થાણે: રોકાણ કરેલી રકમ પર ઊંચા વળતરની ખાતરી આપી 68 રોકાણકાર સાથે 7.09 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ થાણે પોલીસે એક ખાનગી ઈન્વેસ્ટમેન્ટ કંપનીના છ ડિરેક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ ઘણી બધી બોગસ કંપનીઓ ઊભી કરીને છેલ્લાં અનેક વર્ષથી આ ફ્રોડ કરવામાં આવતું હતું.મલાડનો વડાપાંઉ વિક્રેતા 2018માં વીમા પૉલિસી લેવા માગતો હતો. તેના પરિચિતે શૅર-બ્રોકિંગ કંપની ચલાવતા એક આરોપી સાથે ઓળખાણ કરાવી હતી.
મહિને પાંચ ટકાના વળતરની લાલચમાં આવી વડાપાંઉ વિક્રેતાએ શરૂઆતમાં પાંચ હજાર રૂપિયા અને પછી ત્રણ લાખ રૂપિયાનું રોકાણ આરોપીની કંપનીમાં કર્યું હતું. છ મહિનામાં તેને 1.05 લાખ રૂપિયાનું વળતર આપવાનું વચન અપાયું હતું. આ જ પ્રકારની લાલચમાં આવી અનેક રોકાણકારોએ રોકાણ કર્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.જોકે રોકાણકારો કંપનીની કાંદિવલીની ઑફિસમાં વ્યાજની રકમ લેવા પહોંચ્યા ત્યારે ત્યાંના કર્મચારીઓએ વધુ 45 દિવસની મહેતલ માગી હતી.
45 દિવસ પછી રકમ ચૂકવી દેવાની ખાતરી આપીને આરોપીને પર્સનલ લોન આપી હોવાનો દાવો કરતા સોગંદનામા પર સહી કરવાની રોકાણકારોને ફરજ પડાઈ હતી. પછી ઑફિસ બંધ કરી આરોપી રફુચક્કર થઈ ગયા હતા, એવું પોલીસનું કહેવું છે.પોલીસ ફરિયાદ અનુસાર રોકાણકારોને પછીથી ભાંડુપની મુખ્ય ઑફિસમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમને કૅન્સલ કરેલા ચેક અને ઑનલાઈન નાણાં ઉપાડની રસીદો અપાઈ હતી.
જોકે બાદમાં કંપનીની કામગીરી છ મહિના માટે સસ્પેન્ડ કરાઈ હોવાની જાણ કરતો ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો.મે, 2023માં ભાંડુપ પોલીસે ઠગાઈ મામલે શૅર-બ્રોકિંગ કંપની ચલાવતા આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ જોકે પછીથી જામીન મેળવ્યા હતા અને નવી કૉર્પોરેટ પહેલની જાહેરાત કરતો વીડિયો મેસેજ વાયરલ કર્યો હતો.વડાપાંઉ વિક્રેતા આરોપીને ડોમ્બિવલીમાં મળ્યો હતો, જ્યાં તેના પાંચ લાખ રૂપિયા ચૂકવી દેવાની ખાતરી આપવામાં આવી હતી.
જોકે બાવીસ મહિનાની વળતર યોજના માટે વધુ 80,550 રૂપિયા ચૂકવવાનું તેને કહેવામાં આવ્યું હતું. વિક્રેતાએ આ રકમ ચૂકવી હતી, પરંતુ વચન આપ્યા મુજબ તેને કોઈ વળતર આપવામાં આવ્યું નહોતું. પછી આરોપીઓ દ્વારા તેને ઉડાઉ જવાબ આપવામાં આવતા હતા. આખરે તેણે અન્ય રોકાણકારો સાથે રવિવારે ડોમ્બિવલીના રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 68 રોકાણકાર ફરિયાદ કરવા આગળ આવ્યા છે, જેમાં 14 લાખથી 84 લાખ રૂપિયા ગુમાવનારા લોકોનો સમાવેશ થાય છે. 7.09 કરોડ રૂપિયાની છેતરપિંડની ફરિયાદ મળી છે અને આ આંકડો હજુ વધવાની શક્યતા છે. (પીટીઆઈ)
પ્રતીકાત્મક તસવીર