અમદાવાદઃ ગુજરાતનો દરિયાકાંઠો આગામી 5 દિવસ તોફાની બનશે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આશંકા છે. ભારે પવન અને તોફાની માહોલના કારણે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે 29 જૂન થી 3 જુલાઈ સુધીનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ વાતાવરણમાં સર્જાયેલા તીવ્ર દબાણના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ખૂબ જ તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયું છે.
હવામાન વિભાગ મુજબ, જખૌ, માંડવી (કચ્છ), ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર, મૂળ દ્વારકા, દીવ, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, વિકટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે.
5 દિવસ દરમિયાન આ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને દરિયો તોફાની બનશે. આ દરમિયાન માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી હતી.
INCOIS દ્વારા હાઇ વેવનું એલર્ટ
દરિયાના મોજાં ઉછળવા અંગે INCOIS દ્વારા ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ અમરેલીના દરિયાકાંઠે આજે 1.5 થી 1.6 મીટરની ઊંચાઈના મોજાં ઉછળવાની આગાહી કરવામાં આવી છે. ભાવનગરના દરિયાકાંઠે આવતીકાલે વહેલી સવારે 5.30 વાગ્યા સુધી 1 થી 1.1 મીટર ઊંચા મોજાં ઉછળવાની સંભાવના છે. તંત્ર દ્વારા દરિયાકાંઠે નૌકા વિહાર કરનારાઓને અત્યંત સાવધ રહેવા અને પ્રવાસીઓને દરિયા કિનારે સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.