(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારતરફી વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે સંભવિતપણે રિઝર્વ બૅન્કનો હાજર બજારમાં હસ્તક્ષેપ રહેતાં ડૉલર સામે રૂપિયામાં વધુ સાત પૈસાનો સુધારો આવ્યો હતો. જોકે, પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા આજે ક્રૂડતેલના ઊંચા ભાવ અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.50ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.40ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.48 અને ઉપરમાં 95.25 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે સાત પૈસાના સુધારા સાથે 95.43ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 26 પૈસાનો ચમકારો આવ્યો હતો. તેમ જ આજે સતત પાંચમાં સત્રમાં સુધારાની આગેકૂચ જળવાઈ રહી હતી.
હાલમાં અમેરિકા ઈરાન પર અને ઈરાન અમેરિકાના સહયોગી અખાતી દેશો પર હુમલાઓ કરી રહ્યા હોવાથી નજીકના ભવિષ્યમાં કોઈ સમાધાન થવાની શક્યતા ન જણાતા આજે ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડતેલના ભાવમાં વધારો થયો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની ડૉલરમાં વેચવાલી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાના પ્રોત્સાહક અહવાલે રૂપિયામાં સકારાત્મક વલણ જોવા મળ્યું હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટનાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું.
વૈશ્વિક ઈક્વિટી માર્કેટના સુધારાતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીને ધ્યાનમાં લેતા વધુમાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 95થી 95.60ની રેન્જમાં રહે તેવી ધારણા છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.28 ટકા વધીને 100.14 અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.42 ટકા વધીને બેરલદીઠ 89.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 166.49 પૉઈન્ટનો અને 66.45 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી અને ગઈકાલે વિદેશી ફંડોની ઈક્વિટીમાં રૂ. 3623.51 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું.