Tue Oct 06 2026

Logo

પનીરમાં ઈન્ડસ્ટ્રિયલ એસિડ હોવાનો ચોંકાવનારો ખુલાસો, સુરતમાં પકડાયો હતો મોટો જથ્થો

2026-04-02 18:27:32
Author: Pooja Shah
પનીરમાં ઈન્ડસ્ટ્રિયલ એસિડ હોવાનો ચોંકાવનારો ખુલાસો, સુરતમાં પકડાયો હતો મોટો જથ્થો

અમદાવાદઃ ગુજરાતમાં છાશવારે નકલી પનીર પકડાય છે અને પનીરની ગુણવત્તા સામે સવાલો ઊભા થાય જ છે, પરંતુ સુરતથી પકડાયેલા 1400 કિલો પનીરના લેબોરેટરી રિપોર્ટ્સ ચોંકાવનારા છે. પાંડેસરા વિસ્તારમાંથી 1400 કિલો પનીર પકડાયું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનએ આ જથ્થાને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કર્યો હતો. આ સાથે ચોંકાવનારી વાત એ છે કે આ પનીરમાં કુદરતી દૂધની ચરબીને બદલે વનસ્પતિ તેલ અને ઔદ્યોગિક એસિડ હોવાનું બહાર આવ્યું છે.  

સૂત્રોના જણાવ્યા અનુસાર ૩જી માર્ચના રોજ ભીડભંજન સોસાયટીના એક યુનિટ પર દરોડા દરમિયાન એકત્રિત કરાયેલા નમૂનાઓ જાહેર આરોગ્ય લેબોરેટરીમાં ગુણવત્તા સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા. સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે પનીરમાં દૂધની ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું હતું. તેના બદલે, વનસ્પતિ તેલ, ખાસ કરીને પામ તેલનું બીટા-સિટોસ્ટેરોલનું ઊંચું સ્તર જોવા મળ્યું હતું. અધિકારીઓએ ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

આ સાથે પનીર બનાવતા સમયે ઔદ્યોગિક-ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. સામાન્ય રીતે, સાઇટ્રિક એસિડ જેવા ફૂડ-ગ્રેડ એજન્ટોનો ઉપયોગ દૂધને દહીં કરવા માટે થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખર્ચ ઘટાડવા માટે રાસાયણિક-ગ્રેડ એસિડનો ઉપયોગ આરોગ્યની લગતી ગંભીર સ્થિતિ ઊભી કરી શકે છે. જેમાં કિડનીને નુકસાન અને કોલોન કેન્સર જેવી લાંબા ગાળાની બીમારીઓનો સમાવેશ થાય છે.

આરોપી મહેશ શર્મા કથિત રીતે એનાલોગ પનીર બનાવતો હતો, જેમાં પામ ઓઈલ, મિલ્ક પાવડર અને પાણીનો ઉપયોગ થતો હતો. આ પનીર અસલી પનીર જેવું જ લાગે છે અને ખાવાવાળી વ્યક્તિને ખબર પડતી નથી કે તે એનાલોગ પનીર ખાય છે. અસલી પનીર કિલોએ  રૂ. 400થી 450ના ભાવે મળે છે જ્યારે આ પનીર રૂ. 180થી રૂ. 220 સુધીમાં મળી જાય છે. આ સાથે તપાસ દરમિયાન એવી જાણકારી પણ મળી હતી કે આરોપી પાસે એફએસએસએઆઈનું લાયસન્સ છે, જેનું રજિસ્ટ્રેશન મહારાષ્ટ્રના વસઈમાં થયું છે, પરંતુ તે પાંડેસરામાં ગેરકાયદે પનીર બનાવતો હતો. 

પોલીસે જણાવ્યું હતું કે આ કામગીરી લગભગ બે વર્ષથી ચાલી રહી હતી, શરૂઆતમાં ગણેશનગરમાં તે યનીટ ચલાવતો હતો. આ યુનિટ દરરોજ લગભગ 400 કિલો નકલી પનીરનું ઉત્પાદન કરતું હોવાનું કહેવાય છે. આ પનીર નાની ડેરીઓ અને રસ્તા પર ચાલતા ફૂડસ્ટોલ્સવાળાને તે વેચતો હતો. 
દરોડા દરમિયાન, અધિકારીઓએ રૂ. 28 લાખથી વધુ કિંમતના પનીર, પામ તેલ અને મશીનરી જપ્ત કરી હતી.