Tue Oct 06 2026

Logo

સુખનો પાસવર્ડ: પરિણામની તૈયારી છે? તો ગુસ્સો કરો!

2026-09-20 08:25:00
Author: Aashu Patel
સુખનો પાસવર્ડ: પરિણામની તૈયારી છે? તો ગુસ્સો કરો!

 

 

 

- આશુ પટેલ

 

સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં એક જ્ઞાતિની વાડીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. એ વખતે બાજુના શહેરની એક કેટરિગ કંપનીની એકસરખાં કપડાંમાં સજ્જ થયેલી યુવતીઓ શૂઝ અને ચંપલ પહેરીને બધા મહેમાનોને ચા અને કૉફી પીરસી રહી હતી. વાડીના હૉલમાં ગાદલાં પાથરેલાં હતાં એના પર મહેમાનો બેઠા હતા. તમામ મહેમાનોએ પોતાનાં ચંપલ કે જૂતાં બહાર ઉતાર્યાં હતાં, પરંતુ કેટરિગ કંપનીની છોકરીઓ શૂઝ કે સૅન્ડલ પહેરીને ચા-કૉફી પીરસી રહી હતી. એમાંની અનેક છોકરીઓનાં શૂઝ અને ચંપલ મેલાં હતાં એટલે ગાદલાં મેલાં થઈ રહ્યાં હતાં.

 

એ જોઈને એક યુવાને તે યુવતીઓની લીડર જેવી લાગતી એક યુવતીને કહ્યું કે `બહેન, તમે શૂઝ અને ચંપલ કાઢીને પીરસો. અમે બધાં પણ ચંપલ કાઢીને બેઠા છીએ. તમારામાંથી અમુક બેનોનાં જૂતાં મેલાં છે એટલે બધાં જૂતાં બહાર કાઢીને પીરસો નહીં તો આ ગાદલાંઓ ખરાબ થઈ રહ્યાં છે ને એના પર હજી બીજા બધા મહેમાનો આવી રહ્યા છે તેમણે પણ અહીં બેસવાનું છે.'

 

આ વાત સાંભળી ન સાંભળી કરીને તે યુવતી મોં મચકોડીને જતી રહી. એના વર્તાવથી પેલા યુવાનને ગુસ્સો આવી ગયો. તેણે ઊંચા અવાજે તેને કહ્યું, `બહેન શાંતિથી વાત કરું છું તો સમજાતું નથી?'

 

તેણે  ગુસ્સો કર્યો એટલે તેની બાજુમાં બેઠેલા એક વડીલ તેના પર ભડકી ગયા. તેણે કહ્યું કે `તારે આ પ્રસંગ બગાડવો છે? તારો ગુસ્સો હોય તો તારા ઘરે રાખીને આવવાનું. તારે જવું હોય તો અહીંથી જતો રહેજે, પરંતુ આ છોકરીઓનું અપમાન કરવાનો તને કોઈ અધિકાર નથી!'

 

એ સાંભળીને આજુબાજુના બીજા વડીલો પણ શિખામણ આપવા લાગ્યા કે `ભાઈ, તારો સ્વભાવ જ ખરાબ છે. આ છોકરીઓ ચંપલ પહેરીને પીરસે છે એમાં તારા સિવાય કોઈને વાંધો નથી. તું ગમે ત્યાં ગુસ્સો કરવા માંડે છે. સમય અને જગ્યા તો જો. આપણે છોકરીવાળા છીએ એટલે આપણને તો કોઈ કશુંક કહી જાય તો પણ શાંતિ રાખવી જોઈએ. એને બદલે તું અત્યારે આ છોકરીઓ પર ગુસ્સો કરવા બેઠો. ચૂપચાપ બેસી રહે.'

 

આમ તો પેલો યુવાન સાચો હતો અને પેલી છોકરીઓ ખોટી હતી, પરંતુ તેની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું. તેણે સાચી વાત માટે ગુસ્સો કર્યો હતો છતાં પણ તેણે ઠપકો સાંભળવો પડ્યો.

 

`ઇન્સ્ટાગ્રામ' પર `ધ નૂર' નામના એક અકાઉન્ટમાં ગુસ્સાને કારણે ગેરસમજણનો ભોગ બનતી વ્યક્તિઓ વિશેે એક વીડિયો જોયો એટલે ઉપરોક્ત ઘટના યાદ આવી.

