Fri Apr 17 2026

Logo

મેટલ અને ઑટો શૅરમાં આકર્ષણ વધતાં સેન્સેક્સે 567 પૉઈન્ટના સુધારા સાથે 76,000ની સપાટી પાર કરી

2026-03-17 20:12:18
Author: Ramesh Gohil
Article Image

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 4741.22 કરોડની વેચવાલી સામે સ્થાનિક ફંડોની રૂ. 5225.32 કરોડની લેવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક ઈક્વિટી માર્કેટના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને ઑટો અને મેટલ શૅરોમાં રોકાણકારોની લેવાલી પ્રબળ રહેતાં સતત બીજા સત્રમાં સુધારાતરફી વલણ જોવા મળતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ સત્ર દરમિયાન 801.41 પૉઈન્ટ વધ્યા બાદ અંતે 567.99 પૉઈન્ટના સુધારા સાથે 76,000ની સપાટી પાર કરી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી સત્ર દરમિયાન 248 પૉઈન્ટ વધ્યા બાદ અંતે 172.35 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. 

એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 11,903.71 કરોડની ખરીદી સામે રૂ. 16,644.93 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 4741.22 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 16,762.65 કરોડની ખરીદી સામે રૂ. 11,537.33 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 5225.32 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 75,502.85 પૉઈન્ટના બંધ સામે સુધારાના અન્ડરટોને 75,826.68ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 75,324.73 અને ઉપરમાં 76,304.26ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 567.99 પૉઈન્ટ અથવા તો 0.75 ટકા વધીને 76,070.84ની સપાટીએ બંધ રહ્યો હતો.

તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 23,408.80ના બંધ સામે સુધારાના અન્ડરટોને 23,493.20ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 23,346.60થી 23,656.80ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.74 ટકા અથવા તો 172.35 પૉઈન્ટના સુધારા સાથે 23,581.15ના મથાળે બંધ રહ્યો હતો. 

એકંદરે આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે રોકાણકારોનું ખાસ કરીને ઑટો, મેટલ અને ફાઈનાન્સિયલ જેવા સાઈક્લિકલ ક્ષેત્રના શૅરોમાં યુદ્ધના પરિણામે જોવા મળેલા મોટા ઘટાડા બાદ બાર્ગેઈન હંટિંગ નીકળતાં બજારમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું છે. જોકે, આજે સુધારો જળવાઈ રહેશે કે કેમ તે અંગે અત્યારે કહેવું મુશ્કેલ છે કેમ કે હજુ યુદ્ધની બાબતમાં અનિશ્ચિતતાના યથાવત્‌‍ જ છે, એમ જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

વધુમાં આજે ભારતનાં વૉલેટિલિટી ઈન્ડેક્સમાં આઠ ટકા સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હોવાથી ચોક્કસ ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની નીચા મથાળેથી લેવાલીનું આકર્ષણ રહેતાં સતત બીજા સત્રમાં આગેકૂચ જોવા મળી હોવાનું લાઈવ લૉન્ગ વૅલ્થના સ્થાપક અને રિસર્ચ એનાલિસ્ટ હરિપ્રસાદ કે એ જણાવ્યું હતું. 

આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 21 શૅરના ભાવ વધીને અને નવ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 5.70 ટકાનો ઉછાળો ઈટર્નલમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે ટાટા સ્ટીલમાં 4.41 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 3.12 ટકાનો, ભારત ઈલેક્ટ્રિનિક્સ લિ.માં 2.39 ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 2.29 ટકાનો અને ભારતી એરટેલમાં 2.13 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ઈન્ફોસિસમાં 1.37 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

આ સિવાય બજાજ ફાઈનાન્સમાં 1.17 ટકાનો, આઈટીસીમાં 1.05 ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં 0.73 ટકાનો, ટીસીએસમાં 0.69 ટકાનો અને અદાણી પોર્ટસમાં 0.65 ટકાનો ઘટાડો આવ્યો હતો. એકંદરે આજે બીએસઈ ખાતે કુલ 4411 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાં 2332 શૅરના ભાવ વધીને, 1930 શૅરના ભાવ ઘટીને અને 149 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 56 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 440 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા અને 11 શૅરના ભાવમાં નીચલી સર્કિટ લાગી હતી. 

આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.86 ટકા અને 0.67 ટકા વધીને બંધ રહ્યા હતા, જ્યારે સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં મેટલ ઈન્ડેક્સમાં સૌથી વધુ 2.81 ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય ઑટો ઈન્ડેક્સ 2.05 ટકા, રિઅલ્ટી ઈન્ડેક્સ 1.79 ટકા, કૉમૉડિટી ઈન્ડેક્સ 1.69 ટકા, ક્નઝ્યુમર ડિસ્ક્રેશનરી ઈન્ડેક્સ 1.54 ટકા, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સ 1.54 ટકા, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સ 1.40 ટકા, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ 1.24 ટકા અને બૅન્કેક્સ 0.90 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે તેની સામે આઈટી, એફએમસીજી અને બીએઈ ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

એશિયન બજારોમાં આજે દક્ષિણ કોરિયાના ક્સ્પીમાં 1.63 ટકાનો ઉછાળો આવ્યો હતો અને હૉંગકૉંગના હૅંગસૅંગમાં સાધારણ સુધારો હતો, જ્યારે જાપાનના નિક્કી 225 અને શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. તેમ જ આજે યુરોપનાં બજારોમાં મધ્ય સત્ર દરમિયાન સુધારાતરફી વલણ રહ્યું હતું. 

વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 2.44 ટકા ઉછળીને બેરલદીઠ 102.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ક્રૂડતેલના ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 12 પૈસાના ઘટાડા સાથે ઐતિહાસિક નીચી 92.40ની સપાટીએ બંધ રહ્યો હતો.