સુખનો પાસવર્ડ - આશુ પટેલ
થોડા દિવસ અગાઉ એક યુવાન મિત્રની તબિયત અચાનક બગડી. મૃત્યુની નજીક જઈને તે પરત આવ્યો, પણ તેણે લાંબો સમય હૉસ્પિટલમાં રહેવું પડ્યું અને અણધાર્યો ખર્ચ આવી પડ્યો. મિત્રોએ તો બનતી આર્થિક મદદ કરી, પણ તેના મિત્રો આર્થિક રીતે એટલા સદ્ધર નહોતા કે તેને મોટી રકમની મદદ કરી શકે. તે ખૂબ મૂંઝાયેલો હતો. એ વખતે તેના એક મિત્રના મિત્રને તેની તબિયત વિશે જાણ થઈ એટલે તે કોમન ફ્રેન્ડ સાથે પથારીવશ યુવાનની ખબર કાઢવા ગયો. આમ તો માત્ર તે બીમાર યુવાનનો પરિચિત જ હતો, પણ તેને ખબર પડી કે અણધારી બીમારીને કારણે તે યુવાન પર આર્થિક સંકટ આવી પડ્યું છે ત્યારે તેણે સામે ચાલીને મદદની તૈયારી દર્શાવી. તેણે બીજા દિવસે જ પોતાના ખાતામાં પડેલા લાખો રૂપિયા મિત્રના મિત્ર એવા બીમાર યુવાનના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા! પૈસાની મદદ કરનારો યુવાન પણ શ્રીમંત નથી, પણ તેણે પોતાના મિત્રના મિત્રને આર્થિક સહાય કરી. બાકી આમ તો તે જિંદગીમાં માંડ બે-ત્રણ વાર તે બીમાર યુવાનને મળ્યો હતો!
આવા માણસો આજુબાજુની અને કયારેક અજાણી વ્યક્તિઓ માટે ય સુખના પાસવર્ડ સમાન સાબિત થતા હોય છે. થોડા દિવસો અગાઉ સુરતસ્થિત મિત્ર અશ્વિન કામદાર પાસેથી પણ કોઈને મદદરૂપ બનવાની ભાવના દર્શાવતો એક હ્રદયસ્પર્શી કિસ્સો જાણવા મળ્યો.
આ કિસ્સો તેમના એક વેપારી મિત્રના જીવનનો છે. અશ્વિનભાઈના સૌજન્ય સાથે એ વાત વાચકો સાથે શેર કં છું. આગળની વાત તેમના મિત્રના શબ્દોમાં પ્રથમ પુષ એકવચનમાં મૂકું છું (ભાષા આ કોલમને અનુરૂપ કરી છે):
`મેં બહુ મહેનત કરીને કપડાંનો શોરૂમ શરૂ કર્યો હતો અને એમાં ચાર વ્યક્તિને નોકરીએ રાખી હતી, એમાં લેડીઝ ડિપાર્ટમેન્ટ માટે બે યુવતી રાખી હતી અને જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ માટે બે યુવાન રાખ્યા હતા. શરૂઆતમાં તો એ વ્યવસાય સરસ રીતે ચાલ્યો, પણ પછી બજારમાં મંદી આવી. કેટલાક મહિનાઓથી મંદીને કારણે શોરૂમમાં ધંધો સરખો ચાલતો ન હતો એટલે મેં ખર્ચ ઘટાડવા માટે મારા સેલ્સ સ્ટાફમાંથી એક વ્યક્તિને નોકરીમાંથી છૂટી કરવાનો નિર્ણય કર્યો.
જોકે એ નિર્ણય લીધા પછી હું આખી રાત ઊંઘી ન શક્યો. બીજા દિવસે સવારે નાસ્તો કરીને હું મારા શોરૂમમાં જવા નીકળ્યો. આજે હું જીવનમાં પહેલી વાર કોઈના પેટ ઉપર લાત મારવા જઈ રહ્યો હતો એ વાત મને બહુ તકલીફ આપી રહી હતી.
હું જિંદગીમાં એવું જ વિચારતો રહ્યો હતો કે મારી આજુબાજુ કોઈ ભૂખ્યું ન રહે,પણ પરિસ્થિતિ જ એવી આવી ગઈ હતી કે મારે કમને એક કર્મચારીને નોકરીમાંથી રજા આપવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
મારા ચાર કર્મચારીમાંથી બે યુવાન બહુ ગરીબ કુટુંબમાંથી આવતા હતા અને બાકીની બે યુવતીને હું કાઢી શકું એમ નહોતો. કેમ કે તેમને લીધે જ લેડીઝ ડિપાર્ટમેન્ટમાં થોડી ઘરાકી ચાલતી હતી. બે યુવાનમાંથી એક યુવાન મારો જૂનો કર્મચારી હતો. તે તેના ઘરમાં એકલો જ કમાવાવાળો હતો. એટલે બીજો નવો યુવાન રાખ્યો હતો તેને નોકરીમાંથી રજા આપવાનો નિર્ણય મેં કર્યો હતો. કેમ કે તેનો ભાઈ પણ બીજી જગ્યા પર નોકરી કરતો હતો. વળી, તે યુવાન માર્કેટિગમાં એક્સપર્ટ હતો અને હસમુખો હતો એટલે તેને બીજી કોઈ પણ જગ્યા પર આસાનીથી કામ મળી જશે એવું વિચારીને મેં તેને છૂટો કરવાનો નિર્ણય લીધો હતો...એ વિચારમાં ને વિચારમાં હું શોરૂમમાં પહોંચી ગયો.
