તલાટીઓને આદેશ: "સુગમ પોર્ટલનો મહત્તમ પ્રચાર કરો, પ્રજાના કામનો આત્મસંતોષ જ સૌથી મોટો ફાયદો"
ગાંધીનગર: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ વહીવટને પ્રોત્સાહન આપી સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે, જેથી નાગરિકોને સેવાઓ સરળતાથી અને આંગળીનાં ટેરવે ઉપલબ્ધ બની શકે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સુગમ ડિજિટલ ગુજરાત પહેલનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સુગમ ડિજિટલ ગુજરાત પહેલના અનાવરણ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમની વિગતો લોકો સુધી પહોંચે, માત્ર તે માટે નથી હોતા પરંતુ સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે ઉદેશ્યથી કાર્યક્રમ કરવામાં આવે છે. ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2002માં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નાગરિકોએ કોઈપણ સમસ્યા આવે તો તેને પ્રાથમિકતા મળે તેવું કરવું જોઈએ.
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સુગમ ડિજિટલ ગુજરાત પહેલનું અનાવરણ. https://t.co/flUBaZDMtF
— CMO Gujarat (@CMOGuj) March 24, 2026
તેમણે કહ્યું હતું કે, ગ્રામજનો સૌથી પહેલા જો કોઈના સંપર્કમાં આવતા હોય તો તે તલાટી અને વીસીના સંપર્કમાં આવે છે, તેના જવાબ પરથી જ આગળ વધતાં હોય છે. તેમણે તલાટીઓને ભલામણ કરતાં જણાવ્યું હતું કે સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે 20 સેવા ઓનલાઇન મળે છે તેનો જેટલો સૌથી વધુ પ્રચાર કરીશું તેટલો આપણો ફાયદો છે. પ્રજાજનોનું કામ કર્યાનો જે આત્મ સંતોષ થાય તે આપણો ફાયદો છે. આપણે જે નોકરી કરીએ છીએ, અમે ચૂંટાઈને આવી છીએ તે બધાનું કાર્ય એક જ છે. આપણા બધાનું કામ એક દિશામાં થાય તેનો લાભ પ્રજાજનોને છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક મંચ પરથી જણાવ્યું હતું વૈશ્વિક પરિસ્થિતિને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે. આપણે સૌએ સાથે મળીને કોઈપણ જાતની અફવામાં દોરાઈને ગેસ, પેટ્રોલ કે કોઈપણની લાઇનમાં રહેવાની જરૂર નથી. કોઈપણને તકલીફ પડે નહિ તેવું કેન્દ્ર સરકાર પણ ધ્યાન આપી રહી છે. રાજ્યમાં ડીઝલ, પેટ્રોલ કે ગેસ કોઈની અછત નથી. બધાને પૂરતું મળી રહ્યું છે અને મળી રહેવાનું પણ છે.