Mon Oct 05 2026

Logo

સુરતમાં પાટીદાર સમાજે શું લીધો ઐતિહાસિક નિર્ણય ? જાણો પ્રેમલગ્ન સહિતના પારિવારિક વિવાદો કેવી રીતે ઉકેલાશે

2026-09-19 09:48:00
Author: Mayur Patel
સુરતમાં પાટીદાર સમાજે શું લીધો ઐતિહાસિક નિર્ણય ? જાણો પ્રેમલગ્ન સહિતના પારિવારિક વિવાદો કેવી રીતે ઉકેલાશે

સુરત: શહેરમાં મોટી સંખ્યામાં પાટીદારો વસે છે. વરાછા-કતારગામ પાટીદારોનો ગઢ ગણાય છે. જોકે છેલ્લા થોડા સમયથી જીવનશૈલીમાં આવેલા પરિવર્તન આવ્યું છે. જેના કારણે પાટીદારોમાં ઘરેલું વિવાદો પણ વધ્યા છે.  પાટીદારોમાં વચ્ચે પારિવારિક વિવાદોને ડામવા સમાજે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જે અંતર્ગત કોર્ટ-કચેરીના ધક્કા અને વિવાદો અટકાવવા સમાધાન પંચની રચના કરવામાં આવી હતી.

સામાન્ય રીતે પારિવારિક કે વ્યાવસાયિક વિવાદોમાં લોકો સગાં-સંબંધીઓ કે આગેવાનો પાસે જતા હોય છે, પરંતુ હવે સંસ્થાકીય માળખું ઊભું કરીને 11 મોભીઓની વિશેષ કમિટી બનાવાશે. આ કમિટી વિવાદિત બંને પક્ષોને આમને-સામને બેસાડી, સાંભળીને સુમેળભર્યો નિકાલ લાવશે. નજીવા મનદુઃખમાં પરિવારો કોર્ટ-કચેરીની લાંબી અને ખર્ચાળ લડાઈમાં પાયમાલ ન થાય અને સમય-નાણાંનો બચાવ થાય તે આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

પંચની કાર્યપદ્ધતિ અંગે સ્પષ્ટતા કરતાં સૂત્રોએ જણાવ્યું કે, છૂટાછેડાના કિસ્સામાં પહેલો પ્રયાસ હંમેશાં બંને પક્ષોને સમજાવીને ઘર તૂટતું બચાવવાનો રહેશે. જો કોઈ સંજોગોમાં સમાધાન શક્ય ન બને તો જ અલગ થવાનો માર્ગ વિચારાશે. પ્રેમલગ્નના વધતા ચલણ અંગે સૂત્રોએ જણાવ્યું કે, બદલાતા સમયમાં પ્રેમલગ્ન સંપૂર્ણપણે રોકી શકાય નહીં, પરંતુ યુવક-યુવતીઓ સ્વસમાજમાં જ લગ્નગ્રંથિથી જોડાય તે માટે વિશેષ સામાજિક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

હાલમાં આ સમાધાન પંચનો પ્રારંભ સુરત શહેર પૂરતો કરાયો છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આગામી દિવસોમાં ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં પણ આ પ્રકારની ટીમો બનાવવાનું આયોજન છે.