હું ગયો ત્યારે ચારેય કર્મચારી શોરૂમમાં આવી ગયા હતા. મેં બહુ ભારે મને તે ચારેયને કેબિનમાં બોલાવ્યા અને ગમગીન ચહેરે કહ્યું, `જુઓ, મંદીના સમયમાં શોરૂમના ધંધાની પરિસ્થિતિ તો તમે જાણો જ છો એટલે તમને બધાને હું કામ પર રાખી શકું એવી મારી સ્થિતિ નથી.'
મારી વાત સાંભળીને તે ચારેયના ચહેરા પર ચિંતા ઊભરાઈ આવી. મેં થોડું પાણી પીધું, ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે `હું તમારા ચારમાંથી એકનો હિસાબ આજે જ કરી દઉં છું.' એ પછી મેં પેલા નવા યુવાનને કહ્યું, `સોરી, પણ તારે બીજે કોઈ જગ્યાએ કામ શોધવું પડશે.'
મારી વાત સાંભળીને તે યુવાને કહ્યું, `સાં અંકલ.'
જોકે તેનો ચહેરો ઊતરી ગયો. મેં આજે પહેલી વાર તે હસમુખ યુવાનના ચહેરા પર ઉદાસી જોઈ. એવામાં પેલી બે યુવતીમાંથી એક યુવતીએ કહ્યું: `મારે કશુંક કહેવું છે.'
તે યુવતી અને પેલો યુવાન પાડોશી હતાં.
મેં કહ્યું: `બોલ.'
તે યુતીએ કહ્યું: `અંકલ, હમણાં તે આર્થિક તકલીફનો સામનો કરી રહ્યો છે. તેના ભાઈએ પણ નોકરી ગુમાવી દીધી છે. વળી, તેની મા પણ બીમાર રહે છે.'
એ વાત સાંભળીને મારી નજર પેલા યુવાનનાં ચહેરા તરફ ગઈ. તેની આંખોમાં આંસુ આવી રહ્યાં હતાં એ ખાળવાની તે કોશિશ કરી રહ્યો હતો.
મને બહુ દુ:ખ થયું, પણ હું કઈ બોલું એ પહેલા બીજી યુવતી બોલી પડી: `અંકલ, ખોટું ન લાગે તો એક વાત કહું?'
મે કહ્યું, `હા, બોલ બેટા.'
તેણે કહ્યું: `અમારામાંથી કોઈને કાઢવા કરતાં અમારો પગાર ઓછો કરી દો, તમે તેને બાર હજાર રૂપિયા આપો છો એને બદલે અમારા બધાનો પગાર નવ-નવ હજાર રૂપિયા કરી દો. તમાં પગારનું બજેટ તમે ઓછું કરવા ધાર્યું છે એટલું જ રહેશે.'
તેની વાત સાંભળીને મેં બીજા બધા સામે જોયું તો બધા કહે: `હા, અંકલ. અમે એટલા પગારથી ચલાવી લઈશું.'
તે બધાએ મારી આર્થિક તકલીફને પોતાના પર લઈને મારો ભાર ઓછો કર્યો.
મેં એ ચારેયને પૂછ્યું, `તમને આટલો પગાર ઓછો તો નહિ પડે ને?'
તે બધાં એકસાથે બોલ્યા: `ના, અંકલ, અમારો કોઈ સાથીદાર ભૂખ્યો રહે એના કરતાં બહેતર છે કે અમારો કોળિયો થોડો નાનો કરી દઈએ.'
એમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને તે બધાં મારી નજરોમાં મારાથી ઘણા મોટા બનીને કામે લાગી ગયા.'
આજના સમયમાં માણસો સ્વકેન્દ્રી બની રહ્યા છે અને ઘણા તો એવા કિસ્સાઓ પણ બને છે જેમાં સગાં ભાઈ-બહેન પણ મદદ કરી શકવાની સ્થિતિમાં હોય તો પણ પોતાના સહોદરને મદદ કરતાં નથી. ઘણી વાર સ્વજનો મદદ કરવાને બદલે સલાહોનો મારો ચલાવે છે. એવા સમયમાં અહીં બે કિસ્સાઓમાં જેમની વાત કરી છે એવા માણસો સમાજ માટે સુખના પાસવર્ડ સમાન સાબિત થતાં હોય છે.
પોતાના માટે તો મોટાં ભાગના માણસો જીવતાં હોય છે, પણ બીજાઓને મદદરૂપ બનવાની ભાવના સાથે જીવવું જોઈએ.