Mon May 11 2026

Logo

મોજની ખોજઃ બોલો કોણ જીત્યું... પ્રેતાત્મા કે પરમાત્મા?

2026-05-05 09:02:40
Author: સુભાષ ઠાકર
Article Image

સુભાષ ઠાકર

બન્યું એવું કે ચૂંટણીની ચાર દિવસ પહેલાં ચંપકલાલના સેક્રેટરી ચંબુએ ઉતારેલું ભાષણ મંચ પરથી વાંચવા લાગ્યા.
ત્યારે ચંબુ બાજુમાં બેઠો.

‘પ્રિય બધુઓ અને ભંગીનીઓ.. હું.’

‘અરે બાફ્યું, સાહેબ ‘બધુઓ અને ભંગીનીઓ’ નથી પણ ‘બંધુઓ અને ભગિનીઓ છે’ ચંબુ ચંપકલાલના કાનમાં બોલ્યો.

‘ઓકે, બંધુઓ અને ભગિનીઓ, આ દેશની પહેલા જે પરસ્ત્રી હતી એવી પરસ્ત્રી આજે રહી નથી પણ.’

‘અરે બાપુ, પરસ્ત્રી નહીં પરિસ્થિતિ...પરિસ્થિતિ.’

સેક્રેટરીએ પાછી ભૂલ સુધારી

‘હં...હા...હા પહેલાં પરિસ્થિતિ જુદી હતી. દેશની આજની પરિસ્થિતિ જોઈ મારો અંદરનો પ્રેતાત્મા કકળી ઊઠે છે.’

‘લોચો... બાપુ... પાછો લોચો...પ્રેતાત્મા નઈ પરમાત્મા બોલો.’

ચંબુએ પાછી ભૂલ સુધારી

‘સોરી ભાઈઓ-બેનો, અંદરનો પરમાત્મા, બસ?. મિત્રો, ભૂતકાળમાં મારાથી પણ કેટલીક ભૂલો થઇ હશે એ માટે આજે મારો અંતરાત્મા અંદરથી ઝંખે છે.’

‘ઝંખે છે નઈ બાપુ, ડંખે છે. પ્લીઝ, ભગા ન કરો.’

‘અરે ભાઈ ડંખે છે. ખુશ? વ્હાલા ભાઈ-બેનો, આપ સૌના સાથ અને સહકારથી આપણો દેશ આજ કેટલો વિનાશના પંથે જઇ...’

‘બાફ્યું... બાપુ પાછું બાફ્યું. વિનાશના નઈ વિકાસના પંથે... હજી કેટલું બાફ્શો?’

‘ઓકે. એકદમ સોરી... વિકાસના પંથે જઈ રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે છેલ્લાં 70 વર્ષથી આપણો દેશ ખૂબ ટોયલેટ કરી રહ્યો છે. ટોયલેટ કરવાની પણ એક લિમિટ હોય. દેશ હવે વધુ ટોયલેટ નઈ કરે એટલે..’ ચંપકલાલનો બફાટ ચાલુ જ રહ્યો.

‘બાપુ...બાપુ.... તમે ભાષણની પથારી ફેરવો છો, ટોયલેટ નઈ ‘ટોલરેટ.. ટો..લ..રે..ટ’ ચંબુ થોડો ઉગ્ર બન્યો.

‘અરે હા, મારા બાપ... સમજ્યો. હવે કેટલી ભૂલો કાઢીશ? દેશ કેટલું ટોલરેટ કરે છે. દેશના લોકો મોંઘવારીની બૂમાબૂમ કરે છે પણ તમે બે ટંક જમો, બે વાર નાસ્તા કરો તો મોંઘવારી વધે જ ને? તમે જીવવા માટે ખાઓ છો કે ખાવા માટે જીવો છો? બાકી શરીરને જીવાડવા જોઈએ કેટલું? પ્રભુ મહાવીર સાડાબાર વર્ષમાં માત્ર માત્ર 349 જ દિવસ જમેલા. સરકાર ધીરે ધીરે તમને પ્રભુ બનાવવા જઈ રહી છે એનું જ્ઞાન કેમ નથી? છતાં કોઈ મોંઘવારી દૂર કરે એવી જાણકાર વિધવાઓની શોધ ચાલુ છે.’

