Fri May 15 2026

Logo

સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, સોમવાર અને શુક્રવારે વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરાશે

2026-05-15 18:59:42
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. તેવા સમયે ભારત સહિત વિશ્વના અનેક દેશો ક્રૂડ ઓઇલ અને ગેસ સંકટનો સામનો કરી રહ્યા છે. તેમજ પીએમ મોદીએ પણ ઇંધણ બચાવવા માટે અપીલ કરી છે. જેની બાદ  સુપ્રીમ કોર્ટે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં સોમવાર અને શુક્રવારે માત્ર વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. 

અત્યાર સુધી હાઇબ્રિડ સુનાવણીની સિસ્ટમ

સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી હાઇબ્રિડ સુનાવણીની સિસ્ટમ હતી. એટલે કે કોર્ટની કાર્યવાહીમાં પ્રત્યક્ષ હાજરી અને વર્ચ્યુઅલ બંને રીતે હાથ ધરવામાં આવતી હતી.આ નિર્ણય મુજબ  સોમવાર, શુક્રવાર અને નિયુક્ત દિવસો  પર હવે ફક્ત વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી  જ હાથ ધરવામાં આવશે. જ્યારે અન્ય દિવસોમાં રેગ્યુલર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

રજિસ્ટ્રીને વિડીયો લિંક્સ સમયસર મોકલવામાં આદેશ 

સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં એક પરિપત્ર જાહેર કરીને આ આદેશ આપ્યો છે. તેમજ રજિસ્ટ્રીને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે સુનિશ્ચિત કરે કે વિડીયો  લિંક્સ સમયસર મોકલવામાં આવે અને તકનીકી વ્યવસ્થાઓ સરળ રહે, જેથી કોર્ટના કાર્યમાં કોઈપણ વિક્ષેપ ન થાય. આ ઉપરાંત  ઇંધણના મહત્તમ ઉપયોગ માટે  સુપ્રીમ કોર્ટના  ન્યાયાધીશોએ પરસ્પર સર્વસંમતિથી કાર-પૂલિંગને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે.

સ્ટાફ અઠવાડિયામાં બે દિવસ ઘરેથી કામ કરી શકશે 

આ ઉપરાંત રજિસ્ટ્રીની દરેક શાખા અથવા વિભાગમાં  મહત્તમ 50 ટકા સ્ટાફ અઠવાડિયામાં બે દિવસ  ઘરેથી કામ કરી શકે છે. જો કે  કાર્ય કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે ઓફિસમાં બાકીના સ્ટાફની પ્રત્યક્ષ  હાજરી ફરજિયાત રહે છે. સંબંધિત રજિસ્ટ્રારને સાપ્તાહિક રોસ્ટર તૈયાર કરવા અને સ્ટાફની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને કામ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.  તેમજ જરૂર પડે તો સ્ટાફ સભ્યોને તાત્કાલિક ઓફિસમાં બોલાવી શકાય છે.