(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગીર સોમનાથમાં આવેલા હાટ બજાર વિસ્તારમાં આવેલી શિવશક્તિ રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યા બાદ 10 બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ રાજસ્થાનના જયપુરથી સોમનાથ મંદિરના દર્શન કરવા માટે આવેલા એક પ્રવાસી પરિવારના 10 બાળકોને અહીં જમ્યાં પછી ફૂડ ફોઈઝનિંગ થયું છે. અચાનક ઊલટી અને પેટમાં અસહ્ય દુઃખાવો થતા તમામ બાળકોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સોમનાથમાં લોકોના આરોગ્ય સાથે ચેડા
પવિત્ર યાત્રાધામ સોમનાથમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર બેદરકારી કરવામાં આવી હોવાની ઘટનાથી પ્રવાસીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. 10 બાળકોને ફૂડ પોઇઝનિંગ થતાં વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળ્યો છે. રાજસ્થાનથી આવેલા આ પ્રવાસી પરિવારે હાટ બજાર સ્થિત શિવશક્તિ રેસ્ટોરન્ટમાંથી સવારનો નાસ્તો કર્યો હતો. અહીં નાસ્તો કર્યાં બાદ 10 બાળકોનું સ્વાસ્થ્ય લથડી ગયું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આસપાસના લોકોની મદદથી બાળકોનો તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
10માંથી 8 બાળકોની સ્થિતિ વધારે નાજુક
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કુલ 10 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું તેમાંથી 8 બાળકોની સ્થિતિ વધારે નાજુક હોવાથી તેમને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરવામા આવ્યાં છે. જ્યારે બે બાળકોને તબિયતમાં સુધાર આવી જતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ બાળકો પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શિવશક્તિ રેસ્ટોરન્ટ પર પહોંચીને ખાદ્યપદાર્થોના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લેબનો રિપોર્ટ આવ્યાં બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.