‘બાપુ, તમે મને મરાવી નાખશો. વિધવાઓની નઈ પણ વિદ્વાનોની...’

‘સોરી, વિદ્વાનોની શોધ ચાલુ છે. જનતાને વિનંતી કે એક વાર ગ્રીન બટન દબાવી મને મનીસ્ટાર બનાવી દો પછી.’
‘ભગો સાહેબ, મોટો ભગો’ ચંબુએ નેતાના કાનમાં જોરથી બૂમ પાડતા બોલ્યો ‘મનીસ્ટાર તો પછી થવાનું જ છે,

અત્યારે મિનિસ્ટર બોલો.’

‘અરે ચુપ’ ચંપકલાલ તો ભડક્યા: ‘તું શબ્દ નઈ ભાવાર્થ પકડ. આમ દરેક લાઈને ભૂલો ક્યાં સુધી કાઢ્યા કરીશ? તું કઈ ટાઈપનો સક્કરટેટી છે?’

‘બાપુ પ્લીઝ..., સક્કરટેટી નઈ સેક્રેટરી બોલો’ ચંબુની છટકી.

‘નથી બોલતો જા. શું કરી લઈશ? એક તો ગરબડિયાસ અક્ષરે આખું ભાષણ લખ્યું છે ને ઉપરથી મારી ભૂલો કાઢે છે. કઈ ટાઈપનો માણસ.’

‘અરે, હું કોઇપણ ટાઇપનો હોઉં પણ આ આખું ભાષણ ટાઇપ કરેલું હોવા છતાં તમે લોચા પર લોચા જ મારો  છો.’

‘ઓહ, ટાઇપ કરેલું છે?’ એટલું બોલી ચંપકલાલે પાનું ફેરવ્યું ને બોલ્યા ‘બંધુઓ ને ભંગીનીઓ...’

‘અરે સ્ટોપ બાપુ સ્ટોપ, અરે તમે બીજી કોપી વાંચવાનું ચાલુ કર્યું’ ચંબુ બોલ્યો.

‘ઓકે એટલે ભાષણ પૂરું થઈ ગયુ?’

મિત્રો ભાષણ પૂરું, ચૂંટણી પણ પૂરી ને કાલે મારું બેટુ ચંપકલાલ જીતી ગયા.

‘સાહેબ, આપ જીતી ગયા. તમે બોલેલા કે હું ન ગમતો હોઉ તો મારા નામ પર લીલું બટન દબાવી મને જીતાડજો’

જનતાએ લીલું બટન દબાવ્યું. તમને જીતાડવાનું કારણ ગામવાળાને પૂછ્યું બોલ્યા. ચંબુ, તમારી સભાના આગલા દિવસે જ ગામવાળાએ સભા ભરેલી અને નક્કી કરેલું કે તનતોડ મહેનત કરી પણ ચંપકલાલને જ જીતાડવા.’

‘જોયું? લોકોનો કેટલો પ્રેમ છે’ ચંપકલાલ બોલ્યા.

‘પ્રેમ નથી બાપુ, એમણે કીધું કમસે કમ પાંચ વર્ષ સુધી તમારું મોઢુ જોવામાંથી તો બચી જવાય.’

પ્રિય વાચકો, તમે તો જાણો છો કે જેમને ચૂંટ્યા છે એમણે જ આપણને લૂંટ્યા છે. આ લોકોને દેશ કેમ ચલાવવો એ ખબર નથી પણ આપણે તો આ જમાતને ચલાવવી પડશે.. ભારતમાં જન્મ્યા છો એટલે હવે જાયે તો જાયે કહાં...ખોટું લાગે તો માફ કરજો પણ હવે આતંકવાદી કરતા આવા તકવાદીઓની બીક વધુ લાગે છે.
શું કહો છો?