Tue Oct 06 2026

Logo

સત્ર દરમિયાન સેન્સેક્સ 742 પૉઈન્ટ પટકાયા બાદ ક્રૂડતેલના ભાવ ઘટતા અંતે સાધારણ 120 પૉઈન્ટનો ઘટાડો

2026-09-11 19:44:58
Author: Ramesh Gohil
સત્ર દરમિયાન સેન્સેક્સ 742 પૉઈન્ટ પટકાયા બાદ ક્રૂડતેલના ભાવ ઘટતા અંતે સાધારણ 120 પૉઈન્ટનો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 
મુંબઈઃ
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલમાં વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં પીછેહઠ જોવા મળવાની સાથે ખાસ કરીને આઈટી ક્ષેત્રના શૅરોમાં અને એચડીએફસી બૅન્કના શૅરોમાં લેવાલી નીકળતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સત્ર દરમિયાન જોવા મળેલો 742.પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલો 246.40 પૉઈન્ટનો ઘટાડો ધોવાઈ ગયો હતો અને અંતે બૅન્ચમાર્ક અનુક્રમે સાધારણ 120.83 પૉઈન્ટ અને 79.70 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. તેમ જ સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 2.26 ટકાનો અથવા તો 1733.67 પૉઈન્ટનો અને નિફ્ટીમાં બે ટકા અથવા તો 499.6 પૉઈન્ટનો ઘટાડો નોંધાયો છે. 

વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 12,616.89 કરોડની ખરીદી સામે રૂ. 13,547.79 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 930.90 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 15,109.58 કરોડની ખરીદી સામે રૂ. 13,141.41 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 1968.17 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેકસ ગઈકાલના 74,902.59ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 74,309.16ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 74,160.16 અને ઉપરમાં 74,917.15ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.16 ટકા અથવા તો 120.83 પૉઈન્ટના ઘટાડા સાથે 74,781.76ની સપાટીએ બંધ રહ્યો હતો.

તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 23,477.80ના બંધ સામે 23,270.30ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 23,231.40 અને ઉપરમાં 23,448.10ની રેન્જમાં અથડાઈને અંતે 0.34 ટકા અથવા તો 79.70 પૉઈન્ટના ઘટાડા સાથે 23,398.10ની સપાટીએ બંધ રહ્યો હતો. 

એકંદરે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નફારૂપી વેચવાલી નીકળતાં ભાવ 3.19 ટકા ઘટીને બેરલદીઠ 104.2 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના નિર્દેશો તેમ જ ચોક્કસ ક્ષેત્રના શૅરોમાં અને તેમાં પણ ખાસ કરીને આઈટી શૅરોમાં વૅલ્યૂ બાઈંગ નીકળતાં બજારમાં મોટો ઘટાડો અટક્યો હતો અને સાધારણ ઘટાડા સાથે બૅન્ચમાર્ક બંધ રહ્યા હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.

જોકે, ક્રૂડતેલના ઊંચા ભાવ, વિદેશી ફંડોનો બાહ્યપ્રવાહ અને ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે બજારમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળી રહ્યું છે, પરંતુ તેની સામે આગામી મધ્યમ સમયગાળાના મક્કમ આઉટલૂકને ધ્યાનમાં લેતા સ્થાનિક ફંડોની લેવાલીનો બજારને ટેકો મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટ ગેપડાઉન સાથે ખૂલ્યા બાદ ખાસ કરીને હેવી વેઈટ શૅરોમાં ઘટ્યા મથાળેથી નીકળેલું વૅલ્યૂ બાઈંગ અને ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવતાં બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યા હોવાનું રિસર્ચ એનાલિસ્ટ કંપની એચએસટી વૅલ્થના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર હરિસેલ્વન રાધાકૃષ્ણને જણાવતાં ઉમેર્યું હતું કે આજે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવ્યો છે, પરંતુ ભાવ હજુ બેરલદીઠ 104 ડૉલર જેવી ઊંચી સપાટીએ જ હોવાથી ફૂગાવામાં વધારાની અને આયાત બિલ વધતાં રૂપિયો પણ દબાણ હેઠળ આવે તેવી ચિંતા યથાવત્‌‍ છે. 

દરમિયાન આજે બીએસઈ ખાતે કુલ 4559 શૅરમાં કામકાજ થયા હતા. જેમાં 1739 શૅરના ભાવ વધીને 2612 શૅરના ભાવ ઘટીને અને 208 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 11 શૅરના ભાવ વધીને અને 19 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.

આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 1.67 ટકાનો ઘટાડો ટાટા સ્ટીલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે રિલાયન્સમાં 1.33 ટકાનો, સન ફાર્મામાં 1.18 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 1.13 ટકાનો, એનટીપીસીમાં 1.10 ટકાનો અને પાવરગ્રીડ કોર્પોરેશનમાં 1.07 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 2.02 ટકાનો વધારો એચડીએફસીમાં આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટૅક મહિન્દ્રામાં 1.38 ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં 0.85 ટકાનો, ઈટર્નલમાં 0.78 ટકાનો, ઈન્ફોસિસમાં 0.64 ટકાનો અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 0.62 ટકાનો સુધારો આવ્યો હતો. આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 37 શૅરના ભાવ ઘટીને, 12 શૅરના ભાવ વધીને અને એક શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યાના અહેવાલ હતા. 

આજે બીએશઈ ખાતેના સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.67 ટકાનો અને મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.07 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં રિઅલ્ટી ઈન્ડેક્સમાં 2.69 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 2.40 ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં 1.61 ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં 1.06 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં એક ટકાનો અને ઑટો ઈન્ડેક્સમાં 0.88 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે આજે ફાઈનાન્સિયલ સર્વિસીસ, પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સ, આઈટી, ટેલિકોમ્યુનિક્ેશન, બૅન્કેક્સ, અને ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હતું.

આજે એશિયન બજારમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225, શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.