Thu Jul 23 2026

Logo

રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ, તાપીના વાલોદમાં અઢી ઇંચ સુધી વરસાદ

2026-07-19 10:49:50
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરુ થયો છે. આ વખતે ફરી દક્ષિણ ગુજરાત પર મોનસુનની મહેરબાની જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થયા છે. આ સિસ્ટમના કારણે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

છેલ્લા 24 કલાકમાં ( 18 જુલાઇ સવારે 6 વાગ્યાથી 19 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી) રાજ્યના 34 તાલુકામાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ તાપીના વાલોદ તાલુકામાં 2.44 ઇંચ વરસાદ વરસ્યો છે.  આ ઉપરાંત, વલસાડના ઉમરગામ તાલુકામાં 2.40 ઇંચ, તાપીના વ્યારામાં 2.24 ઇંચ વરસાદ, ઉકાઇ તાલુકામાં 2.09 ઇંચ, સુરત શહેરમાં 1.93 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 1.22 ઇંચ, નવસારીના ચીખલીમાં 1.18 ઈંચ, સુરતના ઉમરપાડામાં 1.10 ઇંચ વરસાદ વરસ્યો છે. 

અન્ય તાલુકા પર નજર કરીએ તો વલસાડના ધરમપુરમાં 1 ઇંચ, સુરતના મહુવામાં ઇંચ, નવસારી તાલુકામાં 1 ઇંચ, નવસારીના જલાલપોરમાં 1 ઇંચ, નર્મદાના ચિકડામાં 1 ઇંચ, ડેડિયાપાડામાં 1 ઇંચ, નવસારીના ખેરગામમાં 1 ઇંચ, ભરુચના અંકલેશ્વરમાં 1 ઇંચ, વલસાડના કપરાડા અને પારડી તાલુકામાં 0.87 મિમી, સુરતના માંગરોળમાં 0.87 મિમી, તાપીના ડોલવણમાં 0.87 મિમી, નવસારીના વાંસદામાં 0.83 મિમી, સુરતના ચોર્યાસી, ઓલપાડ, બારડોલીમાં પોણા ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 

અન્ય જિલ્લા અને તાલુકામાં નજર કરીએ તો વલસાડ તાલુકો, નર્મદાનો સાગબારા, તાપીનો સોનગઢ, ભરુચનો નેત્રંગ, સુરતના માંડવી, ડાંગના આહવા, સુરતના પલસાણા, અંબિકા અને પંચમહાલના ગોધરામાં અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં વરસાદના આંકડા પર એક નજર કરીએ તો, ચાલુ સીઝનમાં ગુજરાતમાં હજી સુધી સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 255.7 mm વરસાદ થવો જોઈતો હતો, જેની સામે માત્ર 137 mm વરસાદ જ નોંધાયો છે. એટલે કે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 32% વરસાદની ઘટ જોવા મળી છે.

દ્વારકામાં સૌથી ઓછો વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. અહીં સામાન્ય રીતે થતા 233 mm વરસાદની સામે માત્ર 8.4 mm વરસાદ જ પડ્યો છે, જે 96% જેટલી મોટી ઘટ દર્શાવે છે.