Mon Oct 05 2026

Logo

મિમિક્રી વિવાદમાં રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશી થરૂર, ભાજપના આક્ષેપો પર આપ્યો આવો જવાબ...

2026-09-20 22:03:22
Author: Vimal Prajapati
મિમિક્રી વિવાદમાં રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશી થરૂર, ભાજપના આક્ષેપો પર આપ્યો આવો જવાબ...

નવી દિલ્હીઃ ઇન્દોરમાં આયોજિત 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીની મિમિક્રીને લઈને શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધીના સમર્થનમાં આગળ આવ્યા છે. ભાજપ દ્વારા રાહુલ ગાંધી પર થઈ રહેલા આક્ષેપો વચ્ચે સાંસદ શશી થરૂર અને પૂર્વ નેતા રશીદ અલ્વીએ કોંગ્રેસ પક્ષનો પક્ષ રજૂ કર્યો છે. આ સાથે આ વિવાદમાં ભાજપને પણ વળતો જવાબ આપ્યો છે. 

શશી થરૂરે વીડિયો શેર કરીને કરી પ્રશંસા

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇન્દોરના કાર્યક્રમનો વીડિયો શેર કરતા લખ્યું કે, ‘આ એવો ઉત્સાહ અને જોશ છે જે દેશને આગળ લઈ જાય છે. આ એક એવી યુવા પેઢી છે જે પોતાનો અવાજ અને પોતાનો સાચો નેતા શોધી રહી છે’. શશી થરૂરે સંકેત આપ્યો કે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોનો ઉત્સાહ અને તેમના પ્રશ્નો હતા.

આ વિવાદમાં રશીદ અલ્વીએ પણ કોંગ્રેસને સપોર્ટ કર્યો

કોંગ્રેસ નેતા રશીદ અલ્વીએ ભાજપના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, ‘જો રાહુલ ગાંધી કે મંચ પરથી કોઈ મહિલાનું અનાદર કરવામાં આવ્યું હોત, જેવો ભાજપ દાવો કરી રહ્યો છે, તો સામે બેઠેલી હજારો મહિલાઓ હસીને તેને પ્રોત્સાહિત ન કરત. કોઈ પણ મહિલા, ખાસ કરીને વડીલ મહિલાનું અપમાન થાય તો દેશની મહિલાઓ ક્યારેય તેની પ્રશંસા ન કરે’. વધુમાં તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓમાં ગંભીરતા અને હાસ્ય-મજાક વચ્ચેનો તફાવત સમજવાની ક્ષમતા નથી. આ માત્ર એક હળવી મનોરંજક સ્કીટ હતી, કોઈનું અપમાન કરવાનો હેતુ નહોતો.

શું હતો આ સમગ્ર વિવાદ?

ઇન્દોરમાં યોજાયેલા વિદ્યાર્થીઓના કાર્યક્રમ દરમિયાન સ્ટેન્ડ-અપ કોમેડિયન પુલકિત મણિએ પીએમ મોદીના બોલવાની શૈલી, હાથના ઈશારા, હસવાની રીત અને લોકોને ભેટવાની શૈલીની મિમિક્રી કરી હતી. આ સમયે રાહુલ ગાંધી પણ મંચ પર હાજર હતા. ભાજપે આ સ્કીટને વડાપ્રધાન અને તેમની સ્વર્ગસ્થ માતાજીનું અનાદર ગણાવીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા જેને લઈને આ વિવાદ વધારે ઉગ્ર બન્યો છે.