બરકત વીરાણી
બરકત વીરાણી ‘બેફામ’ની ગઝલ સર્જનના ક્ષેત્રમાં નોંધનીય આગેવાની રહી છે. ગુજરાતી ગઝલની ભાષા, ભાવ, અભિવ્યક્તિ, ઈબારત, પ્રતીકો, છંદ, ઊર્મિઓ અને ચિંતનની માવજત, હિફાજત, ઘડતર અને બાગબાની કરનારી શયદા સાહેબની પેઢીમાં મરીઝ, શૂન્ય, બેફામ અને સૈફ મુંબઈમાં રહેતા હતા. આ શાયરોની પેઢીના છેલ્લા માળી એવા બેફામ સાહેબે ચાર ચાર પેઢીઓ સાથે સતત પાંચ દાયકા સુધી ગઝલ ગુલઝારમાં અમી સિંચન કર્યું છે. સતત લખતા રહેવું અને તે પણ કંઈક નવું આપીને લખતા રહેવું મુશ્કેલ છે. ભલે એ આપણી પરંપરાના પ્રવાહમાંથી આવતા હતા પણ પ્રવાહમાં તણાયા ન હતા. એમની બાનીની સરળતા, ચોટ સાધવાની શક્તિ અને ભાવની ઉત્કટ અભિવ્યક્તિ ભાવકને અચૂક સ્પર્શે છે.
બેફામની હયાતીમાં ‘માનસર’, ‘ઘટા’ અને ‘પ્યાસ’ દસ દસ વરસના અંતરે પ્રગટ થયા હતા. ગઝલ સંગ્રહો પ્રગટ કરી નાખવા એવી ઈચ્છા દેખાતી નથી, નહીંતર દસેક સંગ્રહો આવી શક્યા હોત. એમણે રાતોની રાતો જાગીને ગઝલો લખી છે અને ફાડી પણ નાખી છે. એ ગાળી-ચાળીને જે કંઈ ગુણવત્તાસભર લાગે તે પ્રગટ કરવાનો આગ્રહ રાખતા એટલે વીસ વર્ષમાં ત્રણ જ સંગ્રહો આપે છે. એમના ઈન્તેકાલ પછી ‘પરબ’ સંગ્રહ પ્રગટ થયો હતો.
આપણે ‘માનસર’ની વાત શરૂઆતમાં કરી. હવે તો ગઝલ સંગ્રહના નામ ગમે તે રીતે અપાય છે, પરંતુ ‘બેફામ’ શીર્ષક માટે સજાગ હતા. ‘માનસર’ વિશે એમણે કહ્યું છે કે ‘માનવી જ્યારે જગતમાં જન્મે છે પોતાના મનમાં એક રસ-સર સરોવર લઈને આવે છે, એ છે ‘માનસર’ અથવા ‘માનસસર’, જીવન આગળ વધે છે ને જીવનના આકરા તાપ-સંતાપથી માનસરના જળ શોષાઈને વાદળ બને છે, એ છે ‘ઘટા’. જગતની જાળથી રસવરાળ થઈ જાય ત્યારે પોતાના જ રસની તરસ લાગે છે, એ છે ‘પ્યાસ’. આમ બેફામે પોતાના ત્રણેય ગઝલસંગ્રહોનાં અર્થપરિપૂર્ણ નામો અંગે સ્પષ્ટતા કરી છે. પ્યાસ લાગે તો વરસાદની રાહ જોવાય. એ જીવતા હોત ચોથા સંગ્રહનું નામ ‘વૃષ્ટિ’ રાખ્યું હોત.
બેફામ પહેલા વિચારે અને વિચારીને ચિંતનરૂપી રસાયણ બને ત્યારે શબ્દોના સથવારે પોતાની ઊર્મિઓને અભિવ્યક્ત કરે છે. બેફામ પાસે શબ્દોની સંપત્તિ હતી. શબ્દો અર્થસંપન્ન હતા અને અવાજ પોતીકો હતો. એમણે પોતાની શૈલી વિશે કહ્યું હતું કે ‘ગઝલની પરંપરામાં જે મારી પદ્ધતિ છે એ મારી આકૃતિ છે. અને જે મારી પીડા છે એ મારી પ્રકૃતિ છે. મન, હૃદય અને જીવનજગતમાં મેં જે અનુભવ્યું છે એ જ ગઝલોમાં આલેખ્યું છે.’
