Sun Aug 23 2026

Logo

ભારત પર શાસન કરનારી ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ ફરીથી ડૂબી! લંડનનો લક્ઝરી સ્ટોર બંધ

2026-02-26 22:30:00
Author: Savan Zalariya
Article Image

લંડન: એક સમયે ભારતના મોટાભાગના વિસ્તારો પર શાસન કરનાર બ્રિટિશ ટ્રેડિંગ ફર્મ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને 1858માં બ્રિટીશ સરકારે પોતાના હસ્તક લઇ લીધી હતી અને 1874માં કંપની નિષ્ક્રિય થઇ ગઈ હતી. હવે 152 વર્ષ બાદ બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપની ફરી એક વાર નાદાર થઇ છે.

અહેવાલ મુજબ લંડનની લક્ઝરી રિટેલર ઇસ્ટ ઇન્ડિયા કંપની ફરી નાદાર થઇ ગઈ, આ કંપની બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિ સંજીવ મહેતાની માલિકીની હતી. વર્ષમાં 2010 માં સંજીવ મહેતાએ ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ નામના રાઈટ્સ ખરીદ્યા હતાં અને કંપનીને પુનર્જીવિત કરી હતી. કંપનીએ લક્ઝરી ફૂડ એન્ડ ડ્રીંક પ્રોડક્ટ્સનો વેપાર શરુ કર્યો હતો છે.

બ્રિટીશરો સામે બદલો!

વર્ષ 2010 માં સંજીવ મહેતાએ જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપની નામના રાઈટ્સ ખરીદ્યા, તેઓ ખુબ ચર્ચામાં રહ્યા હતાં. તેમના આ પગલાને ‘બ્રિટીશરો સામે બદલો’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. એક સમયે હેડ લાઈન્સ છપાઈ હતી કે એક સમયે ભારત પર શાસન કરતી એક કંપનીનો માલિક હવે એક ભારતીય છે. 

કંપનીએ વર્ષ 2010માં લંડનના મેફેરમાં 97 ન્યૂ બોન્ડ સ્ટ્રીટ પર 2000 ચોરસ ફૂટનો લક્ઝરી સ્ટોર શરુ કર્યો હતો, જેમાં ઉચ્ચ ગુણવત્તાની ચા, ચોકલેટ, કન્ફેક્શનરી, મસાલા અને અન્ય વસ્તુઓ વેચવામાં આવતી હતી. પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મળેલું આ નવું જીવન લાંબુ ના ચાલ્યું. 

કંપની દેવું ન ભરી શકી:

અહેવાલ મુજબ ઇસ્ટ ઇન્ડિયા કંપની લિમિટેડે ઓક્ટોબર 2025 માં લિક્વિડેટર્સની નિમણૂક કરી હતી. કંપનીના  પેરેન્ટ ગ્રુપને £600,000 (રૂ. 6.3 કરોડ), કરમાં £193,789 (રૂ. 2.03 કરોડ) અને કર્મચારીઓને £163,105 (રૂ. 1.71 કરોડ) થી વધુની રકમ ચુકવવાની બાકી છે. સંજીવ મહેતા સાથે "ઇસ્ટ ઇન્ડિયા" નામ સાથેની અન્ય જેટલી કંપનીઓ જોડાયેલી છે, એ તમામનું વિસર્જન કરવામાં આવ્યું છે.

કંપનીની વેબસાઇટ બંધ કરી દેવામાં આવી છે, લંડનના મેફેરમાં 97 ન્યૂ બોન્ડ સ્ટ્રીટ પર આવેલી કંપનીની શોપ હાલ ખાલી છે. અન્ય એક કંપની, ઇસ્ટ ઇન્ડિયા કંપની કલેક્શન્સ લિમિટેડને પણ તાજેતરમાં બેંકોએ  વાઇન્ડ-અપ નોટીસ મોકલી હતી.