Tue Oct 06 2026

Logo

સુરતમાં ચોંકાવનારી ઘટનાઃ પાડોશીએ આપેલો ઝેરી ગોળીઓવાળો પ્રસાદ ખાઈ બે જણ હૉસ્પિટલમાં

2026-04-13 17:43:56
Author: Pooja Shah
સુરતમાં ચોંકાવનારી ઘટનાઃ પાડોશીએ આપેલો ઝેરી ગોળીઓવાળો પ્રસાદ ખાઈ બે જણ હૉસ્પિટલમાં

અમદાવાદઃ પહેલો સગો તે પાડોશી એવી કહેવતને ખોટી પાડતો એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો હતો. અહીં પાડોશી સાથેના મનભેદને કારણે તેમને પ્રસાદના લાડુમાં ઝેરી ગોળીઓ ભેળવી આપવામાં આવ્યો હતો, જેના કારણે પરિવારના બે સભ્યએ હૉસ્પિટલમા દાખલ થવું પડ્યું હતું. પડોશીએ કથિત રીતે પરિવારને મારી નાખવાની કોશિશ કરી હોવાનો આરોપ થઈ રહ્યો છે. 

ઘટનાની મળતી વિગતો અનુસાર અહીંની શાલીમાર હાઈટ્સ નામની પોશ કોલોનીમાં ગોરધનભાઈ ડોંડા અને તેમનો પરિવાર રહે છે. ઘરની બહારના હૂંકમાં કોઈ થેલીમાં પ્રસાદ રાખીને ગયું હતું. ધાર્મિક પ્રસંગો બાદ સોસાયટીમાં આ રીતે પ્રસાદ કોઈ આપી જતા હોવાથી ગોરધનભાઈએ કોઈ શક વિના પ્રસાદમાં આવેલા બુંદીના લાડુ ખાધા હતા અને તેમના બાદ તેમના પુત્રવધુ કિરણબેને પણ ખાધા હતા. એકાદ બે કલાક બાદ પહેલા ગોરધનભાઈ અને પછીથી કિરણબેનની તબિયત લથડી હતી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન શક જતા પરિવારના સભ્યોએ લાડુ ચેક કર્યા ત્યારે તેમાંથી ઝેરી દવાની ગોળીઓ નીકળી હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતું. 

 ઘટનાની જાણ થતા પોલીસ આવી હતી અને સીસીટીવીના આધારે પાંચ શંકાસ્પદને પકડ્યા હતા. આ સાથે પ્રસાદને એફએસએલની તપાસ માટે મોકલ્યો હતો. કિરણ ડોંડાના જણાવ્યા અનુસાર પોલીસની પૂછપરછમાં તેમનાં પડોશી ઉષાબેહનનું નામ બહાર આવ્યું હતું. ઉષાબહેનને શક હતો કે તેમની દીકરીના ભાગી જવામાં કિરણબેન અને ડોંડા પરિવારનો પણ હાથ છે અને આથી અગાઉના સારા સંબંધો પછીથી ખાટ્ટા થઈ ગયા હતા. પોલીસ આ મામલે વિશેષ તપાસ હાથ ધરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.