Mon Jun 01 2026

Logo

તમે મારા દેવનાં દીધેલ છો!

2026-05-10 08:29:00
Author: Jui Parth
Article Image

જૂઈ પાર્થ

પંદર દિવસનો બબલુ આજે કજિયે ચડ્યો હતો. કેમે કરીને ઊંઘે નહીં. ઊંઘ ના થવાને કારણે વધુ કજિયો કરે એની માએ એને ધવડાવ્યો, નજર ઉતારી, ઘોડિયામાં નાખ્યો પણ એનું રડવાનું ચાલુ ને ચાલુ. તાજી  તાજી  બનેલી મા માટે આ બધું નવું હતું. છેવટે માએ બબલુને હાથમાં લીધો અને રૂમમાં આંટા મારતી મારતી આવડે એવું ગીત ગાવા માંડી. પાંચમી મિનિટે બબલુ ઘસઘસાટ સૂઈ ગયો. આ ગીત બબલુ માટે હાલરડું બની ગયું.

તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રહો દીકરો મારો લાડકવાયો.... દેવનો દીધેલ છે, વાયરા જરા ધીમા વાજો એ નીંદમાં પોઢેલ છે ઝવેરચંદ મેઘાણી અને કૈલાસ પંડિતનાં આ હાલરડાથી કયા ગુજરાતી અજાણ હશે?! મંદ મંદ પવન વાતો હોય ને મા પોતાના બાળને ઘોડિયે કંઈક ગાતાં ગાતાં ઝૂલાવતી હોય ઘોડિયાની અને ગીતની એકધારી લયનો જ્યારે સુમેળ સધાય ને ત્યારે બાળકની આંખો ઘેરાય, નીંદર રાણી છુપાતા પગલે આવે ને બાળકની આંખમાં સમાય.

મા ગમે એવું ગાતી હોય પણ બાળકને ઊંઘાડવા માટે સૂર તાલ લય કશું કામ નથી આવતું. માતાનો અવાજ, જે બાળક ગર્ભમાં હોય ત્યારથી સાંભળતું હોય છે, તેની સાથેનું જોડાણ અદ્ભુત હોય છે. માતાના ધબકારાથી માંડીને શ્વાસ બધું જ બાળક માટે પરિચિત હોય છે. ગર્ભથી લઈને દુનિયામાં જન્મ લઈને અનુકૂલન સાધવા માટે એક માત્ર તંતુ એટલે મા અને માટે જ બાળક એક દિવસનું હોય, એક મહિનાનું કે એક વર્ષનું માતા સાથેનો તેનો તાંતણો અતૂટ હોય છે.

માતાનો અવાજ જેનાથી બાળકને શાતા મળે છે, તે જ અવાજને હાલરડું બનવા સૂર કે શબ્દોની જરૂર નથી પડતી.

મા માત્ર ૐ, અ-કાર, ઉ-કાર કે આ-કાર એક પ્રકારની લય કે રાગમાં ગાઈને બાળકને ઉંઘાડવામાં સફળ થતી હોય છે. કોઈને ભજન, સ્તવન, મંત્ર વગેરે ગાઈને પણ બાળકોને સૂવડાવવાની આદત હોય છે. ઘોડિયામાં, ખોળામાં, હાથમાં કે પલંગમાં થાબડીને બાળક પાસે જેનાથી તે ઊંઘવા ટેવાયેલું છે એ ગીત ગવાય તો તેને ઝડપથી સારી ઊંઘ આવી જાય છે.

હાલરડું એટલે બાળકને શાંત પાડતું એક એવું ગીત જેમાં એકની એક પંક્તિઓ વારે વારે ગવાય જેથી બાળક તેનાથી ટેવાઈ જાય તેમ જ તેને ઊંઘાડવામાં મદદરૂપ થાય. માતાની મમતા, વ્હાલ, વાત્સલ્ય અને કરુણાનો સમન્વય એટલે હાલરડું. જોકે આપણી સંસ્કૃતિમાં શૌર્યગાથા કરતાં મેઘાણીનાં હાલરડાં તો જીજાબાઈ ગાય તે શિવાજીનું હાલરડું અલગ ભાત પાડે છે. હાલરડું ફક્ત તેની વ્યાખ્યા પૂરતું મર્યાદિત નથી, તેનો પ્રયોગ દુનિયાની લગભગ બધી જ સંસ્કૃતિમાં થાય છે. હાલરડાંનં સૂર અને શબ્દો પર સંગીતની જેમ જ સાંસ્કૃતિક અસર દેખાય છે. તેમ છતાં તેને સાંભળવાથી બાળકના મન પર મોટે ભાગે એક સરખી જ અસર જોવા મળે છે.

હાલરડાં ગાવાની શરૂઆત ક્યારથી થઈ હશે એ તો કહેવું મુશ્કેલ છે, પરંતુ બાળકોને સરસ રીતે ઊંઘાડવાનો આ વર્ષોથી ચાલ્યો આવતો એક સફળ પ્રયોગ છે એમ કહી શકાય.

હાલરડાં ગાવાનું મહત્ત્વ વધુ એટલા માટે છે કે  તેના ફાયદા ઘણા છે અને માટે જ તે દુનિયાની લગભગ બધી જ સંસ્કૃતિમાં પ્રચલિત છે. હાલરડાંથી બાળકનું મન શાંત થાય છે, રડતું બાળક ગીત સાંભળી રડતું બંધ થાય છે.

એકચિત્ત થવાથી તેને ધીમે ધીમે ઊંઘ આવે છે. આ સાથે માતા અને બાળક વચ્ચે આત્મિયતા કેળવાય છે જેનાથી બાળકને હૂંફ મળે છે, સુરક્ષાનો ભાવ મજબૂત થાય છે. સંશોધન અનુસાર હાલરડાં સાંભળવાથી બાળકનું મગજ વધુ સારી રીતે વિકાસ પામે છે, તેની બુદ્ધિશક્તિમાં વધારો થાય છે. બાળકો ખૂબ નાની ઉંમરથી ગીત અને બોલવાનો ભેદ સમજી શકે છે. માટે જ્યારે તેમની સામે ગાવામાં આવે ત્યારે તેમનું ધ્યાન ગીત પર કેન્દ્રિત થાય છે અને તેમની એકાગ્રતા વધે છે. હાલરડાંથી ભાષા શીખવામાં પણ મદદ થાય છે.

હા, એ   જરૂરી નથી કે હાલરડું ફક્ત માતા જ ગાય. પિતા, વડીલો કે હવે તો રેડીમેડ ગીતોનાં જમાનામાં ફોન પર જ હાલરડાં વગાડીને બાળકોને ઊંઘાડવામાં આવે છે. માધ્યમ ભલે બદલાય પણ હાલરડાં ગવાય છે ત્યાં સુધી સંસ્કૃતિ સલામત છે તેમ જ બાળકનું માનસિક સ્વાસ્થ્ય સુરક્ષિત છે તેમ  અચૂક કહી  શકાય. આપણે બધાએ કોઈ ને કોઈ ઉંમરે હાલરડાં ગાયાં પણ હશે અને સાંભળ્યાં પણ હશે જ. તમે ક્યારેય પણ હાલરડાંનો ઉપયોગ કર્યો છે કે નહિ તેમ જ તમારું મનપસંદ હાલરડું કયું છે તે ચોક્કસ જણાવજો. તો હાલરડાં વિશે બોલો, તમે શું કહો છો?