અમદાવાદ: કતારની ગેસ રિફાઇનરીમાં ભીષણ વિસ્ફોટના ત્રણ દિવસ બાદ, સુરતના ડુમસ વિસ્તારમાં રહેતા સન્ની પટેલ નામના 25 વર્ષીય યુવાનના મોતના સમાચારની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. કતારમાં જ કામ કરતા સન્નીના મોટા ભાઈ રવિ પટેલે સન્નીના મૃતદેહની ઓળખ કરી હતી, જેનાથી પરિવારની આખરી આશા પણ રોળાઈ ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, અકસ્માત પહેલા સન્નીએ તેની પત્ની પિંકલબેન સાથે ફોન પર છેલ્લી વાર વાત કરી હતી કે તે નાઇટ શિફ્ટમાં જઈ રહ્યો છે. વિસ્ફોટના સમાચાર મળતા જ પત્નીએ વારંવાર વીડિયો કોલ અને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. કતાર એનર્જી એલએનજી દ્વારા સંચાલિત બારઝાન ગેસ સપ્લાય ફેસિલિટીમાં થયેલા આ બ્લાસ્ટમાં સન્ની સહિત 13 લોકોના મોત થયા છે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર કતારમાં સ્થિત ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં છે. સરકારી પ્રોટોકોલ અનુસાર સન્નીના પાર્થિવ દેહને વતન લાવવા માટે તમામ જરૂરી કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી હોવાનું અને પરિવારને પૂરેપૂરી મદદ કરવાની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે 15 વર્ષ પહેલાં સન્નીના પિતાનું અવસાન થયું હતું અને ત્યારબાદ તેના એક મોટા ભાઈનું પણ અવસાન થયું હતું. પરિવારના ભરણપોષણ માટે સન્ની માત્ર સાત મહિના પહેલા જ મિકેનિકલ ફિટર તરીકે કતાર ગયો હતો. આ ઘટનાથી તેના સમગ્ર પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.