બેફામ પરંપરાના શાયર હતા એ વાત સાચી પણ એમણે ગઝલની ગતિને ક્યારેય રોકી ન હતી. એમણે પ્રયોગો કર્યા છે, નવાં પ્રતીકો પ્રયોજ્યા છે અને કહેવાની રીતમાં ફેરફાર કર્યો છે. એમણે પ્રયોગ વિશે કહ્યું છે કે પ્રયોગ એટલે જ ગતિ અને પરંપરા એટલે સ્થિતિ. ગતિ વિનાની સ્થિતિ અર્થહીન છે, એમ સ્થિતિ વિનાની ગતિ પણ વ્યર્થ છે. રચનારીતિ એમની એમ રહે છે. કાળક્રમે રચનાશૈલી બદલાય છે. બેફામ પરંપરાગત થયા ન હતા અને તેથી જ એમની પાસેથી કશુંક નવું મળ્યું છે.
બેફામ પોતાની મોટાભાગની ગઝલના છેલ્લા શેરમાં - નામ કે ઉપનામ આવે તો - ‘મક્તા’ કહેવાય છે તેમાં પોતાના ઉપનામનો ઉપયોગ મોતના સંદર્ભમાં કરતા હતા. બેફામ તખલ્લુસનો ઉપયોગ જે સરળતાથી થયો છે તે અનન્ય છે. કોઈ ગઝલકારે ‘મક્તા’ અને મોતને આવી રીતે લગોલગ પ્રયોજ્યા નથી. બેફામે એકધારી રીતે મરણને જ શા માટે પ્રયોજ્યું છે એ વાતનો ખુલાસો એમણે ‘પ્યાસ’ સંગ્રહમાં એક મુલાકાત સંદર્ભે કર્યો છે. એમણે કહ્યું છે કે ‘ઉગ્ર અનુભવના કોઈ તીવ્ર આઘાતમાં ઉદ્વિગ્ન અંતરે મારાથી 1952માં મરણનો મક્તા લખાઈ ગયો હતો. બસ એ પછી મારા મતથી ગઝલમાં મરણના મક્તા અનાયાસ લખાવા માંડ્યા. મરણના મક્તા લખવા છતાં તન અને મનથી બરાબર જીવું છું. અને માનવીના કર્મ ક્ષેત્રે યથાશક્તિ પુરુષાર્થ પણ ઝાઝા મોહ, માયા કે મહત્ત્વાકાંક્ષા વિના કરું છું.
આપણે પરંપરાગત ગઝલોની વાત કરીએ ત્યારે કહેવાતા આધુનિકોના ભવાં ચડી જાય છે, પણ એ બધાને એક પ્રશ્ન પૂછવો છે કે તમે લગભગ કહેવત બની જાય કે દરેકની જીભે હંમેશ માટે રમતો હોય એવો એકાદ શેર તો લખો. પછી પરંપરાના કવિ એ વિશે બોલો તો વાંધો નથી. ઘાયલ, શૂન્ય, મરીઝ અને બેફામ તથા સૈફ લોકોના મનમાં રાજ્યાભિષેક કરીને બેઠા છે. તેઓના શાશ્ર્વતીને વરેલા કવિકર્મને લીધે.
બેફામનો મરણ વિશેનો પ્રથમ મક્તા ‘માનસર’ સંગ્રહમાં આવે છે અને આજે પાંચ દાયકાથી રસિક જનોના હૈયે અને હોઠે વસી ગયો છે. એ ‘મક્તા’ છે:
‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું
નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
‘માનસર’માં બીજા વિષયો પર ‘મક્તા’ છે. ‘બેફામ’ પ્રશ્નો પૂછે છે, પ્રશ્નો ઉકેલે છે અને પ્રશ્નાર્થ ચિહ્નો ઊભાં પણ કરે છે:
ગઝલ, એના સુધી પહોંચી શકે તો પૂછજો એને
તને બેફામ જેવો કોઈ શાયર યાદ આવે છે.
ભલા, માનવ વિશેની માન્યતાની વાતથી બેફામ?
અહીં તો ધર્મ બદલાતાં ખુદા બદલાઈ જાય છે.
