Mon Oct 05 2026

Logo

સન્ડે ધારાવાહિક: પ્રકરણ-31

2026-09-27 09:16:00
Author: Anil Rawal
સન્ડે ધારાવાહિક: પ્રકરણ-31

 

 

અનિલ રાવલ

 રાતે શંકરના મંદિરના પાછળના ભાગમાં અજમલનું પાગલપન ભડભડ બળતું હતું

પોલીસ પાગલ અજમલને ભગાડી રહી હતી ત્યારે ઝૈનાબ દૂરથી જોઇ રહી હતી એ જ સમયે ટોળામાં ઊભેલો અમરબાબુ અજમલને જોતો હતો.....અજમલની નજર એની પર પડી.

`શંકર શંભો....' અજમલ બોલ્યો. સાંભળીને અમરબાબુ ટોળામાંથી સરકીને જતો રહ્યો....ઝૈનાબ એના બોલવાનો મતલબ ન સમજી, પણ અમરબાબુ સમજી ગયો.

એ જ રાતે શંકરના મંદિરના પાછળના ભાગમાં અજમલનું પાગલપન ભડભડ બળતું હતું. અજમલે પાગલના કપડાં ઉતારીને તાપણામાં ફેંકી દીધા હતાં. સામે બેઠેલા અમરબાબુ અને અજમલના વિચારો તપી રહ્યા હતા. તાપણાંની રહીસહી આગ પર આડેધડ ફુટતા તણખા ઊડીને ખાખ થઇ રહ્યા હતા. અજમલ અસલી કપડામાં અને અસલી મિજાજમાં આવી ગયો હતો. અમરબાબુએ લાવેલા કપડાં પહેરી લીધા હતા. એના ચહેરા પરની બરછટ દાઢી સફાચટ થઇ ગઇ હતી. રીમ ગ્લાસના ચશ્માંમાં એ ફરી ડોક્ટરબાબુ બની ગયો હતો. અમરબાબુએ અસ્ત્રો અને દાઢીનો સામાન પોતાની બેગમાં મૂક્યા. અજમલ દિવસ દરમિયાનની ઘટનાથી દુ:ખી હતો......એ પાગલ બની રહીને જ પોતાના કામને અંજામ આપવા માગતો હતો, પણ અમરબાબુએ શંકરના મંદિરે પહોંચીને એને પાગલપણું કાઢી નાખવા કહ્યું હતું. ઝૈનાબને જોઇ લીધી એ વાતની તસલ્લી થઇ હતી, પણ બેકરારી વધી ગઇ હતી.  
`મૈંને જિસ લડકી કે બારે મેં બતાયા થા વો આ ચુકી હૈ.....' અજમલે મૌન તોડ્યું. 

`વો કામ ખતમ કર પાયેગી.....?' અમરબાબુ બોલ્યો.

`ઉસે કરના હોગા....ઉસકા બાપ ભી મેરા કામ કરતા થા.' અજમલ બોલ્યો. 

અમરબાબુએ બેગમાંથી નાનકડું ઓજાર કાઢ્યું. ઊઠીને તાપણાંથી દૂર ગયો.

ઓજારથી જમીન ખોદવા લાગ્યો. અજમલ જોતો રહ્યો. થોડીવારમાં અમરબાબુએ  બે રિવોલ્વર અને એક મશીનગન, મેગેઝીન બહાર કાઢીને બતાવ્યા. અજમલ ખંધું હસ્યો. એણે મશીનગન ઊંચકીને અમરબાબુ સામે તાકી પછી ખુન્નસથી ચારે બાજુ ગોળીઓ વરસાવતો હોય એમ મશીનગન ફેરવી.  

`ડોક્ટરબાબુ, ઇસ મેં નકલી દવાઇ કી પુડિયાં નહીં, અસલી ગોલિયાં હૈ,' અમરબાબુએ મશીનગન પાછી લેતાં કહ્યું. અજમલે રિવોલ્વર ઉઠાવી. લાંબા શર્ટની પાછળ પેન્ટમાં ભરાવી. અમરબાબુએ બાકીનો મોતનો સામાન પોતાની બેગમાં મૂક્યો. અજમલે ખાડામાં માટી નાખીને એને સમથળ કર્યો. બંને જણ મંદિરમાંથી નીકળ્યા ત્યારે આગ બૂઝાવા આવી હતી.
******

રાધા એની રૂમમાં મીરાંનો વેશ ધારણ કરી રહી હતી. ઝૈનાબ સામે બેસીને જોઇ રહી હતી.

`મેં અજમલને જોયો,' એણે કહ્યું. રાધાની આંગળી એકતારાના તારને અનાયાસે અડી ગઇ.....એક બેસૂરો અવાજ આવ્યો.

`તેં અજમલને જોયો....?' રાધાએ પૂછ્યું.

`હા, એ ગાંડો બનીને ફરે છે.....'

`એટલે જ એ મારા ધ્યાનમાં ન આવ્યો....' રાધા બોલી. 

