Fri May 22 2026

Logo

પાછોતરા સત્રમાં બ્લ્યુચીપ શૅરોમાં વેચવાલી વધતાં સેન્સેક્સમાં 114 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 32 પૉઈન્ટનો ઘટાડો

2026-05-19 20:44:53
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ તહેરાન સાથે ચર્ચા કરી રહ્યું છે અને તેઓ એક સ્વીકૃત ડીલ સુધી પહોંચી શકે તેમ હોવાથી આ ત્રણે દેશોની અરજને ધ્યાનમાં લેતાં અમે ઈરાન પર હુમલા અટકાવ્યા હોવાનું અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આજે જણાવતાં એકંદરે સત્ર દરમિયાન બજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. તેમ છતાં ખાસ કરીને પાછોતરા સત્રમાં એચડીએફસી બૅન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવાં બ્લ્યુચીપ શૅરોમાં વેચવાલીનું દબાણ વધવાની સાથે ડૉલર સામે રૂપિયો વધુ 50 પૈસાના કડાકા સાથે 96.70ની નવી નીચી સપાટી સુધી ગબડ્યો હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતાં સત્ર દરમિયાન બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલો અનુક્રમે 431.23 પૉઈન્ટનો અને 132.35 પૉઈન્ટનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે સેન્સેક્સ 114.19 પૉઈન્ટના અને નિફ્ટી 31.95 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. 

વધુમાં વૈશ્વિક સ્તરે ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ રહેતાં બજાર વધુ દબાણ હેઠળ આવી હતી. જોકે, આજે આઈટી શૅરોમાં સુધારાતરફી વલણ રહેતાં બૅન્ચમાર્કમાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે લેવાલી જોવા મળ્યા બાદ આજે રૂ. 17,907.55 કરોડની ખરીદી સામે રૂ. 20,365.04 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 2547.49 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 16,951.95 કરોડની ખરીદી સામે રૂ. 13,150.27 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 3801.68 કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું હતું. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 75,315.04ના બંધ સામે સુધારાના અન્ડરટોને 75,441.27ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 75,115.99 અને ઉપરમાં 75,746.27ની રેન્જમાં રહ્યા બાદ અંતે 114.19 પૉઈન્ટ અથવા તો 0.15 ટકાના ઘટાડા સાથે 75,200.85ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 23,649.95ના બંધ સામે સુધારાના અન્ડરટોને 23,675.30ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 23,587.20થી 23,782.30ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 31.95 પૉઈન્ટ અથવા તો 0.14 ટકાના ઘટાડા સાથે 23,618ના મથાળે બંધ રહ્યો હતો. આજે બીએસઈ ખાતે કુલ 435 શૅરોમાં કામકાજ થયા હતા.

જેમાંથી 2544 શૅરના ભાવ વધીને, 1645 શૅરના ભાવ ઘટીને અને 163 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 91 શૅરના ભાવ બાવન સપ્તાહના ટોચે અને 33 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે રહ્યા હતા અને આઠ શૅરના ભાવમાં નીચલી સર્કિટ લાગી હતી. 

અમેરિકા દ્વારા ઈરાન પર લશ્કરી કાર્યવાહી તાત્પૂરતી સ્થગિત રાખવામાં આ હોવાના નિર્દેશો સાથે બજારમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, પરંતુ પાછોતરા સત્રમાં વેચવાલીનું દબાણ વધતાં સુધારો ધોવાઈ ગયો હતો. આજે ડૉલર સામે રૂપિયામાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહેતાં ખાસ કરીને આઈટી શૅરોમાં નોંધપાત્ર સુધારો રહેતાં બૅન્ચમાર્ક ઈન્ડેક્સમાં ઘટાડો સિમિત રહ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન આઈટી શૅરોમાં તેજીનું વલણ રહેતાં બજારને ટેકો મળ્યો હતો, પરંતુ ક્રૂડતેલના ભાવમાં વધારાથી ફુગાવામાં વધારો થવાની અને રૂપિયામાં ધોવાણની ચિંતા સપાટી પર આવતા સુધારો ધોવાઈ ગયો હોવાનું લાઈવ લૉન્ગ વૅલ્થનાં સ્થાપક અને રિસર્ચ એનાલિસ્ટ હરિપ્રસાદ કેએ જણાવ્યું હતું. 

આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 13 શૅરના ભાવ વધીને 17 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યાં હતાં. જેમાં મુખ્ય વધનાર શૅરોમાં ઈન્ફોસિસમાં સૌથી વધુ 4.77 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એચસીએલ ટૅક્નોલૉજીસમાં 2.82 ટકાનો, ટૅક મહિન્દ્રામાં 2.55 ટકાનો, ઈટર્નલમાં 2.40 ટકાનો, ટીસીએસમાં 1.90 ટકાનો અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 0.90 ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય અન્ય મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 2.51 ટકાનો ઘટાડો કોટક મહિન્દ્રા બૅન્કમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટાઈટનમાં 1.63 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.57 ટકાનો, અદાણી પોર્ટસમાં 1.37 ટકાનો, ભારતી એરટેલમાં 1.26 ટકાનો અને સન ફાર્મામાં 0.14 ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 1.39 ટકા અને મિડકેપ ઈન્ડેક્સ 0.93 ટકા વધીને બંધ રહ્યો હતો. તેમ જ નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 19 શૅર વધીને, 30 શૅર ઘટીને અને એક શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. 

આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં ટોપ ટેન બૅન્ક ઈન્ડેક્સમાં 0.55 ટકાનો, ખાનગી બૅન્કના ઈન્ડેક્સમાં 0.54 ટકાનો, સર્વિસીસ ઈન્ડેક્સમાં 0.30 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 0.26 ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં 0.21 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે બીએસઈ ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 3.25 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 3.22 ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં 1.35 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં 0.67 ટકાનો અને ક્નઝ્યુમર ડિસ્ક્રેશનરી ઈન્ડેક્સમાં 0.60 ટકાનો સુધારો આવ્યો હતો. 

એશિયન બજારોમાં આજે દક્ષિણ કોરિયાનો બૅન્ચમાર્ક કોસ્પી અને જાપાનનો નિક્કી 225 ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો, જ્યારે શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યો હતો. તેમ જ મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધ્યા મથાળેથી 1.80 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 110 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.