ખુદના ન્યાયમાં છૂપી સજાઓ પણ હશે બેફામ
ઘણા એવા ગુન્હા છે જે સાબિત થઈ નથી શકતા
અંત વેળા લોકો ભેગા થઈ જાય છે. કેટલાક ક્યારેય નહીં તો બોલાવતા લોકો ખબર પૂછવા આવે છે કે ખબર લઈ જવા આવે છે એ નક્કી નથી થતું ત્યારે અનુભવાતી વ્યથાભરી મૂંઝવણને બેફામ આ રીતે વ્યક્ત કરે છે:
બધા એવા સમે બેફામ મોં જોવાને આવ્યા છે
કે જ્યારે આથી દુનિયાથી અજાણી થઈ ગઈ આંખો
આ બધા બેફામ જે આજે રડે છે મોત પર
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને
જિવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા
રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી
દુનિયાના સીતમ, પરિતાપ, વ્યથા, દુ:ખ-દર્દના સંતાપમાં લોકો મોતને ઝંખે છે. બેફામ જીવનની ફિલસૂફીને બહુ
સરળ શબ્દોમાં મોતનો મલાજો રાખીને સમજાવે છે. દરેક મક્તા પાછળ ચિંતન છે, તત્ત્વદર્શન છે:
મળ્યું જેને મરણ એ ભાગ્યશાળી થઈ ગયા બેફામ
જે વંચિત રહી ગયા એ આંખમાંથી અશ્રુ સારે છે.
જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને?
સર્જક પોતાના ભાવને, વિચારને, ઊર્મિઓને અને સંવેદનોને શબ્દ વડે વ્યક્ત કરે છે. માધ્યમ નોખાં નોખાં હોય છે. બેફામ કહે છે મારું માધ્યમ ગઝલ અને ગીત છે:
બેફામ સૃષ્ટિ શબ્દની તો બહુ વિશાળ છે
પણ હું વસું છું માત્ર ગઝલ ને ગીતમાં
દરેક જીવને ઈશ્ર્વરના દર્શનની ઝંખના છે પણ ધરતી પર તો ક્યાંય દર્શન થતાં નથી. આવી સ્થિતિને એક જુદી રીતે બેફામ રજૂ કરે છે. તેમાં એક નવીનતા છે, નિરાળાપણું છે અને સચોટતા છે. ગુજરાતી ગઝલનો એક ઉત્તમ શેર બેફામે આપ્યો છે :
ધરતી પર જોયો નહીં તો આભ પર દૃષ્ટિ કરી
અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું
બેફામનું પ્રદાન એટલું પ્રબળ અને સબળ છે કે જેનાથી ગુજરાતી ગઝલને ગુણવત્તા પ્રાપ્ત થઈ છે. દરેક શેરે વિચારો બદલાય છે એટલે શેર એક સ્વતંત્ર એકમ હોવાથી આખી ગઝલ યાદ ન હોય તો પણ એક શેર યાદ રહી જાય છે. બેફામે એક વિષય લઈને કે વિચારને લઈને સાંગોપાંગ ગઝલો લખી છે. જેને ઉર્દૂમાં મુસલસલ ગઝલ કહેવાય છે. એમણે પથ્થર, રેતી, આંખ વગેરે વિષયો પર સાદ્યત ગઝલો આપી છે. આવી ગઝલોના ચોટદાર શેરો જોઈએ જેનાથી એમની સર્જકતાનો ખ્યાલ આવી શકે:
સમયની જેમ એને પણ તમે પકડી નથી શકતા
કરો જો બંધ મુઠ્ઠી તોય સરકતી હોય છે રેતી
પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે
બાકી માણસને તો ઠોકરથી ઘડે છે પથ્થરો
ખુદાની આ મહત્તા પર કોઈ દૃષ્ટિ નથી કરતું
હતું અદૃશ્ય રહેવાનું છતાં એણે ઘડી આંખો
બેફામે ગુજરાતી ગઝલને ગતિશીલ અને પ્રયોગશીલ રાખવામાં કરેલું પ્રદાન જેટલું વિશાળ છે એટલું જ વૈભવી છે. એમનો ગઝલ વૈભવ આપણો અમૂલ્ય વારસો છે.