Mon May 11 2026

Logo

ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના માસ્ટરમાઇન્ટને ત્રણ વર્ષની કેદ: તેની જપ્ત કરેલી મિલકતોની હરાજી કરવાના કોર્ટના નિર્દેશ

2026-04-11 18:44:55
Author: યોગેશ ડી. પટેલ
Article Image

થાણે: થાણે જિલ્લાની વિશેષ કોર્ટે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના માસ્ટરમાઇન્ડને ત્રણ વર્ષની સખત કેદ ફટકારી હતી અને છેતરાયેલા હજારો રોકાણકારોને રૂપિયા પાછા આપવા માટે તેની જપ્ત કરાયેલી મિલકતોની હરાજી કરવાના નિર્દેશ સરકારી અધિકારીઓને આપ્યા હતા.
મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) એક્ટ હેઠળ દાખલ કરાયેલા કેસની સુનાવણી કરતા વિશેષ કોર્ટના જજ જી.ટી. પવારે 9 એપ્રિલે જારી કરેલા આદેશમાં દોષિત સિમબૅક એગ્રો પ્લાન્ટેશન (ઇન્ડિયા) લિમિટેડના ડિરેક્ટર રામકૃત મુન્શી યાદવને બે લાખનો દંડ પણ ફટકાર્યો હતો.

કોર્ટે આરોપી યાદવને વિશ્વાસઘાત અને એમપીઆઇડી એક્ટના ઉલ્લંઘન માટે દોષી ઠેરવ્યો હતો. જોકે અન્ય બે આરોપી ઇન્દિરા સુભાષ યાદવ તથા બિંદુ સુદર્શન યાદવને કંપનીમાંથી રાજીનામું આપવા તથા દૈનિક વ્યવહારોમાં તેમની સક્રિય સંડોવણી અંગે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.
આ કેસ 1992નો છે, જ્યારે રામકૃત યાદવે ફરિયાદીને આકર્ષક વળતર, કર લાભો અને વીમાની લાલચ આપીને વિવિધ યોજનામાં રોકાણ કરવા માટે પ્રેર્યો હતો. ફરિયાદી એજન્ટ બન્યો હતો અને દૈનિક બચત, ફિકસ્ડ ડિપોઝિટથી લઇને ‘એગ્રો પ્લાન્ટેશન’ જેવી યોજનાઓ માટે લોકો પાસેથી રૂપિાય એકઠા કરવા લાગ્યો હતો. 

તપાસકર્તા પક્ષે સ્થાપિત કર્યું હતું કે જુલાઇ, 2002માં કંપનીએ અચાનક તેની ઓફિસ બંધ કરી દીધી હતી, જેને કારણે 200થી વધુ રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પ્રકરણે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વિશેષ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આરોપીઓએ વિવિધ યોજનાઓ શરૂ કરી હતી અને રોકાણકારો પાસેથી રૂપિયા સ્વીકાર્યા હતા. તેમણે ભંડોળનો દુરુપયોગ કર્યો હતો અને આરબીઆઇ કે સેબી પાસેથી પરવાનગી લીધા વિના યોજનાઓ શરૂ કરી હતી.

કોર્ટે ઉમેર્યું હતું કે સક્ષમ અધિકારી એટલે કે થાણેના કલેક્ટરને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ રાજ્ય સરકાર પાસેથી ઉપરોક્ત મિલકતની હરાજી માટે નોટિફિકેશન મેળવે અને બધા રોકાણકારોને તેમણે રોકેલી રકમ તથા આરોપીએ આપેલા વચન મુજબ વ્યાજ સાથે વિતરણ કરવા માટે જરૂરી પગલે લે. (પીટીઆઇ)