Wed Sep 02 2026

Logo

અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને પચીસ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

2026-03-03 17:57:00
Author: Yogesh D. Patel
અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને પચીસ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2016માં ટેન્કરે અડફેટમાં લેતાં મૃત્યુ પામેલી 28 વર્ષની મહિલાના પરિવારજનોને 25.29 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
એમએસીટીનાં સભ્ય આર.વી. મોહિતેએ મૃત મહિલાના બંને સગીર સંતાન અને પતિને વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. 

ભિવંડી-કલ્યાણ રોડ પર કોનગાંવ ખાતે 8 મે, 2016ના રોજ મહિલા સુરેખા યોગેશ મોરે માર્ગ ઓળંગી રહી હતી ત્યારે પૂરપાટ વેગે આવેલા ટેન્કરે તેને અડફેટમાં લીધી હતી. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે ટેન્કર ‘પૂરપાટ વેગે અને બેદરકારીથી’ હંકારવામાં આવી રહ્યા હતા અને તેણએ મહિલાને અડફેટમાં લીધા બાદ તેના પર ફરી વળ્યું હતું, જેમાં ગંભીર ઇજા પામેલી મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

કોનગાંવ પોલીસે આ પ્રકરણે ટેન્કરના ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 304 (એ) અને 279 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે આ અકસ્માત બાદ ટેન્કરના માલિકને ઇન્શ્યૂરન્સ પોલિસી જારી કરવામાં આવી હતી. ટ્રિબ્યુલને વીમા કંપનીને પ્રથમ વળતર ચૂકવવા અને ત્યાર બાદ તે વાહનના માલિક પાસેથી ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.

ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે દાવેદારો 25.29 લાખ રૂપિયાના વળતર માટે હકદાર છે અને ઉમેર્યું હતું કે અરજીની તારીખથી નવ ટકાના વ્યાજ સાથે રકમ ચૂકવવી જરૂરી છે. (પીટીઆઇ)