Fri Apr 17 2026

Logo

શેરબજારમાં હાહાકાર: ૧૩૫૨ પોઇન્ટનો જોરદાર કડાકો, નવ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

2026-03-09 16:33:00
Author: Nilesh Wagela
Article Image

નિલેશ વાઘેલા
મુંબઇ:
પશ્ર્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાલ અને ઇરાન યુદ્ધ વધીને વધુ ઉગ્ર બનાવી રહ્યા હોવા સાથે ઇઝરાયલે ઇરાનના ક્રૂડ ઓઇલના ભંડારો પર કરેલા આક્રમક હુમલા બાદ વિશ્ર્વભરના શેરબજારોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. સત્રને અંતે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે રૂ. નવ લાખ કરોડનું ધોવાણ થયું છે.  

સેન્સેક્સ ૨૪૯૪.૩૫ પોઇન્ટ અથવા તો ૩.૧૬ ટકાના કડાકા સાથે ૭૬,૪૨૪.૫૫ પોઇન્ટની નીચી સપાટી સુધી પટકાઇને સત્રને અંતે ૧૩૫૨.૭૪ પોઇન્ટ અથવા તો ૧.૭૧ ટકાના કડાકા સાથે ૭૭,૫૬૬.૧૬ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૪૨૨.૪૧ પોઇન્ટ અથવા તો ૧.૭૩ ટકાના ઘટાડા સાથે ૨૪,૦૨૮.૦૫ની સપાટીએ સ્થિર થયો હતો.

અખાતી દેશોમાં યુદ્ધ વધુને વધુ તીવ્ર બનતું જઇ રહ્યું છે ત્યારે શેરબજારમાં અપેક્ષા અનુસાર જ જોરદાર કડાકા સાથે સપ્તાહની શરૂઆત થઇ છે. નિફ્ટી અને સેન્સેક્સમાં સત્ર ખૂલવાની ગણતરીની મિનિટોમાં જ ત્રણ ટકાથી મોટો કડાકો બોલાઇ જતાં બજારમાં હાહાકાર મચી ગયો હતો અને એ તબક્કે લગભગ ૧૩ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું.

ઈરાન અને ઇઝરાયલ-યુએસ વચ્ચેના યુદ્ધની ભીષણતામાં સતત વધારો થઇ રહ્યો હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં જબરો ઉછાળો આવ્યો હતો અને તે બેરલ દીઠ ૧૨૦ ડોલર સુધી પહોંચી ગયું હતું. એ જ સાથે ડોલર સામે રૂપિયો નવી ઐતિહાસકિ નીચી સપાટીએ પટકાવાને કારણે મેક્રોઇકોનોમિક્સ પર ચિંતા વધી જવાથી વેચવાલીનું દબાણ તીવ્ર બન્યું હતી.

ખાસ કરીને બેંકિંગ, ઓટો અને પીએસયુ બેંક શેરોમાં ભારે નુકસાન થયું હતું, જે રિસ્ક ઓફ સેન્ટિમેન્ટનો સંકેત આપે છે. મેટલ, મીડિયા અને રિયલ્ટીમાં પણ તીવ્ર ઘટાડો થયો હતો, જ્યારે એફએમસીજી, આઇટી અને ફાર્મા જેવા ડિફેન્સિવ સેકટરના શેરો તુલનાત્મક રીતે ઓછા ઘટ્યા હતા.

આજે શેરબજાર કેમ તૂટી ગયું?

૧) ક્રૂડ ઓઇલના ભાવ બેરલદીઠ ૧૦૦ ડોલરથી ઉપર ઊછળ્યા
૨) મધ્ય પૂર્વનું યુદ્ધ વધુ વણસ્યું
૩) રૂપિયો ૯૨ ડોલરથી વધુ નીચે સપાટીને અથડાયો
૪) યુએસ બોન્ડ યીલ્ડમાં આવેલો ઉછાળો
૫) એફઆઇઆઇના સતત વેચાણથી સેન્ટિમેન્ટ વધુ નબળું પડ્યું
૬) ગ્લોબલ માર્કૈટ્સમાંથી નેગેટીવ સંકેત
૭) મધ્ય પૂર્વ યુદ્ધની ભારતના મેક્રોઇકોનોમિક્સ પર સંભવિત નકારાત્મક અસર