Mon Aug 17 2026

Logo

સુરતના ગેંગસ્ટર સતિષ મરાઠાને યુવતી લલચાવીને લાવી ને ખેલ પતાવી દેવાયો ? સતિષનું માથું વાઢીને ક્યાં લઈ જવાનું હતું ?

2026-08-07 11:02:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરના જાણીતા ગેંગસ્ટર સતિષ મરાઠાને યુવતી લલચાવીને લાવી હતી. જે બાદ ખેલ ખતમ કરી દેવાયો હતો. હત્યા બાદ સતિષનું માથું વાઢીને ગોડાદરાના અડ્ડા પર લઈ જવાનું હતું.

યુવતી સાથે શું કરતો હતો સતિષ મરાઠા

સૂર્યા મરાઠી હત્યા કેસ સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગોડાદરાના રીઢા ગુનેગાર સતિષ મરાઠાને બે દિવસ પહેલા બપોરના સમયે ભેસ્તાનના આકાશ પૃથ્વી એપાર્ટમેન્ટ નજીક ગ્રાઉન્ડમાં જાહેરમાં રહેસી નાંખવામાં આવ્યો હતો. સતિષ મરાઠા તેની કારમાં એક યુવતી સાથે બેસીને દારુ પી રહ્યો હતો ત્યારે અલગ અલગ બાઈક અને મોપેડ પર આવેલા 12થી વધુ ગુનેગારોએ તેને આંતર્યો હતો.  ઘાતક હથિયારો મારીને તેના હાથ કાપી નાખ્યા હતા. તેમજ મોઢાના ભાગે પણ અત્યંત ક્રૂરતાથી ઘા મારવામાં આવ્યા હતા. જોકે સતિષની હત્યા કરવા માટે ફાયરિંગનો પણ પ્રયાસ થયો હતો પણ મિસ ફાયર થતા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.

મોડી રાત્રે જ ડીસીબીની ટીમે તાપી -જીલ્લાના સુરત ધુલિયા હાઈવે પરથી સતિષની હત્યા કરનારા આઠ લોકોને ઝડપી લીધા હતા અને બે પિસ્તોલ એક ખાલી મેગેઝીન તેમજ એક તમંચો પણ કબજે કર્યા હતા. આ હત્યાના મુખ્ય કાવતરા ખોર રાહુલ મંડલ જે હાલમાં લાજપોર જેલમાં બંધ છે તેનો કબજો લેવા માટેની તજવીજ પોલીસે હાથ ધરી હતી. 

હત્યા બાદ આરોપીઓ મહારાષ્ટ્ર ભાગી જવાની ફિરાકમાં હતા

સતિષ મરાઠાના હત્યારાઓને શોધવા માટે ડીસીબીની ટીમ કામે લાગી હતી.  જેમાં હત્યા કર્યા બાદ આઠ જણા તાપી જીલ્લાના ધુલિયા હાઈવે થઈને મહારાષ્ટ્રમાં ભાગી જવાની ફિરાકમાં હોવાની માહિતીને પગલે ડીસીબીની ટીમે ધુલિયા હાઈવે પર તાપી જીલ્લા એલ.સી. બી.ની મદદથી નાકાબંધી કરી હતી અને ચાર રીઢા ગુનેગારો અને બીજા ચાર બાળ કિશોરને ઝડપી લીધા હતા અને બે પિસ્તોલ એક ખાલી મેગેઝીન, એક તમંચો કબજો કર્યા હતા.

જેલમાં જ રચાયું હતું કાવતરું

સૂર્યા મરાઠા મર્ડર કેસમાં બહાર આવેલા સતિષ મરાઠીના ખાસ માણસ ગણેશને કેતન ઉર્ફે સન્ની, રાહુલ ઉર્ફે બટકો, કરણ અજીત ઉર્ફે જસ્ટીન તેમજ બાદ કિશોરોએ ભેગા મળીને હુમલો કર્યો હતો. જે કેસમાં આ તમામ લાજપોર જેલમાં ગયા હતા. જ્યાં સતિષના દુશ્મન મંડલની સાથે સંપર્કમાં આવ્યો હતો અને ત્યાંથી સતિષની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. રાહુલ મંડલે તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી. 

દોઢ મહિના અગાઉ પણ ગોડાદરાના બ્રિજ નીચે આ ટોળકીએ સતિષ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે સતિષે હુમલાખોરોની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી અને નાસી ગયો હતો. જોકે હત્યારાઓને સતત એવો ડર સતાવતો હતો કે સતિષ મરાઠા તેમના પર હુમલો કરીને હત્યા કરી નાખશે, તેથી પહેલો હુમલો પોતે જ કરવો તેમ વિચારીને સતત સતિષનો પીછો કરવામાં આવતો હતો. બે દિવસ પહેલા આરોપીઓને મોકો મળી ગયો હતો.અજીત ઉર્ફે જસ્ટીન પર ભૂતકાળમાં સતિષના માણસોએ હુમલો કર્યો હતો તેમજ એક બાળ ગુનેગારના જીજાને પણ સતિષે માર માર્યો હતો જેની અદાવત હતી. સતિષ મરાઠાને આંતરવા માટે તેની કારનો કાચ એક બાળ કિશોરે તોડી નાખ્યો હતો, જથી ગુસ્સે ભરાઈને સતિષ કારની બહાર નીકળ્યો તેની સાથે જ તેના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. સતિષ પર પહેલા તો પિસ્તોલમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું પણ બે વાર મિસ ફાયર થયું હતું, બાદમાં હથિયારો વડે હુમલો કરીને તેનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.