લખી કરી આ માંગ....

2026-02-13 14:40:00
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: આમ આદમી પાર્ટીના નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખીને વિશેષ મુલાકાત માટે સમય માંગ્યો છે. રાજ્યમાં પ્રવર્તતી વિવિધ જ્વલંત સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે 'આપ'નું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ રાજ્યપાલને રૂબરૂ મળવા ઈચ્છે છે. આ પત્રમાં આગામી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મુલાકાત માટે વિનંતી કરવામાં આવી છે, જેથી જનતાના પાયાના પ્રશ્નો સરકારના સર્વોચ્ચ પ્રતિનિધિ સુધી પહોંચાડી શકાય.

પત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલ ખેડૂતો, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિને કારણે સામાન્ય નાગરિકોમાં ઉભી થયેલી અસલામતીની ભાવના અંગે પણ પ્રતિનિધિમંડળ રાજ્યપાલનું ધ્યાન દોરશે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે વર્તમાન સ્થિતિમાં 'નાના માણસો'ને પડતી તકલીફો નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાવા જરૂરી છે.

રાજ્યપાલને મળવા જનારા આ પ્રતિનિધિમંડળમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય હેમંત ખાવા અને મનોજ સોરઠીયા સહિત ૧૩ જેટલા મુખ્ય આગેવાનોનો સમાવેશ થાય છે. આ યાદીમાં સાગર રબારી, પ્રવીણ રામ અને અન્ય પ્રદેશ સ્તરના નેતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે રાજભવન દ્વારા આ મહત્વની મુલાકાત માટે કયો સમય ફાળવવામાં આવે છે અને આ બેઠક બાદ પક્ષની આગામી રણનીતિ શું રહે છે.