(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ એશિયાની ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે આજે વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં આવેલો ઉછાળો, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી અને માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલીનું દબાણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 53 પૈસાના કડાકા સાથે 94.68ની સપાટીએ બંધ રહ્યો હતો.
વધુમાં તાજેતરમાં મૂડીગત્ પ્રવાહમાં જોવા મળેલી ભારે ચંચળતા અને આ વર્ષમાં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અંદાજે 16 અબજ ડૉલર કરતાં વધુ માત્રામાં વેચવાલી જોવા મળી હોવાથી ચાલુ ખાતાની ખાધમાં તીવ્ર વધારો થવાની ભીતિ સપાટી પર આવી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.15ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 94.35ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન એક તબક્કે ગબડીને 94.68ના તળિયા સુધી પહોંચ્યા બાદ ઉપરમાં 94.35ની ખૂલતી સપાટી દાખવીને અંતે 53 પૈસા ગબડીને 94.68ના મથાળે સત્રની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સાધારણ સુધારો આવ્યો હતો.
એકંદરે ચોખ્ખા વિદેશી રોકાણનો પ્રવાહ દબાણ હેઠળ રહેવાની સાથે વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી, ઈક્વિટીના ઊંચા વેલ્યુએશન્સ અને એઆઈ ક્ષેત્રમાં મજબૂત રોકાણનો અભાવ જેવા કારણોસર રૂપિયો વધુ દબાણ હેઠળ આવી રહ્યો હોવાનું કેરએજનાં ચીફ ઈકોનોમિસ્ટ રજની સિંહાએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.24 ટકા વધીને 98.73 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 2.62 ટકા ઉછળીને બેરલદીઠ 111.07 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 416.72 પૉઈન્ટનો અને 97 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1151.48 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં ઑલ ફોલ ડાઉનનું વલણ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.