 

`ઇન્સ્ટાગ્રામ'ના  એ વીડિયોમાં કહેવાયું હતું: `ખબર છે લોકો જેને સૌથી વધુ ખોટા સમજતા હોય છે એ માણસો કોણ હોય છે? એ જે વધુ ગુસ્સાવાળા હોય છે. એવા માણસો માટે લોકો કહે છે કે આ માણસને ઍટિટ્યુડ છે, આ માણસ તોછડો છે, પણ સચ્ચાઈ કંઈક અલગ જ હોય છે. એ માણસ જેને ગુસ્સો જલદી આવે છે હકીકતમાં તેનું દિલ બહુ સાફ હોય છે. તેને સામે મીઠું-મીઠું બોલીને પાછળથી જુદું બોલતાં નથી આવડતું હોતું. જે લાગે છે તે બોલી નાખે છે. હા, તેની વાતોમાં નરમાશ ઓછી હોય છે, પરંતુ તેના ઇરાદાઓમાં ક્યારેય ભેળસેળ નથી હોતી. તે શબ્દોથી કડવી વાત કહી દે છે, પણ તેને કોઈને છેતરતાં નથી આવડતું. તેને ટાઇમ, જગ્યા કશું નથી દેખાતું. બસ સાચું દેખાય છે અને એ બોલી દે છે. અને કદાચ એ જ એની સૌથી મોટી ભૂલ હોય છે, કારણ કે આ દુનિયામાં લોકોને ખોટું મીઠું લાગે છે અને સાચું કડવું. ગુસ્સાવાળો સાચો માણસ તેની નજીકની વ્યક્તિઓને રોકે છે, ટોકે છે કારણ કે તેને ફરક પડે છે. નહીં તો આજના સમયમાં કોણ કોના માટે બોલે છે. તે ગુસ્સો કરે છે, ક્યારેક વધુ પડતો જ ગુસ્સો કરે છે, પણ પછી તે જ માણસ ચૂપ બેસીને વિચારે છે કે કદાચ ઓછું બોલવાની જરૂર હતી. અને ત્યાં જ તે હારી જાય છે, કારણ કે લોકો તેના ગુસ્સાને યાદ રાખે છે, તેની નિયતને નહીં. એટલે જ કદાચ આવા ગુસ્સાવાળા પણ સાચા માણસો લોકોને બહુ ઓછા પસંદ આવે છે.'

 

ઓશોએ આ વાત જુદી રીતે કહી છે: `મનુષ્યનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે તેને કોઈ ઉશ્કેરે તો તે તરત પ્રતિક્રિયા આપે છે. કોઈએ તમને એક શબ્દ કહ્યો અને તમે આગ બની ગયા, કોઈએ તમારુંં અપમાન કર્યું અને તમે તૂટી પડ્યા. 

તમારો ગુસ્સો, તમારો અવાજ, તમારો ઈગો એ જ ક્ષણે સામે આવી જાય છે, પણ સાંભળો જેને ઉશ્કેરીને નિયંત્રિત કરી શકાય તે ક્યારેય સ્વતંત્ર નથી બની શકતા. તમારો ગુસ્સો તમારી કમજોરી છે. તમારુંં મૌન તમારી શક્તિ છે. જ્યારે દુનિયા તમને ચૅલેન્જ કરે, તમને દુ:ખ પહોંચાડવાની કોશિશ કરે, તમને ભડકાવે તો તરત પ્રતિક્રિયા ન આપો. ઊભા રહો. મૌન થઈ જાઓ. મૌનનો મતલબ દબાઈ જવું નથી, મૌનનો મતલબ જોવાનું છે.'

 

દુનિયામાં આવું બનતું જ રહે છે કે માણસ સાચો હોય પણ તેના ગુસ્સાને કારણે તે ખોટોમાં ખપી જાય. ગુસ્સાને કારણે તેણે કોઈનું સાંભળી લેવું પડે કે નુકસાન પણ સહન કરવું પડે.

 

ટૂંકમાં, ગુસ્સો કરવો નહીં. અને કરવો જ હોય તો પરિણામોની તૈયારી રાખીને કરવો.