થાણે: થાણે જિલ્લામાં બંધ ઘરોનાં તાળાં તોડી ચોરી કરનારા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ટિટવાલાથી પકડી પાડીને ચોરીના 48 ગુના ઉકેલી કાઢ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષથી ગુના આચરનાર આરોપી પાસેથી ચોરીના 1.39 કરોડ રૂપિયાના દાગીના હસ્તગત કરાયા હતા.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીની ઓળખ શિવાજી ગોપાળ સંતે (31) તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ માત્ર મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ચોરીના 48 ગુના દાખલ છે. એ સિવાય કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના અને ઉલ્હાસનગરના સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દિવા પૂર્વ, મુંબ્રા વિસ્તારમાં છેલ્લાં બે વર્ષમાં બંધ ઘરોમાં બારીની ગ્રિલ અને દરવાજાનાં તાળાં તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરીના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા હતા અને ગુનામાં સામેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘણા સમયથી શોધી રહ્યા હતા. એવામાં મુંબ્રામાં નારાયણ ભગત નગરમાં આવેલી ઇમારતના બંધ ઘરમાં 2 ફેબ્રુઆરી, 2026ના રોજ ચોરીની ઘટના બનતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં શકમંદ ગુનો આચર્યા બાદ ત્યાંથી જતો નજરે પડ્યો હતો. શકમંદ જે માર્ગ પરથી ગયો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસે ચકાસ્યા હતા અને પંદર દિવસ સુધી શોધ ચલાવ્યા બાદ આખરે મળેલી માહિતીના આધારે તેનેે ટિટવાલાથી ઝડપી પાડ્યો હતો.