સુરતઃ રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાતથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ગુજરાત પર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એક સાથે ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 2 અને 3 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન આજે બપોરે 12 થી 2 એમ માત્ર બે કલાકના સમયગાળામાં તાપીના વાલોડમાં બે ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ચારેબાજુ પાણી પાણી થઈ ગયું હતું. ઉપરાંત વાહન વ્યવહારને પણ અસર પડી હતી.
દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ બપોરે 12 થી 2 કલાકના સમયગાળામાં દક્ષિણ ગુજરાતના 8 તાલુકામાં મેઘમહેર થઈ હતી. તાપી જિલ્લાના વાલોડમાં સૌથી વધુ 1.77 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં 0.59 ઇંચ, પારડીમાં 0.55 ઇંચ, નાનાપોંઢામાં 0.51 ઇંચ, વલસાડમાં 0.28 ઇંચ, ઉમરગાંવમાં 0.24 ઇંચ, સુરતના અંબિકામાં 0.08 ઇંચ તથા તાપીના ડોલવણમાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.
અસહ્ય ગરમી અને બફારો
રાજ્યમાં એકતરફ વરસાદી માહોલ બંધાઈ રહ્યો છે તો બીજી તરફ નાગરિકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે. IMD અનુસાર, અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મધ્યપ્રદેશ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને પંજાબથી બિહાર સુધીનો સિઝનલ ટ્રફ સક્રિય છે. આ સિસ્ટમોના પ્રભાવથી આગામી સાત દિવસ ક્યાંક છૂટોછવાયો તો અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. સુરત, ડાંગ, તાપી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે, જ્યારે નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સારો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ સહિત અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદી ઇનિંગ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતો હવે વાવણીલાયક વરસાદની આશા રાખી રહ્યા છે.
માછીમારોને શું અપાઈ સૂચના
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે 29 જૂન થી 3 જુલાઈ સુધીનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ વાતાવરણમાં સર્જાયેલા તીવ્ર દબાણના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ખૂબ જ તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયું છે.
હવામાન વિભાગ મુજબ, જખૌ, માંડવી (કચ્છ), ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર, મૂળ દ્વારકા, દીવ, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, વિકટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે.
5 દિવસ દરમિયાન આ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને દરિયો તોફાની બનશે. આ દરમિયાન માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી હતી.