`હા, પોલીસ એને ભગાડી રહી હતી...એ મારી સામે તાકીને જોતો હતો....એણે મને ઓળખી લીધી, મને ઓળખતા વાર લાગી....' ઝૈનાબે કહ્યું.

`તું એની પાછળ કેમ ન ગઇ....?' રાધાએ પૂછ્યું.

`મને સૂઝ્યું નહીં....' ઝૈનાબે કહ્યું.

`એ વેશપલટો કરીને પાછો જરૂર આવશે, પણ કયા વેશમાં અને ક્યાં ઊતરશે એ કહેવાય નહીં'.' રાધાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું.
********

રાતે અમરબાબુ અને અજમલ લોજમાં પ્રવેશ્યા. કાઉન્ટર પાસે જઇને અમરબાબુએ મેનેજરને મોટું સ્માઇલ આપતાં કહ્યુ: `મેરા મિત્ર હૈ.....'

અજમલે રીમ ગ્લાસના ચશ્માંની દાંડીને તર્જનીથી ઠીક કરતાં કહ્યું: `જય ગોપાલા.'
********

રાધાએ પલંગ નીચેથી બેગ કાઢીને એમાંથી બોક્સ કાઢ્યું....એ જ બોક્સ જે ઝૈનાબ લાવેલી.

`આમાં શું છે.....?' ઝૈનાબને પૂછવાનો મોકો મળી ગયો. 

`મોતનો સામાન.....' રાધાએ એકતારો વગાડ્યો. એ જ વખતે દરવાજા પર બે ટકોરા પડ્યા. 

રાધાએ ઝૈનાબને દરવાજો ખોલવા ઇશારો કરીને મોતનો સામાન નીચે સરકાવી દીધો. ઝૈનાબે દરવાજો ખોલ્યો. સામે જગદીશ હતો. આ વખતે જગદીશની નજર ઝૈનાબ પર નહીં, સીધી રાધા પર પડી....

`મીરાંબાઇ કા સાજશણગાર ઉદયપુર સે મંગવાયા હૈ...સાડી કા રોજ કા સો રૂપિયા, બ્લાઉઝ કા પચાસ રૂપિયા...પેટીકોટ કા....'

`બસ, બસ, આગે મત બોલો...રોજ કા કિતના સિર્ફ ઇતના બતાઓ...' રાધા બોલી...ઝૈનાબ હસી પડી....

`પાંચસો રોજ કા.....પહેચાન હૈ ઇસલિયે એડવાન્સ નહીં લિયા...' જગદીશે કહ્યું.

`યે લો...દો હજાર રખો....' રાધાએ કહ્યું.

`સબ સાથ મે દેના...'

`કલ કા ક્યા ભરોસા....' રાધા બોલી.

`એ...એ....એસા કભી નહીં બોલને કા હં.....' જગદીશે રાધાના હોઠ પર આંગળી મૂકી દીધી. `બોલના હૈ તો જય ગોપાલા બોલો'...એટલું બોલીને એ નીકળી ગયો.

જગદીશના ગયા પછી રૂમમાં થોડીવાર ગમગીની પથરાયેલી રહી.

`બોક્સ.....' ઝૈનાબે પલંગ નીચે ઇશારો કરતાં કહ્યું. રાધાએ બોક્સ કાઢીને ખોલ્યું. રાધા એના વિશે સમજણ આપતી હતી ત્યારે ઝૈનાબની આંખો બોક્સમાં ખોડાયેલી હતી.
*********

ગુલાબ કુંજના વિશાળ દરવાજાથી થોડે દૂર રાધા ગાઇ રહી હતી....`મેરે તો ગીરધર ગોપાલ દૂસરો ના કોઇ......' ભક્તોની આવનજાવન અને ભારે ભીડ વચ્ચે રાધાની નજર અજમલને શોધી રહી હતી. એની આંખો સતત સાધુ, સંત, બાવા, ભિખારીઓને બારીકીથી ચકાસતી રહેતી. કાશ અજમલ આમાંનો કોઇ એક નીકળે......અચાનક એની નજર સામેથી અજમલ પસાર થયો....એને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો....એણે બે વાર આંખો પટપટાવીને જોયું...એ જ હતો.

એણે અજમલ પર આંખો સ્થિર રાખી....એની હિલચાલ જોવા....સિંહણ શિકાર પર સતત નજર ખોડીને રાખે એમ. અજમલ ઝીણી નજરે ઝૈનાબને શોધી રહ્યો હતો. રાધા એનો પીછો કરવા ઊભી થઇ...એવામાં અજમલે ઝૈનાબને જોઇ.....એ ચિત્તાની ઝડપે આગળ ગયો. અજમલ ઝૈનાબની સામે જઇને ઊભો રહી ગયો.. રાધા અટકી ગઇ. ખભા પર દૂધનો ઘડો લઇને ફરતા રાઘવે રાધાને જોઇ....એને કંઇક ગરબડ લાગતા એ રાધા પાસે ગયો....રાધાની આંખો અજમલ અને ઝૈનાબ પર હતી.....

