Wed Sep 02 2026

Logo

અમે પહેલાં બૅટિંગ કરવાનું જ નક્કી કર્યું હતુંઃ સૂર્યકુમાર

colambo   2026-02-15 19:59:10
Author: Ajay Motiwala
અમે પહેલાં બૅટિંગ કરવાનું જ નક્કી કર્યું હતુંઃ સૂર્યકુમાર

કોલંબોઃ પાકિસ્તાન (Pakistan)ના કૅપ્ટન સલમાન અલી આગાએ અહીં વર્લ્ડ કપના હાઈ-વૉલ્ટેજ મુકાબલામાં ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું અને ભારત (India)ને પહેલા બૅટિંગ કરવાનો મોકો મળ્યો ત્યારે કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મેદાન પરની મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે ` અમે પણ પહેલાં બૅટિંગ કરવાનું જ નક્કી કર્યું હતું.'

સૂર્યા (Surya)એ વધુમાં જણાવ્યું કે ` અમે પાછલી બન્ને મૅચ અમે આપેલો લક્ષ્યાંક ડિફેન્ડ કરીને જ જીત્યા હતા એટલે અમે આ વખતે પણ ટાર્ગેટ આપવા માગતા હતા. આવી તક બહુ ઓછી વાર મળે. આ બહુ મોટી મૅચ છે. જોકે આ રમતમાંથી ઘણું શીખવા મળતું હોય છે. સામાન્ય રીતે (આ ફૉર્મેટમાં) કઈ ટીમ જીતશે એ ચોક્કસપણે કહી ન શકાય. જે દિવસે જે ટીમનો પર્ફોર્મન્સ ચડિયાતો હોય એના જ જીતવાના ચાન્સ વધી જતા હોય છે.'

પાકિસ્તાનના સુકાની સલમાન આગાએ કહ્યું, ` કોલંબોની આ પિચ પર બૉલ થોડો રહી-રહીને આવતો હોવાથી મને લાગે છે કે પહેલી થોડી ઓવર્સમાં બોલર્સને વધુ ફાયદો થશે. આર. પ્રેમદાસાની આ પિચ સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબની પિચ કરતાં સ્લો છે.'

પ્રેમદાસા સ્ટેડિયમની પિચ પર બૉલ ટપ પડ્યા પછી ધીમો થતો હોવાની સંભાવના વચ્ચે પાકિસ્તાને અભિષેક શર્મા (0)ની વિકેટ વહેલી લેવામાં સફળતા મેળવી, પરંતુ ઇશાન કિશન (77 રન, 40 બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર)ની ફટકાબાજી રોકી નહોતા શક્યા. પહેલી નવ ઓવરમાં ભારતનો સ્કોર 2/89 હતો જેમાંથી 77 રન ઇશાન કિશનના હતા.