`રાધા, શું થયું?' રાઘવે ધીમેથી પૂછ્યું.

`શ.....શ.....' રાધા બોલી....રાઘવે રાધાની દિશામાં નજર કરી...એ ઝૈનાબને ઓળખી ગયો.....

`આ છોકરીને મેં જોઇ છે...' રાઘવે કહ્યું.

`તું એની પર નજર રાખ....' રાધા બોલી.

`મેરે પીછે પીછે આઓ....' અજમલ બોલીને આગળ ચાલવા માંડ્યો. ઝૈનાબ પણ એની પાછળ જવા લાગી. રાધા બેસી ગઇ. રાઘવને કંઇ સમજાયું નહીં પણ, એ પણ એની સામે બેસી ગયો.

`શું થયું, કોણ છે...?' એણે પૂછ્યું....

`અજમલ....' એ માત્ર એટલું જ બોલી.

`છોકરીને મેં ગઇકાલે જ જોયેલી.....મને શંકા હતી જ એ પણ ટેરરીસ્ટ છે. હું એની પાછળ જાઉં છું...' રાઘવ ઉઠ્યો.

`ના....પાછળ જવાની જરૂર નથી...છોકરી આપણી ટીમની છે....'

`આપણી ટીમની....કોણ છે?, ક્યાંથી આવી.....?' 

`એ આપણું જ કામ કરી રહી છે...તું અત્યારે બસ આટલું સમજ...'
******

`દેવીપ્રસાદજી, હું તમને ઓળખું છું...એટલે વિનંતી કં છું કે રાધા અને એની ફ્રેન્ડને જતા રહેવાનું કહી દો....' યમુના ધરમશાળાના કર્તાધર્તા વિશ્વનાથજીએ દેવીપ્રસાદજીને હાથ જોડતાં કહ્યું.

`હું પણ આપને હાથ જોડીને વિનંતી કં છું કે એમની પર કોઇ શંકા કરવાનું કારણ નથી...વધુમાં વધુ બે દિવસ આપો. શ્યામ ઘટાના દર્શન કરીને એ લોકો જતાં રહેશે...' દેવીપ્રસાદજી બોલ્યા. વિશ્વનાથજીએ થોડી નારાજગી સાથે સહમત થયા. 
********

`મને ઝૈનાબની ચિંતા થાય છે.....' રાઘવ બોલ્યો. રાધા ધરમશાળાની બારીમાંથી નીચે ઝૈનાબની રાહ જોઇ રહી હતી. 

`રાઘવ, ચિંતા કરવાની કોઇ જરૂર નથી. ઝૈનાબે એના મા-બાપનો બદલો લેવો છે...'

`અજમલને ઝૈનાબ પર શંકા જશે તો એને ખતમ કરી નાખશે..'

`શંકા નહીં જાય....ઝૈનાબ પહોંચી વળશે....' રાધા હજી નીચે જોઇ રહી હતી.

`આવું પગલું ભરીને તું શું કરવા માગે છે, રાધા?'

`આપણે અજમલનો પ્લાન જાણવો છે....' રાધા બોલી.
********

અજમલ અને ઝૈનાબ શંકરના મંદિરમાં પ્રવેશ્યાં. ઝૈનાબે અજમલના ત્રણ રૂપ જોયા હતા. અબુએ ભોળાભાળા ડો. અજમલની ઓળખાણ કરાવી ત્યારે....બેજલમેડમાં ગાંડાની જેમ ફરતા જોયો ત્યારે અને અત્યારે એક સજ્જન બનીને સામે ઊભો છે ત્યારે...
`તૂ યહાં આઇ હો ઇસ બાત કા કિસકો પતા હૈ ?' અજમલે પૂછ્યું.

`કિસી કો ભી નહીં પતા.....'
`યહાં કહાં રહ રહી હો.....'
`યમુના ધરમશાલા મેં.....'

`તુમ તુમ્હારે અબ્બુ-અમ્મી કી મૌત કા બદલા લેના હૈ....સચ મેં....?'

`હાં, આપકો કોઇ શક હૈ....?' ઝૈનાબે પૂછ્યું. એ જ વખતે અજમલના મોબાઇલની રીંગ વાગી. અજમલે મોબાઇલના સ્ક્રીન જોઇને હેલો કહ્યું. સામેનો અવાજ સાંભળીને એ શંકાથી ઝૈનાબની સામે જોતો રહ્યો. ફોન પત્યા પછી એણે પાછળ ભરાવેલી રિવોલ્વર કાઢીને ઝૈનાબની સામે તાકી. ઝૈનાબ ભયથી થથરી ગઇ. 

`તુમ્હારે ભાઇજાન સમંદર ખાન કા ફોન થા. બદલા લેને કા વક્ત આ ચૂકા હૈ...કોઇ ચલાકી નહીં ચાહિયે....' અજમલે રિવોલ્વર હટાવતાં કહ્યું. 

`કામ બતાઓ...ક્યા કરના હૈ?' ઝૈનાબે કરડાકીભર્યા અવાજે કહ્યું.                                
               (ક્રમશ:)